બ્રિટન જતાં અણુ મિસાઈલો પાછા રશિયા જ પહોંચાડીશઃ યુરી ગેલર

ચમચીઓ વાળવાની રહસ્યમય માનસિક શક્તિ ધરાવતા ગેલરની પુટિનને ચેતવણી

Tuesday 09th August 2022 12:47 EDT
 
 

લંડનઃ પોતાની પાસે રહસ્યમય માનસિક શક્તિઓ હોવાનો દાવો કરતા બ્રિટિશ-ઈઝરાયેલી યુરી ગેલર વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનાથી બહાર લાવવા મેદાને પડ્યા છે અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ચેતવણી આપતો વીડિયો ટ્વિટર પર મૂક્યો છે. માયાજાળ રચનારા અને ટીવી પર્સનાલિટી યુરી ગેલરે પોતાના સીવીમાં માસ્ટર નેગોશિયેટર અને આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સના વિદ્વાન તરીકે ઉલ્લેખ પણ કર્યો છે.

ગેલરે વિચિત્ર વીડિયોમાં જણાવ્યું છે કે તમારે બધાએ મારી ચેતવણી જોવી જોઈએ. તેણે પુટિનને અપમાનજનક પત્ર પણ તેમાં મૂક્યો છે અને ચેતવણી આપી છે કે,‘જો તમે ન્યુક્લીઅર વેપન્સનો ઉપયોગ કરશો તો તમારી યોજનાઓ અને તમારા મિસાઈલ્સનો ઉપયોગ વળતા પ્રહાર તરીકે તમારા પર જ થશે. હું મારી માનસિક તાકાતના તમામ અણુના ઉપયોગથી તમને ન્યુક્લીઅર હુમલાને લોન્ચ કરતા અટકાવીશ.’

તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાઓને દિવસમાં માત્ર પાંચ સેકન્ડનો સમય કાઢી આકાશમાં સોના જેવા તેજસ્વી કવચનું શક્તિશાળી તાકાતનું ક્ષેત્ર રચાય છે તેવી કલ્પના કરવા જણાવ્યું છે. આના પરિણામે્ ક્રેમલિન દ્વારા ગોઠવાયેલા કોઈ પણ અણુશસ્ત્રો પાછા વળીને રશિયાનો વિનાશ કરવામાં લાગી જશે.

ગુઢ માનસિક શક્તિઓ ધરાવતા યુરી ગેલર ચમચીઓને વાળવાની ટ્રિક માટે ફ્રખ્યાત છે અને તેના સંગ્રહમાં નેપોલિયન, જ્હોન એફ. કેનેડી, એલ્વિસ પ્રિસ્લી, દલાઈ લામા અને મહાત્મા ગાંધી સહિત વિશ્વના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા રસોઈના ઉપયોગમાં લેવાતી ચમચીઓ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. યુરી ગેલરે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અને અમેરિકાની CIA માટે કામ કર્યું હોવાના દાવા પણ કરાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter