બ્રિટન ડાયરી

Tuesday 19th September 2023 13:02 EDT
 

ઓનલાઇન એપ્સ દ્વારા રેલવે પ્રવાસીઓની ઉઘાડી લૂટ

લંડનઃ લંડનથી લાંબા અંતરનો પ્રવાસ કરતા પ્રવાસીઓની ઉઘાડી લૂટ ચલાવાતી હોવાનો આરોપ સંસદમાં મૂકાયો છે. ટોરી સાંસદ ક્રિસ લોડરે જણાવ્યું હતું કે ટિકિટ માટેના એપ્સ પ્રવાસીઓને સસ્તા ભાડાંની ઓફર નહીં કરીને લગભગ 100 પાઉન્ડ જેટલી તગડી વધુ રકમ વસૂલે છે. લોડકે આ મામલામાં કોમ્પિટિશન વોચડોગ દ્વારા તપાસ કરાવવાની પણ માગ કરી છે.20 વર્ષ સુધી રેલવે સ્ટેશન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવનાર લોડરે જણાવ્યું હતું કે, દર 10માંથી 9 રેલવે ટિકિટ ઓનલાઇન ખરીદાય છે પરંતુ એપ્સ પર સૌથી સસ્તા દર ઓફર કરાતા નથી. રેલ કાર્ડનો ઉપયોગ કરતા પ્રવાસીઓ પણ ડિસ્કાઉન્ટ સાથેની ટિકિટ ખરીદી શક્તા નથી.

દેશમાં છેલ્લા એક વર્ષમાં રોકડ વ્યવહારોમાં વધારો જોવા મળ્યો

લંડનઃ દેશમાં છેલ્લા એક દાયકામાં પહેલીવાર રોકડમાં થતા વ્યવહારોમાં વધારો જોવા મળ્યો છે. જોકે ડેબિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારો હજુ ટોચના સ્થાને છે. ગ્રાહકોનું કહેવું છે કે રોકડનો ઉપયોગ કરવાના લીધે અમે અમારા નાણાનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકીએ છીએ. જો કે યુકે ફાઇનાન્સનું કહેવું છે કે આગામી વર્ષોમાં રોકડ વ્યવહારોમાં ઘટાડો થશે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનું દબાણ હોવા છતાં 22 મિલિયન લોકોએ છેલ્લા એક વર્ષમાં મહિનામાં એક જ વાર રોકડનો ઉપયોગ કર્યો હતો.

રોહન ગોઢાણિયાના મોત બાદ પ્રોટીન સપ્લિમેન્ટ્સ પર ચેતવણી છાપવા ભલામણ

લંડનઃ 16 વર્ષના કિશોરનું મોત થયા બાદ કોરોનરે સૂચના આપી છે કે પ્રોટીન હેલ્થ સપ્લિમેન્ટ્સ પર ચેતવણી છાપવામાં આવે. તપાસમાં સામે આવ્યું હતું કે 16 વર્ષીય રોહન ગોઢાણિયાનું મોત પ્રોટીન શેક પીધાના 3 દિવસ બાદ થયું હતું. તેનું મોત લોહીમાં એમોનિયાનું પ્રમાણ વધી જવાના કારણે થયું હતું. મિલ્ટન કીનેસના સીનિયર કોરોનર ટોમ ઓસ્બોર્ને તેમની તપાસમાં જણાવ્યું હતું કે, મેં પ્રોટીન પ્રોડક્ટ્સ પર ચોક્કસ ચેતવણી છાપવા મેં એનએચએસ ઇંગ્લેન્ડ અને ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીને ભલામણ કરી છે.2020માં રોહને હાઇ પ્રોટીન ડ્રિંક પીધું હતુ ત્યારબાદ તેની તબિયત લથડતાં વેસ્ટ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે તેની સ્થિતિનું યોગ્ય નિદાન કરવામાં ડોક્ટરો નિષ્ફળ રહ્યાં હતાં.

અશ્વેતો દ્વારા એશિયન બિઝનેસના બહિષ્કારનું એલાન

લંડનઃ સાઉથઇસ્ટ લંડનમાં પેકહામ ખાતે હેર એન્ડ બ્યુટી શોપમાં એક અશ્વેત ગ્રાહક સાથે એશિયન દુકાનદારની હાથાપાઇનો વીડિયો સામે આવ્યા બાદ બંને સમુદાય વચ્ચે તણાવ વધી ગયો છે. અશ્વેત સમુદાયના જૂથોએ અશ્વેત ન હોય તેવા કોસ્મેટિક બિઝનેસના માલિકોનો બહિષ્કાર કરવાનું આહવાન કર્યું છે. તેમનો આરોપ છે કે એશિયન બિઝનેસ માલિકો આ બિઝનેસમાં મોનોપોલી ધરાવે છે અને ગ્રાહકો સાથે ગેરવર્તન કરી રહ્યાં છે. જોકે દુકાનના માલિક સોહેલ સિન્ધોએ જણાવ્યું હતું કે, જારી કરાયેલા વીડિયોમાં આખી ઘટના વર્ણવવામાં આવી નથી. હું ફક્ત મારી દુકાનમાંથી ચોરી કરતા ગ્રાહકને અટકાવી રહ્યો હતો. મારા પર તે ગ્રાહક દ્વારા હુમલો પણ કરાયો હતો.સોશિયલ ઇન્ટિગ્રેશન એક્સપર્ટ રાકિબ એહસાન કહે છે કે પેકહામ હેર એન્ડ કોસ્મેટિક્સ ખાતે વધુ દેખાવો કરતાં પહેલાં લોકોએ આ પ્રકારની ઘટનાઓને રેસિઝમના ચશ્માથી જોવી જોઇએ નહીં. લોકોમાં આ પ્રકારની ઘટનાઓને રેસિઝમમાં ખપાવી દેવાનું વલણ વધી રહ્યું છે.

વેલ્સના બિલ્ટ અપ વિસ્તારોમાં સ્પીડ લિમિટ 20 માઇલ કરાઇ

લંડનઃ વેલ્સમાં રવિવારથી બિલ્ટ અપ વિસ્તારોમાં સ્પીડ લિમિટ 30 માઇલ પ્રતિ કલાકથી ઘટાડીને 20 માઇલ પ્રતિ કલાક કરાઇ છે. આમ સ્પીડ લિમિટમાં ઘટાડો પ્રથમ દેશ બન્યો છે. વેલ્સના સત્તાવાળાઓએ જણાવ્યું છે કે સ્પીડ લિમિટમાં ઘટાડાના કારણે અકસ્માતોમાં થતા મોત અને ઘોંઘાટ ઘટાડી શકાશે. લોકો ચાલવા અથવા સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહિત થશે જેના કારણે પર્યાવરણને પણ લાભ થશે.વેલ્સના આ નિર્ણયને કારણે હવે 50 ટકા બ્રિટિશ જનતા 20 માઇલ પ્રતિ કલાક ઝડપ ધરાવતા વિસ્તારોમાં આવરી લેવાઇ છે. આ સાથે યુકેમાં 7700 માઇલ સડકો સ્પીડ લિમિટના દાયરામાં આવી ગઇ છે. જોકે કન્ઝર્વેટિવોએ આરોપ મૂક્યો છે કે વેલ્સ સત્તાવાળાઓનો આ નિર્ણય કામદાર અને વાહન ચાલક વિરોધી છે.

ઇસ્ટ મિડલેન્ડ્સના મેયરપદના ઉમેદવાર તરીકે બેન બ્રેડલી અને ક્લેર વોર્ડની પસંદગી

લંડનઃ આગામી વર્ષે યોજાનારી ઇસ્ટ મિડલેન્ડ્સની મેયરપદની ચૂંટણીમાં વર્તમાન ટોરી સાંસદ અને પૂર્વ લેબ મિનિસ્ટરની ઉમેદવારો તરીકે પસંદગી કરાઇ છે. મેન્સફિલ્ડના કન્ઝર્વેટિવ સાંસદ બેન બ્રેડલીએ જણાવ્યું હતું કે, 2 મે 2024ના રોજ યોજાનારી ચૂંટણી માટે પાર્ટીએ મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો તેની મને ખુશી છે. લેબર પાર્ટીએ તેના ઉમેદવાર તરીકે ક્લેર વોર્ડની પસંદગી કરી છે. ક્લેર વોર્ડ 1997થી 2010 સુધી વાટફોર્ડના સાંસદ રહી ચૂક્યાં છે. તેઓ કેન્દ્ર સરકારમાં જુનિયર જસ્ટિસ મિનિસ્ટર તરીકે પણ કામગીરી કરી  ચૂક્યાં છે.

બર્મિંગહામ કાઉન્સિલની નાદારી માટે જ્હોન કોટને રહેવાસીઓની માફી માગી

લંડનઃ બર્મિંગહામ કાઉન્સિલની નાદારીની સ્થિતિ અંગે કાઉન્સિલ લીડર જ્હોન કોટને બર્મિંગહામના રહેવાસીઓની માફી માગી છે. કાઉન્સિલર કોટને જણાવ્યું હતું કે, કાઉન્સિલની આજની આર્થિક સ્થિતિ માટે હું દિલગીર છું. વિપક્ષના કાઉન્સિલરો દ્વારા જ્હોન કોટનને બર્મિંગહામના રહેવાસીઓની માફી માગવા માટે ઓછામાં ઓછું 12 વાર દબાણ કર્યું હતું. કોટને જણાવ્યું હતું કે, આ સમસ્યાના ઉકેલ માટેની સંપુર્ણ જવાબદારી હું લઇશ. હું જાણું છું કે કાઉન્સિલના રહેવાસીઓ આ સ્થિતિના કારણે કેટલા ચિંતિત હશે પરંતુ હું તેમને આશ્વાસન આપવા માગુ છું કે હું આ સ્થિતિનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter