બ્રિટન જાહેરમાં પહેરવા માટે ફેસ માસ્કના જથ્થાનો સંગ્રહ કરશે

Wednesday 06th May 2020 00:42 EDT
 
 

લંડનઃ પ્રવાસીઓ અને ખરીદારો જાહેરમાં ફેસ માસ્ક પહેરી શકે તે માટે બ્રિટન માસ્કના જથ્થાનો સંગ્રહ કરશે. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે જગ્યા ઓછી હોય તેવા સ્થળોએ ચહેરા પર આવરણ હોવું જોઈએ. બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે સરકારે આ બાબતે હજુ નિર્ણય કર્યો નથી. જોકે, યુકેના ચાર દેશો એકસરખી નીતિ અપનાવે તેની ચોકસાઈ રખાશે.

મિનિસ્ટર ફોર કેબિનેટ ઓફિસ માઈકલ ગોવે જણાવ્યું છે કે સરકાર પોતાની નીતિ બદલે તેવી પરિસ્થિતિમાં ફેસ માસ્કનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોય તેની ચોકસાઈ કરવા ટ્રેઝરી મિનિસ્ટર લોર્ડ એન્ગ્યુએ પ્રયાસો આરંભી દીધા છે. લેબર સાંસદ રાચેલ રીવ્ઝે જાહેરમાં ફેસ માસ્ક પહેરવાની સરકાર ભલામણ કરે તેવી સ્થિતિમાં લોકો માટે ફેસ માસ્કનો પૂરતો જથ્થો હોવા વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ગોવે જણાવ્યું હતું કે સંગ્રહ કરાયેલા ફેસ માસ્કનો જથ્થો NHSમાં પહેરાય છે તેવા હાઈ સ્પેક સર્જિકલ ફેસ માસ્કનો નહિ હોય પરંતુ, ચોક્કસ સ્થળોએ પહેરી શકાય તેવા પ્રકારનો હશે.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જણાવ્યું હતું કે તેમની સરકાર બે વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ કાપડ, સ્કાર્ફના બનેલા ચહેરાના આવરણોનો ઉપયોગ કરે તેવી ભલામણ કરે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે જગ્યા ઓછી હોય તેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા દુકાનો સહિતના સ્થળોએ ચહેરાના આવરણોનો ઉપયોગ કરવો જોઈએ. મિસ સ્ટર્જને આ ફરજિયાત બનાવ્યું નથી પરંતુ, વાઈરસના લક્ષણો દેખાતા ન હોય તેવી વ્યક્તિઓ મારફત ચેપ ન ફેલાય તે માટે આમ કરવું જરૂરી હોવાનું કહ્યું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ પણ યુકેના ચાર વિસ્તારોમાં એકસરખી નીતિ અપનાવવાનો સંકેત આપ્યો છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે અગાઉ જણાવ્યું છે કે ફેસ માસ્ક પહેરવાથી લાભની તરફેણમાં પૂરાવા નબળા છે અને સરકારની નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. NHS Providersના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હોપ્સને ચેતવણી આપી છે કે ફેસ માસ્ક અંગે ગાઈડન્સમાં ફેરફાર થવા સાથે લોકોમાં ગભરાટપૂર્ણ ખરીદીનો માહોલ સર્જાશે. લોકો મેડિકલ ગ્રેડના માસ્કને ખરીદવા ધસારો કરશે તો NHS સ્ટાફ માટે વધુ તંગી સર્જાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter