ઇલિંગના સ્ટોરમાંથી દાણચોરીની હજારો સિગારેટ ઝડપાતાં લાયસન્સ રદ
લંડનઃ ઇલિંગ સ્થિત એક બિઝનેસ ગેરકાયદેસર ઉત્પાદનોનું વેચાણ કરતાં રંગે હાથ ઝડપાઇ જતાં તેનું લાયસન્સ 3 મહિના માટે રદ કરી દેવાયું છે. સાઉથહોલમાં આવેલા આ બિઝનેસ ખાતેથી કાઉન્સિલના અધિકારીઓએ હજારોની સંખ્યામાં ગેરકાયદેસર સિગારેટ અને ભારતમાંથી દાણચોરી કરીને લવાયેલી તમાકુનો જથ્થો જપ્ત કર્યો હતો. બિઝનેસના માલિક જગમોહન સિંહે દાણચોરીનો આ માલ તેની દુકાનની પાછળ કોલસાના થેલાઓ પાછળ સંતાડીને રાખ્યો હતો.
ડ્રગ્સની દાણચોરી માટે ભારતીય મૂળના યુવાનને 3 વર્ષની કેદ
લંડનઃ ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગના સભ્ય એવા 34 વર્ષીય ભારતીય મૂળના યુવાનને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા 3 વર્ષ જેલની સજા કરાઇ છે. આ ગેંગ નેધરલેન્ડમાંથી કોકેન અને ગાંજાની દાણચોરી કરી યુકે અને આયર્લેન્ડમાં સપ્લાય કરતી હતી. જોશપાલસિંહ કોથિરિયા પણ આ ગેંગનો સભ્ય હતો અને નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા તેની ધરપકડ કરાઇ હતી. જોશપાલસિંહ આયર્લેન્ડમાં ડ્રગ્સનો સપ્લાય અને દાણચોરી કરતો હતો.
પોલીસ પર ચાકૂ વડે હુમલા કરનારા લૂટારાને આજીવન કેદ
લંડનઃ લંડનમાં વેસ્ટ એન્ડ વિસ્તારમાં બે પોલીસ અધિકારી પર હુમલો કરી ચાકૂ વડે ઇજા પહોંચાડવાના કેસમાં એક લૂટારાને લઘુત્તમ 20 વર્ષની સજા સાથે આજીવન કેદ કરાઇ છે. મોહમ્મદ રહેમાન પર પોલીસ કોન્સ્ટેબલ જોસેફ ગેર્રાર્ડને ગળા અને છાતીમાં ચાકૂ વડે ઇજા પહોંચાડવાનો આરોપ હતો. આ પહેલાં તેણે પોલીસ કોન્સ્ટેબલ એલાન્નાહ મુલહોલને ચાકૂ વડે ઇજા પહોંચાડી હતી.
માનવ વસવાટ માટે અયોગ્ય ફ્લેટમાં ભાડુઆતો રાખવા માટે સજા
લંડનઃ માનવ વસવાટ માટે અયોગ્ય એવી ઇમારતમાં ભાડૂઆતો રાખવાના મામલે લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 55 વર્ષીય અમરજિત કુલ્લરને 10,000 પાઉન્ડનો દંડ અને પ્રોસિક્યુશન ચાર્જ પેટે 15000 પાઉન્ડ ચૂકવવા આદેશ અપાયો હતો. લેસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા કુલ્લરને ઇમર્જન્સી પ્રોહિબિશન ઓર્ડર જારી કરાયો હતો તેમ છતાં તેમણે ઓર્ડરની અવગણના કરીને ભાડુઆતો રાખવાનું જારી રાખ્યું હતું.
સ્લાઉમાં શિખ આધેડ પર હુમલા માટે 14 વર્ષીય કિશોરની ધરપકડ
લંડનઃ સ્લાઉમાં 50 વર્ષના શિખ આધેડ પર હુમલો કરવાના આરોપસર 14 વર્ષના કિશોરની અટકાયત કરાઇ છે. ગયા સપ્તાહમાં કિશોરોના એક જૂથ દ્વારા કરાયેલા હુમલામાં શિખ આધેડને ઇજાઓ પહોંચી હતી. થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું કે, અમે ઇરાદાપુર્વક ગંભીર ઇજા પહોંચાડવાની શંકાથી એક કિશોરની ધરપકડ કરી હતી. હાલ તેને 15 ફેબ્રુઆરી 2024 સુધી જામીન પર મુક્ત કરાયો છે.

