ભારતીય મૂળના 16 નાગરિકો 42 મિલિયન પાઉન્ડના મની લોન્ડરિંગ માટે દોષી
લંડનઃ આંતરરાષ્ટ્રીય મની લોન્ડરીંગ અને માનવીય તસ્કરીમાં સંડોવાયેલા પશ્ચિમ લંડન સ્થિત ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રુપમાં થયેલી મહત્વની તપાસ પછી ભારતીય મૂળના પુરુષો અને મહિલા સહિત ૧૬ જણા દોષી ઠર્યા હતા. બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા બે વર્ષની તપાસના અંતે આરોપીઓ પાસેથી 1.5 મિલિયન પાઉન્ડ જપ્ત કરાયાં હતાં. ક્રિમિનલ નેટવર્કના સભ્યોએ 2017થી 2019 વચ્ચે દુબઇની સેંકડો ટ્રીપ કરીને 42 મિલિયન પાઉન્ડથી વધુની હેરાફેરી કરી હતી.
1 મિલિયન પાઉન્ડના ગાંજાની દાણચોરી માટે ભારતીય મૂળના 3ને કેદ
લંડનઃ કેનેડાથી યુકેમાં 1 મિલિયન પાઉન્ડની કિંમતના ગાંજાની દાણચોરી માટે ભારતીય મૂળના 3 આરોપીને જેલમાં ધકેલી દેવાયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, કરન ગિલ, જગ સિંહ અને ગોવિંદ બહિયાએ ક્લાસ બીમાં આવતા ડ્રગની દાણચોરીના આરોપ કબૂલી લીધા હતા. ફેબ્રુઆરી 2021માં બોર્ડર ફોર્સ અધિકારીઓએ હિથ્રો એરપોર્ટ ખાતેથી કોમ્પ્યુટરમાં સંતાડેલા દાણચોરીના ગાંજાને જપ્ત કર્યો હતો. આ ગાંજો કેનેડાથી મોકલાયો હતો અને ડાર્ટફોર્ડમાં આવેલા એક બિઝનેસ એડ્રેસ પર ડિલિવર કરવાનો હતો. અદાલતે કરન ગિલને 7 વર્ષ, જગ સિંહને 4 વર્ષ, 9 મહિના અને ગોવિંદ બહિયાને 3 વર્ષની કેદ ફટકારી છે.
બનાવટી ડ્રગ્સ બનાવીને વેચતા ભારતીય મૂળના પિતા-પુત્ર સહિત 3 દોષી
લંડનઃ પશ્ચિમ લંડનમાં બનાવટી દવાઓની ફેક્ટરી ચલાવતા પિતા-પુત્ર સહિત ભારતીય મૂળના એક જૂથને દોષી ઠેરવવામાં આવ્યું છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ડાર્ક વેબ પર ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ વેચી રહ્યા હોવાની અમેરિકાના ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગુપ્તચર માહિતી અપાયા બાદ સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. જેના પગલે એલેન વેલેન્ટાઇન, તેના પુત્ર રોશન વેલેન્ટાઇન અને રોશનના બાળપણના મિત્ર કૃણાલ પટેલ ક્લાસ સી કન્ટ્રોલ્ડ ડ્રગ મનાતી બેન્ઝોડાયાઝેપાઇન્સ નામની દવાનું ઉત્પાદન અને વેચાણ કરતાં ઝડપાયાં હતા. આ જૂથે બનાવટી દવાના વેચાણ દ્વારા 3.5 મિલિયન પાઉન્ડની કમાણી કરી હોવાનો અંદાજ છે.
પતિએ પત્નીની હત્યા કરી લાશ થેમ્સ નદીમાં વહાવી દીધી
લંડનઃ કેનિંગ ટાઉનના ઓર્ચાર્ડ પ્લેસ ખાતેથી લાપતા બનેલી 24 વર્ષીય સુમા બેગમનો મૃતદેહ પોલીસને થેમ્સ નદીમાંથી મળી આવ્યો હતો. સુમા બેગમ 30મી એપ્રિલે લાપતા બની હતી. પોલીસે તેના પતિ અમિનાન રહેમાન પર હત્યાનો આરોપ મૂકી કેસ નોંધ્યોછે. રહેમાન પર આરોપ છે કે તેણે સુમા બેગમની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ એક સૂટકેસમાં ભરીને થેમ્સ નદીમાં વહાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. એક રાહદારીની નજર નદીમાં વહેતી સૂટકેસ પર પડ્યા બાદ તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે રહેમાનને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને 25 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.


