બ્રિટન ક્રાઇમ ફાઇલ્સ

Tuesday 03rd October 2023 12:00 EDT
 

લેસ્ટરમાંથી 16 વર્ષીય એશિયન યુવતી તાન્યા લાપતા, શોધખોળ જારી

લંડનઃ 16 વર્ષીય એશિયન યુવતી લેસ્ટર ખાતેના તેના નિવાસસ્થાનેથી લાપતા બનતાં સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અગાઉ સાન્યાના નામે ઓળખાતી તાન્યાને છેલ્લે 24 સપ્ટેમ્બરના રવિવારના રોજ સાંજે 6 કલાકે તેના ઘરમાં જોવાઇ હતી. ત્યારબાદ તેનો કોઇ અતોપતો નથી. લેસ્ટર પોલીસે આ યુવતીનું આખું નામ જાહેર કર્યું નથી. તાન્યાની શોધ ચલાવી રહેલી પોલીસે જણાવ્યું હતું કે, અમે તાન્યાની સ્થિતિ અંગે ચિંતિત છીએ. પોલીસ તાન્યાને શોધી કાઢવા સંખ્યાબંધ સ્થળે પૂછપરછ કરી રહી છે અને તેની શોધમાં મદદ માટે જાહેર જનતાને અપીલ પણ કરી છે.

---------------------------------------------------------------

ખોટા વીમા દાવા રજૂ કરનારને 2 લાખ પાઉન્ડ ચૂકવવા આદેશ

લંડનઃ 60 જેટલા મોટર ઇન્શ્યુરન્સના ખોટા દાવા રજૂ કરી લાખો પાઉન્ડની ઉચાપત કરનાર સાઉથ હેરોના હામિદ સિદ્દિકીને વર્ષ 2021માં લંડનની એક અદાલત દ્વારા 4 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. હવે આજ અદાલતે સિદ્દિકીને 3 મહિનામાં 2,10,000 પાઉન્ડની ચૂકવણી કરવા અથવા તો વધુ પાંચ વર્ષની કેદ ભોગવવાનો આદેશ આપ્યો છે. સિદ્દિકીએ ઉચાપતના નાણામાંથી એક પેન્ટહાઉસ એપાર્ટમેન્ટ અને એક કારની ખરીદી કરી હતી.

------------------------------------------

સ્ટોરમાં લૂટફાટ કરનારા અપરાધીઓ સામે આકરા પગલાંની માગ

લંડનઃ હિંસક અપરાધીઓ દ્વારા રિટેઇલ સ્ટોર્સ ખાતે કરાતી લૂટફાટ સામે હવે 90 જેટલી રિટેઇલ ચેઇનોએ અવાજ ઉઠાવી આવા અપરાધીઓ સામે આકરા પગલાં લેવા સરકાર સમક્ષ માગ કરી છે. આલ્ડી, ટેસ્કો, સેઇન્સબરી, બૂટ્સ સહિતની રિટેઇલ ચેઇન્સના માલિકોએ રિટેઇલ સ્ટોર અથવા તેના કર્મચારી પર હુમલા કરનારા સામે આકરાં પગલાં અને કાયદામાં આકરી સજાની જોગવાઇની માગ કરી છે. તેમણે માગ કરી છે કે પોલીસ દ્વારા આ પ્રકારના તમામ અપરાધોની નોંધ કરાય અને અપરાધીઓ સામે પગલાં લેવામાં આવે. 88 જેટલા રિટેઇલ બોસે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન સાથે મુલાકાતની માગ કરી છે.

---------------------------------------------------

બર્મિંગહામમાંથી 2,50,000 પાઉન્ડનું હેરોઇન ઝડપાયું

લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે 2,50,000 પાઉન્ડનું ડ્રગ્સ જપ્ત કરી ઇફ્તિખાર એહમદ નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસને ઇફ્તિખાર પાસેથી કાર્ડબોર્ડ બોક્સમાં છૂપાવેલું હેરોઇન મળી આવ્યું હતું. સાઉથ બર્મિંગહામમાંથી આ ડ્રગ્સ મળી આવ્યા બાદ પોલીસે વધુ તપાસમાં હાઇગેટ ખાતેથી પણ ડ્રગ્સ ઝડપી લીધું હતું. બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે ઇફ્તિખારને પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

-----------------------------------------------------

કંપનીને ચૂનો લગાવનાર મયુર ગગલાનીને 78,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ

લંડનઃ પોતાના પહેલા નોકરીદાતાને ત્યાંથી ચોરેલા હજારો પાઉન્ડની ચૂકવણી કરવા પોતાના વર્તમાન નોકરીદાતાને હજારો પાઉન્ડનો ચૂનો લગાવનારા મયુર ગગલાનીને 78000 પાઉન્ડ પરત ચૂકવવાનો આદેશ અપાયો છે. મયુર ગગલાનીએ તેના પહેલા નોકરીદાતાને ત્યાંથી 2,50,000 પાઉન્ડની ઉચાપત કરી હતી.

--------------------------------------------------

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં જેલો હાઉસફૂલ, અપરાધીઓને ઘેર મોકલાયાં

લંડનઃ યુકે (યુનાઇટેડ કિંગ્ડમ)ના ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અપરાધીઓને જેલ મોકલવાને લઇને વેઇટિંગ ચાલે છે કારણ કે જેલ હાઉસફુલની સ્થિતિમાં છે. જુદા જુદા ગુનાઓમાં રાજા પામેલા અપરાધીઓને હવે તેમની જેલની સજા પૂર્ણ કરવા માટે મોડેથી જેલમાં મોકલવામાં આવશે. હાલમાં આ ગુનેગારોને ચેતવણી આપીને જેલ ખાલી ન થાય ત્યાં સુધી તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હકીકતમાં વેલ્સની જેલો હાલમાં હાઉસફુલની સ્થિતિ છે. શુક્રવાર સુધી જેલમાં 87685 કેદી હતા. જ્યારે જેલની ક્ષમતા 88314 કેદીઓની છે. જેથી જજ અને મેજિસ્ટ્રેટોને કહેવામાં આવ્યું છે કે જે અપરાધીઓ પર આરોપ ગંભીર નથી તે પ્રકારના અપરાધીઓને સજાની જાહેરાત મોડી કરાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter