બ્રિટન ડાયરી

Tuesday 03rd October 2023 11:43 EDT
 

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ જોવા સુનાક ભારત જાય તેવી સંભાવના

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન ક્રિકેટના શોખીન છે અને ભારતમાં યોજાઇ રહેલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા તેઓ ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. સુનાકની આ મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાય તેવી પણ સંભાવના છે. સુનાકના કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. જો સુનાક ભારતની મુલાકાત લેશે તો જી-20 પછી આ તેમની બીજી મુલાકાત હશે.

------------------------------------------------------------------------------------------------------------

હેરી પોટરના પ્રોફેસર ડમ્બલડોરનું 82 વર્ષની વયે નિધન

લંડનઃ હેરી પોટરની ફિલ્મોમાં પ્રોફેસર આલ્બુસ ડમ્બલડોરની ભુમિકા ભજવનાર બ્રિટિશ આઇરિશ અભિનેતા માઇતલ ગેમ્બોનનું 82 વર્ષની વયે નિધન થયું છે. ગેમ્બોને 1960ના દાયકાના પ્રારંભથી રંગમંચ પર અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ટેલિવિઝન કાર્યક્રમો અને ફિલ્મોમાં પણ અભિનય આપવા લાગ્યા હતા. તેમણે 1989માં ધ કૂક, ધ થીફ,હીઝ વાઇફ એન્ડ હર લવર તેમજ 2010માં ધ કિંગ્સ સ્પીચ ફિલ્મમાં કરેલો અભિનય યાદગાર બની રહ્યો હતો. તેમ છતાં તેમને સૌથી વધુ પ્રસિદ્ધી હેરી પોટરની ફિલ્મોમાં ડમ્બલડોરની ભુમિકાથી મળી હતી. માઇકલ જ્હોન ગેમ્બોનનો જન્મ 19 ઓક્ટોબર 1940ના રોજ ડબલિન ખાતે થયો હતો. તેમના પિતા અને માતા બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ લંડનમાં રોજગાર અર્થે કેમડેન ટાઉનમાં આવીને સ્થાયી થયાં હતાં.

------------------------------------

ભારતીય મૂળના ટોરી સાંસદ આલોક શર્મા આગામી સંસદની ચૂંટણી નહીં લડે

 લંડનઃ સીઓપી 26 ક્લાઇમેટ સમિટના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ આલોક શર્માએ આગામી સંસદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ભારતના આગ્રામાં જન્મેલા 56 વર્ષીય સાંસદને કિંગ ચાર્લ્સ તૃતીયની વર્ષ 2023ની ઓનર્સની યાદીમાં ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં યોગદાન માટે સરની ઉપાધિથી સન્માનિત કરાયા હતા. આલોક શર્માના મતવિસ્તાર રીડિંગ વેસ્ટનું સીમાંકન બદલાયું છે અને આગામી સંસદની ચૂંટણીમાં તેને રિડીંગ વેસ્ટ એન્ડ મિડ બર્કશાયર મતવિસ્તાર જાહેર કરાયો છે. આલોક શર્માએ જણાવ્યું હતું કે, મેં સ્થાનિક કન્ઝર્વેટિવ એસોસિએશનને આગામી ચૂંટણી નહીં લડવા અંગેના મારા નિર્ણયની જાણ કરી દીધી છે. 

--------------------------------------------

ડોક્ટરોની ભૂલના કારણે થતા મોત સામે જય પટેલે અભિયાન શરૂ કર્યું

લંડનઃ ડોક્ટરોની ભૂલોના કારણે પોતાના પુત્રને ગુમાવનાર લંડનના ભારતીય મૂળના એક વ્યક્તિએ દર્દીઓના અધિકારો માટે નવા ચેરિટી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. સારવારમાં નિષ્ફળતાને કારણે પોતાના 30 વર્ષીય પુત્રને ગુમાવી દીધા બાદ જય પટેલે પેશન્ટ્સ લાઇવ્ઝ મેટર્સ નામની ચેરિટીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કોરોનર્સ ઓફિસે જય પટેલને આશ્વાસન આપ્યું છે કે બલરામના મોત માટે જવાબદાર કારણો શોધી કાઢવા તપાસ શરૂ કરાશે.

જય પટેલે જણાવ્યું હતું કે, સારવારમાં કરાયેલી ભૂલોના કારણે બલરામ અસહ્ય પીડામાં મૃત્યુ પામ્યો હતો, ડોક્ટરોની નિષ્ફળતા મારા દીકરાના અકાળ મોત માટે જવાબદાર હતી. અમને લાગે છે કે આ ઘટના બાદ સરકાર પગલાં લઇ રહી છે જેથી દર્દીઓની સારવારમાં કેવા પ્રકારની ભૂલો કરાય છે તે જાણી શકાય, જોકે આ ઘટનાના સમયે ભૂલો સુધારવા કે દર્દીને હાનિ ન પહોંચે તે માટે અપુરતાં પગલાં લેવાયાં હતાં.

જય પટેલે જણાવ્યું હતું કે, હું સંસદમાં અભિયાન ચલાવીશ જેથી તેઓ મારી વાત સાંભળે અને બદલાવ લાવે. મારો દીકરો બાળપણથી 6 જીવલેણ બીમારીથી પીડાતો હતો. જેના કારણે તેનો માનસિક વિકાસ રૂંધાઇ ગયો હતો. તેમ છતાં તે અમારું બાળક હતો. તે હંમેશા ખુશ રહેતો અને તેના સંપર્કમાં આવતી દરેક વ્યક્તિને ખુશ કરતો હતો.

---------------------------------------------------------------------------------------------

સ્કોટલેન્ડના એવીમોર સ્ટેશન ખાતે બે ટ્રેન વચ્ચે ટક્કર

લંડનઃ સ્કોટલેન્ડમાં એવીમોર રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ અકસ્માતમાં 100 વર્ષ જૂની ફ્લાઇંગ સ્કોટ્સમેન ટ્રેન પણ સામેલ હતી. આ સ્કોટલેન્ડની પ્રથમ સ્ટીમ ટ્રેન હતી જે પ્રતિ કલાક 100 માઇલથી વધુની ઝડપે દોડતી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બે વ્યક્તિને સારવાર માટે રેગમોર હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં. અન્ય ઘાયલોને અકસ્માતના સ્થળે જ સારવાર અપાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજના 7 કલાકે એવીમોર રેલવે સ્ટેશન ખાતે જ બંને ટ્રેન વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતના કારણે એવીમોર સ્ટેશન ખાતેનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter