માસ્ટર કાર્ડના સતવિંદરની લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપમાં નિયુક્તિ
લંડન - લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપે માસ્ટર કાર્ડ કોર્પોરેશનના સતવિંદર સિંહની ડેટા એન્ડ એનાલિટિક્સ યુનિટના વડા તરીકે નિયુક્તિ કરી છે. સતવિંદર સિંહ જુલાઇ મહિનાથી તેમનો કાર્યભર સંભાળી લેશે. હાલ તેઓ માસ્ટર કાર્ડના ડેટા એન્ડ સર્વિસ બિઝનેસ ખાતેના સલાહકારોના સહાધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. ડેટા એનાલિટિક્સ, કેપિટલ માર્કેટ, પોસ્ટ ટ્રેડ સર્વિસ, પેમેન્ટ અને ટેકનોલોજીમાં અગ્રણી ગ્લોબલ કંપનીઓમાં તેઓ 28 કરતાં વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપના સીઇઓ ડેવિડ શ્વીમરે જણાવ્યું હતું કે, ટ્રેડ લાઇફ સાઇકલના ઘણા હિસ્સામાં ફાઇનાન્સિયલ સેવાઓમાં સતવિંદર સિંહ નેતૃત્વનો ઘણો અનુભવ ધરાવે છે. સતવિંદર સિંહ ગયા વર્ષે અંગત કારણોસર રાજીનામુ આપનારા એન્ડ્રિયા રેમિન સ્ટોનનું સ્થાન લેશે.
ભારતીય નાગરાજનને યુકેથી અમેરિકા પ્રત્યાર્પિત કરાશે
લંડન - અમેરિકા દ્વારા લદાયેલા પ્રતિબંધોથી બચવા માટે હિઝબુલ્લાને ફંડિંગ કરવાના મામલામાં મદુરાઇમાં જન્મેલા સુંદર નાગરાજનને અમેરિકામાં પ્રત્યાર્પિત કરાય તેવી સંભાવના છે. બ્રિટિશ પોલીસે જણાવ્યું હતું કે, 66 વર્ષીય ભારતીય નાગરિક સુંદર નાગરાજનની આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને આર્થિક સહાય પહોંચાડવાની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી. નાગરાજનને ગયા સપ્તાહમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરી પ્રત્યર્પણની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. અમેરિકી સરકારની વિનંતીના પગલે નાગરાજનની પશ્ચિમ લંડનમાંથી ધરપકડ કરાઇ હતી.
તાજપોશીના વીકએન્ડમાં લંડનના મકાનમાલિકોને પણ બખ્ખાં
લંડન – બ્રિટનમાં 70 વર્ષ બાદ રાજવીની તાજપોશી થઇ રહી છે ત્યારે વેપાર-ધંધા રોકડી કરી લેવાની ફિરાકમાં છે. વેપાર ધંધાની સાથે પોતાનું મકાન ધરાવતા લોકો પણ તાજપોશી માટે બહારથી આવનારા લોકોને થોડા સમય માટે મકાન ભાડે આપીને રોક઼ડી કરી રહ્યાં છે. શોર્ટ ટર્મ હોમ સ્ટે વેબસાઇટ એરબીએનબી ઝડપથી નવા મકાનમાલિકોને તેના દાયરામાં સામેલ કરી રહી છે. લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા મકાનના માલિકો એરબીએનબી દ્વારા તાજપોશીના વીકએન્ડમાં 500 પાઉન્ડ કરતા વધુની રોકડી કરે તેવી સંભાવના છે.
યુકેમાં ઇમર્જન્સી ટેસ્ટ એલર્ટ બે મિનિટ વહેલી વાગતાં અંધાધૂંધી સર્જાઇ
લંડન - યુકેમાં ઇમર્જનમ્સી એલર્ટ ટેસ્ટ સિસ્ટમ લાગુ કરવા માટે હાથ ધરાયેલા પરીક્ષણમાં એલર્ટ ટેસ્ટ મેસેજ બે મિનિટ વહેલાં મળતાં અંધાધૂંધી સર્જાઇ હતી. એપલ અને એન્ડ્રોઇડ યૂઝર્સને આ ટેસ્ટ મેસેજ 3 વાગ્યાના સ્થાને અનુક્રમે 2.58 અને 2.59 મિનિટે મળ્યાં હતાં. એક યૂઝરે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, શું હું કોઇ અલગ ટાઇમઝોનમાં રહું છું..? 3 વાગ્યાના બદલે મને 2.59 કલાકે જ એલર્ટ મેસેજ મળ્યો અને તેના કારણે મારા હાથમાંથી ફોન પડી ગયો. હવે રિશી સુનાક મારો ફોન રિપેર કરાવવાનો ખર્ચ આપશે? બીજા એક યૂઝરે જણાવ્યું હતું કે, મારી ઇમર્જન્સી એલાર્મ 3 મિનિટ સુધી વાગતી રહી હતી. શું આ 3 મિનિટની ચેતવણી હતી? એક યૂઝરે જણાવ્યું હતું કે, મેં પહેલીવાર આવી ફોન એલર્ટ યુકેમાં સાંભળી હતી. એનો અવાજ એટલો તીવ્ર હતો કે મારા કાનને ઇજા થઇ હતી.
બર્મિંગહામમાં ઇદની ઉજવણીમાં પોલીસ પર ફટાકડા અને ઇંડા ફેંકાયા
લંડન - બર્મિંગહામમાં ઇદની ઉજવણી દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ અધિકારીઓ પર સળગતા ફટાકડા અને ઇંડા ફેંક્યા હતા. જોકે મુસ્લિમ સમુદાયના લોકોએ તોફાનીઓને ઓળખી કાઢવામાં પોલીસની મદદ કરી હતી. પોલીસે આ મામલામાં સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી છે અને એક વ્યક્તિ પર જાહેરમાં દુષણ ફેલાવવાનો આરોપ ઘડાયો છે. ઇદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સડકો પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમના પર સળગતા ફટાકડા અને ઇંડા ફેંકાયા હતા.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓર્ક્ટુરસના ઇંગ્લેન્ડમાં વધતા કેસ, પાંચના મોત
લંડન – કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇન આર્ક્ટુરસના સંક્રમણથી ઇંગ્લેન્ડમાં પાંચ લોકોના મોત થયાં છે. એપ્રિલ 17 સુધીમાં કોરોના વાઇરસના આ નવા સ્ટ્રેઇનથી સંક્રમિત થનારા લોકોની સંખ્ય 105 હતી. જેમાંથી પાંચના મોત થયાં હતાં. જોકે આર્ક્ટુરસ સ્ટ્રેઇનના કેસની સાચી સંખ્યા અને મોતનો આંકડો વધુ હોઇ શકે છે કારણ કે ડોક્ટરોએ ચોક્કસ વેરિઅન્ટની ચકાસણી માટે તમામ દર્દીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા નથી. એશિયામાં કોરોના વાઇરસનો આ વેરિઅન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વેરિઅન્ટ અંગે સાવચેત રહેવા દેશોની સરકારોને ચેતવણી જારી કરી છે. ભારતમાં તાજેતરમાં નોંધાયેલા કોરોનાના 65000 કરતાં વધુ કેસમાં આ વેરિઅન્ટના કેસ સૌથી વધુ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના 29 દેશોમાં આ નવા વેરિઅન્ટના કેસ સામે આવી ચૂક્યાં છે.
કોસ્ટ લિવિંગ પેમેન્ટ અંતર્ગત 301 પાઉન્ડ ચૂકવવાનો પ્રારંભ
લંડન – સરકારે એનર્જીના ઊંચા બિલોથી પરેશાન ઓછી આવક ધરાવતા પરિવારોને મદદ કરવા કોસ્ટ ઓફ લિવિંગ પેમેન્ટ આપવાનું શરૂ કર્યું છે. દેશમાં લભગભ 80 લાખ દાવેદારોને 17 મે સુધીમાં 301 પાઉન્ડની સહાય અપાશે. હવે પછીની બીજી સહાય ઓટમ અને સ્પ્રિંગમાં અપાશે. ગેસ અને વીજળીના વધી રહેલા ભાવ સામે રક્ષણ આપવા ગરીબ પરિવારોને આ મદદ શરૂ કરાઇ હતી જે પૈકી ગયા વર્ષે 650 પાઉન્ડ પ્રતિ પરિવાર ચૂકવાયા હતા. 301 પાઉન્ડની આ સહાય યોગ્ય દાવેદારોના બેન્ક ખાતામાં સીધી ચૂકવાશે. આ માટે તેમને કોઇ અલગ દાવો કરવાની જરૂર પડશે નહીં.

