પ્રીતિ પટેલને ધમકી પત્ર મોકલનાર પૂનીરાજને પાંચ મહિનાની કેદ
લંડન – પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ધમકી આપતો પત્ર મોકલનાર એનએચએસના એક પીઢ કર્મચારીને પાંચ માસની કેદ ફટકારવામાં આવી છે. 65 વર્ષીય પૂનીરાજ કેનકિયાહે જાન્યુઆરી 2022મં પ્રીતિ પટેલને પત્ર લખ્યો હતો. તે સમયે પ્રીતિ પટેલ બોરિજ જોન્સન સરકારમાં હોમ સેક્રેટરી હતા. પત્રમાં પૂનીરાજે ધમકી ઉચ્ચારી હતી કે તમારો અંત સમય નજીક આવી ગયો છે. તૈયાર રહેજો. અમે તમારા ટુકડા કરી નાખીશું. અમે તેના માટે યોગ્ય તકની રાહ જોતાં રહીશું.
હું હિન્દુ છું અને ક્યારેય ઇસ્લામિક આતંકવાદને સમર્થન આપીશ નહીં – નાગરાજન
લંડન - આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ટોચના કથિત ફાઇનાન્સિયરો પૈકીના એક નાઝેમ સઇદ એહમદને ભંડોળ ઉપલબ્ધ કરાવવાના આરોપનો સામનો કરતા ભારતીય નાગરિક સુંદર નાગરાજને પોતાના પરના તમામ આરોપ નકારી કાઢતાં વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટને જણાવ્યું હતું કે, હું એક હિન્દુ છું અને ક્યારેય ઇસ્લામિક આતંકવાદને સહાય કરીશ નહીં. મારો પરિવાર હિન્દુ છે અને તેણે ક્યારેય ઇસ્લામિક આતંકવાદને સમર્થન આપ્યું નથી.અમેરિકાએ નાગરાજનના પ્રત્યર્પણની વિનંતી કર્યા બાદ નાગરાજનની 18મી એપ્રિલે ધરપકડ કરી હતી જેના કારણે તેની પત્નીએ 21 એપ્રિલે આત્મહત્યા કરી લીધી હતી. સુનાવણી સમયે કોર્ટમાં હાજર રહેલો નાગરાજનનો પુત્ર તેની માતાનો ઉલ્લેખ થતાં રડી પડ્યો હતો. તે લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસે 18 એપ્રિલે 65 વર્ષીય નાગરાજનની ધપકડ કરી તેના ઘરમાંથી જ્વેલરી અને ડિવાઇસિસ જપ્ત કરી લીધાં હતાં. ભારતના મદુરાઇમાં જન્મેલો નાગરાજન 2016થી યુકેમાં વસવાટ કરે છે.
બ્રિટનમાં કોવિડ લોનની રકમ ઓળવી જનાર ગુજરાતી ઉદ્યોગપતિ દોષિત
લંડન : બ્રિટનમાં સરકારની કોવિડ-19 બાઉન્સ બેક લોન સ્કીમનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરવા બદલ લંડન સ્થિત ભારતીય ઉદ્યોગપતિને 6 મહિનાની જેલની સજા અને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉત્તર લંડનના સ્ટેનમોરમાં રહેતા 46 વર્ષીય રાજેશ ધીરજલાલ વાઘેલાને 25000 પાઉન્ડની લોન મળી હતી. ટેક્સપેયર લોનની ચુકવણી ટાળવા માટે વાઘેલાએ પોતાના બિઝનેસ બંધ કરતા પહેલા આ લોન મેળવી હતી.
વાઘેલાને કોર્ટ ખર્ચ બદલ 2150 પાઉન્ડ ચુકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે તેમ બ્રિટનની ઇનસોલવન્સી સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું છે. ઇનસોલવન્સી સર્વિસની ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ટીમના ચીફ ઇન્વેસ્ટીગેટર પિટર ફુલહામના જણાવ્યા અનુસાર આરોપીએ કોરોના મહામારી દરમિયાન વેપારીઓને મદદ કરવાના ઉદ્દેશથી બ્રિટનની સરકાર દ્વારા વિવિધ નાણાકીય સહાયની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી.
સ્ટેનમોરમાં કન્સલટીંગ કંપની કાર્યરત આરકેવી કન્સલટન્સી લિમિટેડના ડાયરેક્ટર વાઘેલાએ મે, 2020માં બાઉન્સ બેક લોન સ્કીમ હેઠળ 25,000 પાઉન્ડ મેળવવા માટે અરજી કરી હતી.
એક સપ્તાહની અંદર વાઘેલાની કંપનીના ખાતામાં 25,000 પાઉન્ડ જમા થઇ ગયા હતાં. આ રકમ મળી ગયા પછી વાઘેલાએ પોતાની કંપની બંધ કરવાની અરજી કરી હતી અને 25,000 પાઉન્ડ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતાં.
UKમાં ભારતીય મૂળનો રાજિન્દરસિંહ ડ્રગ્સ-મની લોન્ડરિંગનો માસ્ટર માઇન્ડ
લંડન - બ્રિટનમાં માદક પદાર્થોની દાણચોરી અને મની લોન્ડરિંગના આરોપોનો સ્વીકાર કર્યા બાદ એક ભારતીય મૂળના ગેંગસ્ટરને અદાલતે ગુનેગાર માન્યો હતો અને આઠ વર્ષ તથા ૧૦ મહિનાની જેલની સજા ફટકારી હતી. તેના અધિકારીઓએ સાબિત કર્યું હતું કે દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં સરેનો ૪૫ વર્ષનો રાજિન્દર સિંહ એક ગેંગ ચલાવી રહ્યો હતો. રાજિન્દર વકાસ ઇકબાલ નામના એક અન્ય આરોપી સાથે મળીને નિયમિતરૂપથી ડ્રગ્સ વેચતો હતો. રાજિન્દરનું કાળું સામ્રાજ્ય બ્રિટન ઉપરાંત યુરોપના અનેક દેશોમાં પથરાયેલું હતું. બ્રિટનની ગિલ્ડફોર્ડ ક્રાઉન કોર્ટે રાજિન્દર સિંહ બસ્સી અને તેના સાથીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સની દાણચોરીમાં દોષિત જાહેર કર્યા હતાં. રાજિન્દરે કોર્ટમાં ગુનો કબૂલી લીધો હતો. એક અલગ કેસમાં તેણે પબમાં મારપીટ કરી હોવાનો ગુનો પણ કબૂલી લીધો હતો. અહેવાલો અનુસાર જ્યારે તેની ધરપકડ કરવા માટે પોલીસ પબમાં પહોંચી હતી ત્યારે તે પોલીસ અધિકારીઓ સાથે મારપીટ કરીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ હુમલામાં પોલીસ અધિકારીને ગંભીર ઇજાઓ થઇ હતી. રાજિન્દર પહેલાં વકાસ ઇકબાલે પણ ડ્રગ્સ, પ્રતિબંધિત હથિયારોની સપ્લાઇ અને મની લોન્ડરિંગની કબૂલાત કરી હતી જે પછી કોર્ટે તેને 12 વર્ષની જેલની સજા ફટકારી હતી.


