બ્રિટન ડાયરી

Tuesday 02nd May 2023 13:02 EDT
 
 

ચીનની કન્ફ્યુશિયસ સંસ્થાઓને અપાતી આર્થિક સહાય રોકવાનો સુનાક સરકારનો નિર્ણય

લંડન - સુનાક સરકારે બ્રિટનમાં ચીનની મેન્ડેરિન ભાષા શીખવતી સંસ્થાઓને અપાતી આર્થિક સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન રિશી સુનાકે ગયા વર્ષે જુલાઇમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યુટનું ફંડિંગ બંધ કરવાનું વચન આપ્યું હતું. યુકેની સરકાર આ સંસ્થાઓને પ્રતિ વર્ષ 2.7 મિલિયન પાઉન્ડની સહાય આપે છે. રિશી સુનાકના આ નિર્ણયને કારણે ચીન ભડકે તેવી સંભાવના છે. આ સંસ્થાઓનો લાભ ચીનની સામ્યવાદી પાર્ટી સાથે સંકળાયેલા નેતા અને લોકો ઉઠાવે છે. આ સંસ્થાઓ દ્વારા તેમના બ્રિટન આવવાના માર્ગ ખુલે છે. ત્યારબાદ તેઓ જાસૂસી જેવા ગેરકાયદેસર કામોમાં જોડાઇ જાય છે.

વિશ્વમાં પહેલીવાર યુકેમાં પેંગ્વિનનું એમઆરઆઇ સ્કેન કરાયું

લંડન - યુકેના વેમાઉથ સી લાઇફ ખાતે રહેતા ચાકા નામના ફેરી પેંગ્વિનનું એમઆરઆઇ સ્કેન કરાયું જે વિશ્વમાં આ પ્રકારનું સૌપ્રથમ એમઆરઆઇ સ્કેન હતું. સમરસેટમાં કેવ વેટરનરી સ્પેશિયાલિસ્ટ સેન્ટર ખાતે આ એમઆરઆઇ કરાયું હતું. આ ઐતિહાસિક એમઆરઆઇ સ્કેન બાદ જણાવવામાં આવ્યું હતું કે, પેંગ્વિનની તંદુરસ્તી સામાન્ય છે. તે એક તંદુરસ્ત જીવન જીવી રહ્યું છે. સ્કેન કરનાર ટીમે જણાવ્યું હતું કે, અમારી સફળતા અન્ય પ્રાણીસંગ્રહાલયોમાં પણ જાગૃતિ ફેલાવશે.

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્કોટલેન્ડની મુલાકાતે

લંડન - અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2019માં પ્રમુખપદ ગુમાવ્યા પછી પહેલીવાર યુકેની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ તેમની સ્કોટિશ ગોલ્ફ પ્રોપર્ટીઓની મુલાકાતે આબેરદીન પહોંચ્યા હતા. અહીં તેમણે આબેરદીનશાયર રિસોર્ટ ખાતે નવા ગોલ્ફ કોર્સને ખુલ્લો મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના માતા આઇલ્સ ઓફ લૂઇસના વતની હતા. આ તેમની અંગત મુલાકાત હતી તેથી તેમને સ્કોટલેન્ડ કે યુકેની સરકારો દ્વારા વિશેષ સુરક્ષા ઉપલબ્ધ કરાવાઇ નહોતી. સ્કોટલેન્ડ પહોંચેલા ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઘેર આવીને બહુ સારુ લાગે છે. આ મારી માતાનું વતન હતું.

ફૂડ પોઇઝનિંગના ભયે કેડબરીના ચોકલેટ ડેઝર્ટ બજારમાંથી પાછા ખેંચાયા

લંડન - બ્રિટનમાં સુપર માર્કેટોએ ફૂડ પોઇઝન થવાના એલર્ટને પગલે કેડબરીની ડેઝર્ટ પ્રોડક્ટ્સના હજારો પેકેટ પાછા ખેંચી લીધાં છે. આ પ્રોડક્ટ્સ ડેરી જાયન્ટ મ્યુલેર દ્વારા તૈયાર કરાઇ હતી. આ ઉત્પાદનો લિસ્ટેરિયા મોનોસાયટોજિન્સથી ગ્રસિત થયા હોવાની ચિંતાના આધારે સાવચેતીના પગલાં તરીકે પાછા ખેંચવામાં આવી રહ્યાં છે. લિસ્ટેરિયાના કારણે ફૂડ પોઇઝન થઇ શકે છે. ખાસ કરીને ગર્ભવતી માતાઓને તેની ગંભીર અસર થઇ શકે છે. આ અંતર્ગત કેડબરી ક્રન્ચી ચોકલેટ, કેડબરી ફ્લેક ચોકલેટ ડેઝર્ટ, કેડબરી મિલ્ક બટન્સ ચોકલેટ ડેઝર્ટ, કેડબરી ડેરી મિલ્ક ચન્ક ચોકલેટ ડેઝર્ટ, કેડબરી હીરોઝ ચોકલેટ ડેઝર્ટ, કેડબરી ડાઇમ ચોકલેટ ડેઝર્ટને સુપરમાર્કેટોમાંથી પાછા ખેંચી લેવાયાં છે.

બ્રિટને સુદાનથી 2200 નાગરિકોને સુરક્ષિત સ્વદેશ આણ્યા

લંડન – બ્રિટને યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી 2200 નાગરિકોને સહીસલામત બ્રિટન ખાતે ખસેડ્યાં છે. સુદાન કટોકટીમાં કોઇપણ પશ્ચિમી દેશ કરતાં બ્રિટને સૌથી વધુ નાગરિકોને એરલિફ્ટ કર્યાં છે. મંગળવારે સુદાનથી આવેલી છેલ્લી ફ્લાઇટમાં બ્રિટિશ નાગરિકો સ્વદેશ આવી પહોંચ્યા હતા. બ્રિટિશ સૈનિકોએ સેંકડો બ્રિટિશ નાગરિકોને એક સપ્તાહના ઓપરેશનમાં ખાર્ટુમના વાડી સઇદન એરબેઝ અને પોર્ટ સુદાન ખાતેથી 20 કરતાં વધુ ફ્લાઇટ દ્વારા સ્વદેશ પહોંચાડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter