કોહલી અને અનુષ્કા લંડન ખાતે ભક્તિરંગમાં રંગાયા
લંડનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ધબડકા બાદ ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી લંડનમાં જ માનસિક શાંતિ પ્રાપ્ત કરી રહ્યો છે. તાજેતરમાં વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા ક્રિશ્ના દાસ કિર્તનમાં ભાગ લેતાં નજરે પડ્યાં હતાં. ક્રિશ્ના દાસ જાણીતા અમેરિકન ભજન ગાયક છે અને હિન્દુ ભક્તિ ગીતો માટે જાણીતા છે. કોહલી અને અનુષ્કાએ દાસના કિર્તનમાં ગયા વર્ષે પણ ભાગ લીધો હતો.
ઇ.સ. 597માં સ્થપાયેલી કિંગ્સ સ્કૂલમાં પહેલીવાર શિક્ષકોની હડતાળ
લંડનઃ બ્રિટનની સૌથી જૂની શાળામાં તેની સ્થાપનાના ઇતિહાસમાં પહેલીવાર શિક્ષકોએ હડતાળ પાડી છે. કેન્ટરબરીમાં આવેલી કિંગ્સ સ્કૂલના શિક્ષકોએ આરોપ મૂક્યો છે કે શાળાનું મેનેજમેન્ટ પેન્શનમાં બદલાવ માટે શિક્ષકોને હાંકી મૂકવા અને ફરીથી નોકરી પર લેવાની નીતિ અપનાવી છે. આ શાળાની સ્થાપના ઇ.સ.597માં થઇ હતી. નાટ્યકાર ક્રિસ્ટોફર માર્લોવ, એક્ટર ઓર્લાન્ડો બ્લૂમ, ક્રિકેટર ડેવિડ ગોવર, સાહિત્યકાર માઇકલ મોર્પર્ગો જેવા મહાનુભાવો આ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે. શાળાના એક શિક્ષ માઇકલ કોક્સે જણાવ્યું હતું કે, નવા પેન્શન નિયમોથી કેટલાક કર્મચારીઓને લાભ થશે જ્યારે અન્યોને લાભ થવાનો નથી તેથી તેમણે હડતાળનું એલાન કર્યું છે.
ઇંગ્લેન્ડની શાળાઓમાં સપ્ટેમ્બર 2025થી સાઇન લેંગ્વેજ શીખવવામાં આવશે
લંડનઃ ઇંગ્લેન્ડની શાળાઓમાં સપ્ટેમ્બર 2025થી સાઇન લેંગ્વેજનું શિક્ષણ અપાશે. સરકારે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડની સેકન્ડરી શાળાઓમાં આ અભ્યાસક્રમ શરૂ કરવા માટે નવા જીસીએસઇની ડિઝાઇન તૈયાર કરવા નિષ્ણાતોની મદદ લેવાશે. સરકાર શાળાઓમાં સાઇન લેંગ્વેજનું શિક્ષણ આપવા વર્ષ 2018થી વિચારણા કરી રહી હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેના આયોજનમાં વિલંબ થઇ રહ્યો છે. આ નવો અભ્યાસક્રમ સીમાડાઓ વટાવીને સમાન તકો ઉપલબ્ધ કરાવશે.
વેમ્બલીની બરહામ પ્રાઇમરી સ્કૂલ વિશ્વની શ્રેષ્ઠ શાળાના પ્રતિષ્ઠિત પુરસ્કારની રેસમાં
લંડનઃ લંડનના વેમ્બલીમાં આવેલી બરહામ પ્રાઇમરી સ્કૂલને વિશ્વની શ્રેષ્ઠ શાળાઓના પ્રતિષ્ઠિત પુરસ્કાર માટેની સ્પર્ધામાં સામેલ કરાઇ છે. આ પુરસ્કાર પેટે 39000 પાઉન્ડની રકમ અપાય છે. આ શાળાની વિશેષતા એ છે કે તેના વિદ્યાર્થીઓ 31 ભાષા બોલે છે. કોમ્યુનિટી કોલાબોરેશન કેટેગરીમાં 10 સંભવિત વિજેતાઓમાં આ શાળા સામેલ છે.
આ શાળામાં વિવિધ પશ્ચાદભૂમાંથી આવતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વૈવિધ્યતાપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે શાળાની પ્રશંસા કરવામાં આવે છે. આ શાળામાં અભ્યાસ કરતા કુલ 930 વિદ્યાર્થી અલગ અલગ 31 ભાષા બોલતા અને વિવિધ ધાર્મિક સમુદાયોમાંથી આવે છે.
વિશ્વની શ્રેષ્ઠ શાળા માટે પસંદ કરાયેલી યુકેની 6 શાળામાં બરહામ પ્રાઇમરી સ્કૂલનો પણ સમાવેશ કરાયો છે. આ પુરસ્કાર કોમ્યુનિટી કોલાબોરેશન, એન્વાયરમેન્ટલ એક્શન, ઇનોવેશન, ઓવરકમિંગ ડાયવર્સિટી અને સપોર્ટિંગ હેલ્થી લાઇવ્ઝ એમ પાંચ કેટેગરીમાં અપાય છે. પાંચે કેટેગરીમાં 1,95,000 પાઉન્ડનો પુરસ્કાર સરખા ભાગે વહેંચી અપાય છે.


