કારચેઝમાં વિદ્યાર્થિનીને કચડી નાખનાર બેને 14-14 વર્ષની કેદ
લંડનઃ કાર ચેઝમાં 16 વર્ષીય વિદ્યાર્થિની એલિશા ગૌપને કચડી નાખનાર ઓમર ચૈધરી અને હમીદુર રહેમાનને 14-14 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. રહેમાને ચૌધરીના પરિવારને તેના એક મહિલા સાથેના સંબંધો અંગે માહિતી આપી દેતાં ચૌધરી અને રહેમાન વચ્ચે તકરાર થઇ હતી. આ તકરારના ભાગરૂપે રહેમાને તેની બીએમડબલ્યુ કારમાં ચૌધરીનો પીછો કર્યો હતો. જેના કારણે તેમની કાર 30 માઇલના ઝોનમાં 66 માઇલની સ્પીડે દોડતી હતી. આ દરમિયાન ઓલ્ધામમાં રોકડેલ રોડ પર એલિશા ફૂટપાથ પર ચાલતી જતી હતી ત્યારે ચૌધરીએ વાહન પરનો કાબૂ ગુમાવી ફૂટપાથ પર ચડાવીને એલિશાને કચડી નાખી હતી. મિનશુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટ દ્વારા આ બંનેને દોષી ઠરાવી 14-14 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.
પાક.થી પરત ફરેલા સારાના 3 પરિવારજનની એરપોર્ટ પરથી જ ધરપકડ, હત્યાના આરોપ મૂકાયા
લંડનઃ યુકે પોલીસે 10 વર્ષીય કન્યાની હત્યાની શંકાથી પાકિસ્તાનથી પરત ફરેલા તેના 3 સગાંની ધરપકડ કરી હતી. સારા શરિફના શંકાસ્પદ મૃત્યુ બાદ તેના પિતા સહિતના પરિવારજનો પાકિસ્તાન પલાયન કરી ગયાં હતાં. સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડના વોકિંગ ખાતતેના પારિવારિક નિવાસસ્થાનમાંથી 10મી ઓગસ્ટે સારા શરિફનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સારાના શરીર પર સંખ્યાબંધ ઇજાના નિશાન હતાં. પોલીસે પાકિસ્તાનથી પરત ફરેલા ઉરફાન શરિફ, બૈનાશ બાતૂલ અને ફૈસલ મલિકની ગેટવિક એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી હતી. ત્રણે આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી તેમના પર હત્યાના આરોપ મૂક્યા હતા.
પ્રિતેશ મિસ્ત્રી અને નિલેષ લાડ પર પેટિસરી વેલેરીમાં ફ્રોડ આચરવાના આરોપ
લંડનઃ પેટિસરી વેલેરી કંપનીમાં ફાઇનાન્સિયલ કન્ટ્રોલર તરીકે ફરજ બજાવનાર પ્રિતેશ મિસ્ત્રી અને ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ નિલેષકુમાર લાડ સહિત કંપનીના પૂર્વ ફાઇનાન્સ ચીફ ક્રિસ માર્શ અને તેમની પત્ની સામે સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા ફ્રોડ અને કાવતરાના આરોપ ઘડાયાં છે. પેટિસરી વેલેરી કંપનીના શટર પડી ગયાંને પાંચ વર્ષ વીતી ગયાં છે અને તેના હિસાબોમાં 40 મિલિયન પાઉન્ડના ગોટાળા સામે આવ્યા બાદ તેના શેર સ્થગિત કરી દેવાયાં હતાં. હિસાબમાં ગેરરિતીઓ મળી આવ્યા બાદ કંપનીના બોર્ડે ક્રિસ માર્શને સસ્પેન્ડ કરી દીધા હતા.
કોરોના લોન ફ્રોડ માટે લેસ્ટરના શૈલેષ કટારિયાને કેદની સજા
લંડનઃ કોરોના કાળમાં અપાયેલી લોન ઓળવી જવાના આરોપી લેસ્ટરના શૈલેષ કટારિયાએ આ માટે તેની પત્ની જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે. કટારિયાએ કોર્ટને જણાવ્યું હતું કે મારી અને મારી પત્ની વચ્ચે બાળકોની કસ્ટડી માટે કાનૂની લડાઇ ચાલી રહી હતી તેથી તેણે મને મુશ્કેલીમાં મૂકવા મારા નામે કોવિડ બિઝનેસ લોન મેળવવા બનાવટી અરજી કરી હતી. આ માટે તેણે મારા પ્રાઇવેટ સેવિંગ્સ એકાઉન્ટ અને પાસપોર્ટનો પણ ઉપયોગ કર્યો હતો. મે 2020માં લેસ્ટર સિટી કાઉન્સિલને કટારિયાના નામે 10,000 પાઉન્ડની સ્મોલ બિઝનેસ ગ્રાન્ટ મેળવવા અરજી મળી હતી. જોકે કોર્ટે કટારિયાની તમામ દલીલો ફગાવીને ફ્રોડ માટે દોષી ઠેરવી બે વર્ષ માટે સસ્પેન્ડેડ 26 સપ્તાહ કેદની સજા ફટકારી હતી. કોર્ટે કટારિયાને 200 કલાક વિના વેતને કામ કરવા અને કોર્ટ કોસ્ટ પેટે 2685 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
અકસ્માતમાં ભારતીય મૂળના બે બાળકના મોત માટે બે દોષી
લંડનઃ ચાર વર્ષ પહેલાં વૂલ્વરહેમ્પટનમાં એક કાર અકસ્માતમાં ભારતીય મૂળના બે બાળકોના મોત માટે યુકેની કોર્ટે બે વ્યક્તિને દોષી ઠેરવ્યાં છે. ભયજનક ડ્રાઇવિંગ દ્વારા 10 વર્ષીય સંજય અને 23 મહિનાના પવનવીર સિંહના મોત નિપજાવવા માટે વૂલ્વરહેમ્પટનની ક્રાઉન કોર્ટે એડબેસ્ટનના મોહમ્મદ સુલેમાન ખાન અને બર્મિંગહામના મોહમ્મદ આસિફ ખાનને દોષી ઠેરવ્યા છે.