લંડનઃ બ્રિટનનું અર્થતંત્ર મંદીની ડામાડોળ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૨.૨ ટકાના સંકોચનની સરખામણીએ જૂન સુધીના ત્રણ મહિનાના ગાળામાં વિક્રમી ૨૦.૪ ટકાનું સંકોચન જોવા મળ્યું છે. બ્રિટન એટલી ઘેરી મંદીમાં ફસાયું છે કે અર્થતંત્રમાં છેલ્લાં ૧૭ વર્ષમાં GDP ની જે વૃદ્ધિ જોવા મળી હતી તેનું ધોવાણ થયું છે અને અર્થતંત્રનું કદ ૨૦૦૩ના બીજા ત્રિમાસિક ગાળામાં હતું તેવું થઈ ગયું છે. યુકેની GDP ગત વર્ષના અંતની સરખામણીએ ૨૨.૧ ટકા ઘટી છે. કોરોના મહામારીના લોકડાઉનના પરિણામે, પરિવારો અને બિઝનેસીસ દ્વારા કરાતા ખર્ચા તદ્દન બંધ થઈ જવા સાથે બ્રિટિશ ઉદ્યોગો પણ ઠપ થઈ ગયા હતા.
૨૦૦૮ની નાણાકીય કટોકટી પછી સતત બે ત્રિમાસિક ગાળામાં નકારાત્મક પરિણામોના કારણે બ્રિટન સત્તાવાર મંદીમાં ઘસડાયું હોવાનું નિશ્ચિતપણે કહી શકાય. આધુનિક બ્રિટિશ ઈતિહાસમાં બાંધકામ, સર્વિસીસ અને ઉત્પાદન ક્ષેત્રોમાં વિક્રમી ઘટાડાના પરિણામે આ સૌથી મોટું ધોવાણ છે.
માર્ચ મહિના પછી ઓછામાં ઓછાં ૭૩૦,૦૦૦ લોકોએ નોકરીઓ ગુમાવ્યાના અહેવાલો પછી GDPના સત્તાવાર આંકડા જાહેર થવાં સાથે ચાન્સેલર રિશિ સુનાકે સ્પષ્ટ કર્યું હતું કે ‘હવે ખરાબ દિવસો આવી ગયા છે. હજારો લોકોએ નોકરીઓ ગુમાવી છે અને કમનસીબે, આગામી સમયમાં વધુ લોકો નોકરીઓ ગુમાવશે. આપણે હવે મુશ્કેલ પસંદગીઓ કરવાની થશે પરંતુ, આપણે આમાંથી બહાર આવીશું અને કોઈ પણને આશા કે તક વિનાના નહિ રહેવા દેવાય તેની હું ખાતરી આપું છું.’
બ્રિટિશ અર્થતંત્રનું ધોવાણ માર્ચ અને એપ્રિલમાં સૌથી વધુ જોવાં મળ્યું છે. મે મહિનામાં આર્થિક પ્રવૃત્તિઓ ખુલવા સાથે અર્થતંત્રમાં ૨.૪ ટકાનો નજીવો વધારો થયો હતો પરંતુ, જૂન મહિનામાં સામાજિક નિયમનો વધુ હળવાં બનવા સાથે ૮.૭ ટકાનો મજબૂત વધારો જણાયો હતો. આમ છતાં, ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા મુજબ મહામારીના આરંભ પછી ફેબ્રુઆરીની સરખામણીએ જૂનના અંતે GDP ૧૭.૨ ટકા ઓછી રહી હતી. એપ્રિલથી જૂન ૨૦૨૦ના ગાળામાં યુકેના અર્થતંત્રની પ઼ડતીની પડતી સ્પેન કરતાં પણ ખરાબ છે. સ્પેન ૧૮.૫ ટકાના ધોવાણ સાથે બીજા ક્રમે, ફ્રાન્સ ૧૩.૮ ટકા, ઈટાલી ૧૨.૪ ટકા, જર્મની ૧૦.૧ ટકા અને યુએસમાં ૯.૫ ટકાનું ધોવાણ જોવાં મળ્યું છે.
લોકડાઉનની વિષમ અસરો હવે જણાશે
વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે આ ખરાબ સમાચાર તો હિમશિલાના ટોચકાં સમાન છે. સરકારની વિશાળ સહાય યોજનાઓ બંધ થવા સાથે લોકડાઉનની સંપૂર્ણ વિષમ અસરો હવે જોવાં મળશે. આશરે ૯.૬ મિલિયન નોકરીઓ ફર્લો પર છે અને ટ્રેઝરી સબસિડીઓ તરીકે ૩૩.૮ બિલિયન પાઉન્ડ ચૂકવી રહી છે. ઓક્ટોબરના અંતે ફર્લો સ્કીમ બંધ થઈ રહી છે ત્યારે નોકરીઓમાંથી છટણી કરાયેલા વર્કર્સની સંખ્યા કેટલી હશે તેનો કોઈ અંદાજ લગાવી શકાય તેમ નથી.
જૂન મહિના સુધીના ત્રણ મહિનામાં કામદારોની સંખ્યામાં ૨૨૦,૦૦૦નો ઘટાડો જોવાં મળ્યો છે, જે ૨૦૦૯ પછી કોઈ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે. કામકાજના કુલ કલાકોની સંખ્યા પણ ૨૦ ટકા જેટલી ઘટી છે જે, ૧૯૯૪ પછીના તળિયે છે. જુલાઈમાં કંપની પેરોલ્સ પર રહેલા લોકોની સંખ્યામાં વધુ ૧૧૪,૦૦૦નો ઘટાડો થયો હતો. આના પરિણામે બેનિફિટ્સ દાવેદારો વધીને ૨.૭ મિલિયન થયા છે.