બ્રિટન ક્રાઇમ વોચ

Tuesday 16th July 2024 12:02 EDT
 

વૂલ્વરહેમ્પટનમાં શિખ પરિવારના મકાનમાં આગચંપી, એકનું મોત

લંડનઃ વૂલ્વરહેમ્પટનમાં રહેતા એક શિખ પરિવારના મકાનને અજાણ્યા હુમલાખોરે પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતાં 26 વર્ષીય આકાશદીપ સિંહનું મોત થયું હતું અને પરિવારના અન્ય 4 સભ્યોને દાઝી જવાથી ઇજા થઇ હતી. વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા આ હુમલાના સીસીટીવી ફૂટેજ જારી કરાયાં હતાં.

સીસીટીવી ફૂટેજ પ્રમાણે 25 જૂનના રોજ રાતના 1 કલાકે ઇસ્ટપાર્કમાં આવેલા આ મકાન પર કાળા કપડાં પહેરેલી એક વ્યક્તિએ ગ્રાઉન્ડ ફ્લોરની બારી તોડી પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. મકાનમાં રહેતા પાંચ વ્યક્તિ દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યાં આકાશદીપને મૃત જાહેર કરાયો હતો. પરિવારના બે સભ્યો ગંભીર રીતે દાઝી ગયાં હતાં અને તેઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સિંહ પરિવારે જણાવ્યું હતું કે, આકાશદીપના નિધનથી અમારો પરિવાર અત્યંત શોકગ્રસ્ત છે. મેજર ક્રાઇમ યુનિટના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ શૌન એડવર્ડ્સે જણાવ્યું હતું કે, આ અત્યંત આઘાતજનક અને ઘાતકી હુમલો હતો. પોલીસને શંકા છે કે હુમલાખોર પણ દાઝી ગયો હોવો જોઇએ. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરને ઝડપી લેવાનો પ્રયાસ કરી રહી છે.

ગ્રેવસેન્ડના ગુરુદ્વારામાં હુમલો, બેને ઇજા, શંકાસ્પદની ધરપકડ

લંડનઃ કેન્ટના ગ્રેવસેન્ડ ખાતે સેડિંગ્ટન સ્ટ્રીટ પર આવેલા ગુરુ નાનક દરબાર ગુરુદ્વારામાં ધાર્મિક દ્વેષભાવથી કરાયેલા હુમલામાં કેન્ટ પોલીસે શંકાના આધારે 17 વર્ષીય સગીરની ધરપકડ કરી હતી. ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ હાજર હતા ત્યારે એક વ્યક્તિ ધારદાર શસ્ત્ર સાથે અંદર ધસી આવ્યો હતો અને હુમલો કર્યો હતો. જેમાં બે મહિલાને ઇજા પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ધારદાર શસ્ જપ્ત કર્યું હતું. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઇયાન ડાયબોલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે અને અમે સહાય અને સમર્થન માટે શિખ સમુદાયનો આભાર માનીએ છીએ.

બરીમાં પતિએ પત્નીને જીવતી સળગાવી હોવાનો આરોપ

લંડનઃ બરીની ઇસ્ટ સ્ટ્રીટમાં રહેતી મહિલાને તેના પતિએ જીવતી સળગાવી દીધી હોવાનો આરોપ મૂકાયો છે. નોશિન અખ્તરઉર્ફે સારા હુસૈન ભડભડ સળગતી હાલતમાં સડક પર દોડી હતી. રોશડેલ કોરોનર્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામં આવ્યું હતું કે, જ્યારે પેરામેડિક્સ કર્મચારીઓ નોશિનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે તેનો પતિ હસી રહ્યો હતો. નોશિને તેને સારવાર આપનાર કર્મચારીઓને જણાવ્યું હતું કે, તેના પતિ વાસિમ માહમૂદે તેને આગ ચાંપી હતી. જોકે માહમૂદે તેના પર મૂકાયેલા આરોપને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, નોશિને જાતે આગ ચાંપી હતી. બંને વચ્ચે માહમૂદની પૂર્વ પત્ની અંગે ઝગડા ચાલી રહ્યાં હતાં.

બર્મિંગહામ અને વોર્વિકશાયરના બે ડ્રગ ડીલરને કુલ 35 વર્ષ કેદની સજા

લંડનઃ બર્મિંગહામ અને વોર્વિકશાયરમાં કોકેન અને ગાંજાનો સપ્લાય કરનાર ગ્રુપના બે ડ્રગ ડીલરને કુલ 35 વર્ષ કેદની સજા ફટકારાઇ છે. પોલીસે આ રેકેટને ઉઘાડું પાડવા માટે ઘણી મહેનત કરી હતી. અપરાધીઓના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહીમાં પોલીસને 2 લાખ પાઉન્ડ રોકડા અને 400 ગ્રાહકોની વિગતો પ્રાપ્ત થઇ હતી. શામરાજ અને આમરેઝ આલમે ડ્રગ્સનો વેપાર કરવાના અપરાધને કબૂલી લીધો હતો. અદાલતે તેમને બંનેને સાડા સત્તર – સાડા સત્તર વર્ષની કેદ ફટકારી હતી.

પુત્રને આતંકવાદી હુમલાની જાણ હોવાની માહિતી પોલીસને ન આપનાર માતાને બે વર્ષની કેદ

લંડનઃ સેન્ટ્રલ લંડનમાં આત્મઘાતી બોમ્બ હુમલો કરવાના આતંકવાદી કાવતરા અંગે પોતાના સગીર પુત્રને જાણ હોવા છતાં પોલીસને માહિતી ન આપવા માટે માતાને બે વર્ષની કેદ કરાઇ છે. લીડ્સમાં સેન્ટ જેમ્સ હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી નબીલા અંજુમે તેના 15 વર્ષીય પુત્ર સમીરને પોલીસને જાણ કરવા સમજાવ્યો હતો પરંતુ તેણે તેમ ન કર્યું છતાં નબીલાએ જાતે પોલીસને જાણ કરી નહોતી. સમીરના મિત્ર અલ અરાફત હસને ઇસ્લામિક સ્ટેટના કેટલાક વીડિયો જોઇને બોમ્બ બનાવવાની સામગ્રી એકઠી કરી હતી.

સેંકડો માઇગ્રન્ટ્સને ગેરકાયદે યુકેમાં ઘૂસાડનાર માનવ તસ્કર ગેંગ દોષી

લંડનઃ યુકેમાં સેંકડો ઇરાકી-કુર્દીશ માઇગ્રન્ટ્સને ઘૂસાડનાર માનવ તસ્કરોની ગેંગને દોષી ઠેરવવામાં આવી છે. તેઓ રેફ્રિજરેટેડ ટ્રકોમાં માઇગ્રન્ટ્સને સંતાડીને યુકેમાં ઘૂસાડતા હતા. ગેંગ લીડર મુહમ્મદ ઝદા અને તેના સાથીઓ માઇગ્રન્ટ્સ પાસેથી માથાદીઠ 5000થી 10,000 પાઉન્ડ વસૂલતા હતા. મિડલ્સબરોમાં રહેતા ઝદાએ 2017માં યુરોપમાંથી માનવ તસ્કરી દ્વારા માઇગ્રન્ટ્સને યુકેમાં લાવવા માટે પાંચ કાવતરાં ઘડ્યાં હતાં. તેને માનવ તસ્કરીમાં પરેઝ અબ્દુલ્લા, ખાલિદ માહમૂદ, મારેક સોકાનિક, ગુરપ્રીત કાહલોન અને બેસ્ટૂન મોસલિહ મદદ કરતા હતા. નેશનલ ક્રાઇમ એજન્સીના જણાવ્યા અનુસાર આ ગેંગે સેંકડો ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને યુકે પહોંચાડ્યા હતા. ઝદા અને તેનો સાથી સોકાનિક હાલ ફરાર છે. તેમને ગેરહાજરીમાં જ કોર્ટ દ્વારા દોષી ઠેરવાયા હતા.

પાકિસ્તાનથી લવાયેલી કારમાંથી 72 બંદૂકના પાર્ટ્સ મળી આવ્યાં, એકની ધરપકડ

લંડનઃ પાકિસ્તાનથી યુકેમાં લવાયેલી કારમાં 72 બંદૂકના કોમ્પોનન્ટ્સ સંતાડીને લાવવાના પ્રયાસ માટે એક વ્યક્તિ પર આરોપ મૂકાયા છે. નેશનલ ક્રાઇમ એજન્સીએ જણાવ્યું હતું કે લંડનના ગેટવે પોર્ટ ખાતે બોર્ડર ફોર્સના અધિકારીઓએ કારની ઇંધણની ટાંકી અને બોનેટની અંદર છૂપાવેલા હેન્ડ ગન્સના ટોપ સ્લાઇડ અને બેરલ સહિતના હિસ્સાઓ ઝડપી લીધાં હતાં. એનસીએના અધિકારીઓએ બર્મિંગહામમાં સ્પાર્કહીલ ખાતેથી યાસિર ખાનની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ તેના પર આરોપ ઘડાયાં હતાં. એનસીએના સીનિયર ઓફિસર પોલ ઓર્ચાડે જણાવ્યું હતું કે, આ ઓપરેશન દ્વારા અમે યુકેમાં દાણચોરી દ્વારા લવાતા બંદૂકોના હિસ્સાને અટકાવવામાં સફળ રહ્યાં છીએ. આ કોમ્પોનન્ટનો ઉપયોગ કરીને ઘાતકી હથિયારો તૈયાર કરી શકાયાં હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter