એકલી પાડી દેવાયેલી મહિલાના સમર્થનમાં હિન્દુ સંગઠનોના દેખાવ
લંડનઃ ઇલફોર્ડના રેડબ્રિજ ખાતે રહેતા હિન્દુ મહિલા દિપ્તી સી.ની સુરક્ષાના મામલે સ્થાનિક કાઉન્સિલ દ્વારા કરાયેલી ખોટી કામગીરીના વિરોધમાં કાઉન્સિલની ઓફિસ લિન્ટન હાઉસની સામે હિન્દુ સંગઠનોના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ દિપ્તી સી.ની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોની અવગણના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.છેલ્લા 6 મહિનાથી કાઉન્સિલે આ મહિલાને કોઇને મળવા પર નિયંત્રણો લાદી દીધાં હતાં જેના કારણે તેઓ તેમના સમુદાયમાં એકલાં પડી ગયાં હતાં. કાઉન્સિલના આ પગલાંને કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી હતી.હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ ડિરેક્ટર ફોર એડલ્ટ સોશિયલ સર્વિસિઝ સાથે મુલાકાત કરીને મહિલાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ઇ.કોલી સંક્રમણથી બેનાં મોત, 86 હોસ્પિટલમાં સારવાર હેઠળ
લંડનઃ ઇંગ્લેન્ડમાં ઇ.કોલી સંક્રમણના કારણે એકનું મોત થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે લેટસના કારણે ઇ.કોલીથી સંક્રમિત થવાના કારણે આ વ્યક્તિનું મોત થયું હતું. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇ.કોલીના કારણે થતા ઇન્ફેક્શનથી છેલ્લા 28 દિવસમાં બે વ્યક્તિના મોત થયાં છે. ઇ.કોલી સંક્રમણથી પીડાતા 86 દર્દી હાલ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. યુકેમાં અત્યાર સુધીમાં ઇ.કોલી સંક્રમણના 275 કેસ નોંધાયાં છે.
એરપોર્ટ નજીક વસતા 6 મિલિયન લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ
લંડનઃ ગ્રીન ગ્રુપ ટ્રાન્સપોર્ટ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે બ્રિટનના સૌથી મોટા હિથ્રો એરપોર્ટ ખાતે હવાનું પ્રદૂષણ લોકોના આરોગ્ય માટે અત્યંત ભયજનક છે. ગ્રુપે જણાવ્યું હતું કે વિમાનો દ્વારા ફેલાતા પ્રદૂષણના કારણે સમગ્ર દેશમાં હજારો લોકો હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ અને ડિમેન્શિયાનો શિકાર બની રહ્યાં છે. સ્લાઉ નજીક આવેલું હિથ્રો એરપોર્ટ હવામાં પ્રદૂષણ ફેલાવવામાં મોટો ભાગ ભજવી રહ્યું છે. હિથ્રો એરપોર્ટની આસપાસ 4 મિલિયન લોકો વસવાટ કરે છે જેમના આરોગ્ય પર ગંભીર જોખમ તોળાઇ રહ્યું છે. યુકેની 9 ટકા વસતી એટલે કે 6 મિલિયન લોકો લંડનના ગેટવિક, સ્ટાન્સ્ટેડ, હિથ્રો અને માન્ચેસ્ટર એરપોર્ટની 20 કિમી રેડિયસમાં વસવાટ કરે છે જેમના પર વિમાનો દ્વારા ફેલાતા પ્રદૂષણનું સૌથી વધુ જોખમ છે.
લંડન યુનાઇટેડના 1600 બસ ડ્રાઇવરની હડતાળ પર જવા ચીમકી
લંડનઃ લંડન યુનાઇટેડના 1600 જેટલા બસ ડ્રાઇવરોએ પગાર વધારાની ઓફર નકારી કાઢી છે અને ગવે તેઓ હડતાળ પર જવાની વિચારણા કરી રહ્યાં છે. યુનાઇટ ધ યુનિયને જણાવ્યું હતું કે, પા4ક રોયલ અને ફુલવેલ સહિત વેસ્ટ અને સાઉથવેસ્ટ લંડનમાં આવેલા સાત ગેરેજના ડ્રાઇવર હડતાળ પર જશે.ડ્રાઇવરોની હડતાળના કારણે 70 રૂટ પર બસસેવાઓને અસર થવાની સંભાવના છે જેમાં ચિસવિક, બ્રેન્ટફોર્ડ, એક્ટન, ઇલિંગ, પુટની અને હેમરસ્મિથ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ડ્રાઇવરોને 4 ટકા પગાર વધારાની ઓફર અપાઇ હતી.યુનિયને જણાવ્યું હતું કે ખરેખર તો આ પગાર વધારો નહીં પરંતુ પગારમાં કપાત છે. યુનિયનના જનરલ સેક્રેટરી શેરોન ગ્રેહામે જણાવ્યું હતું કે, અમારા સભ્યો કંપની દ્વારા પુરતો પગાર વધારો નહીં આપવાના વલણ સામે ઘણા નારાજ છે. આરએટીપી ગ્રુપને બિલિયન્સ પાઉન્ડ મળે છે પરંતુ લંડન યુનાઇટેડ ડ્રાઇવરોને પુરતો પગાર વધારો આપી રહ્યું નથી.
પ્રથમ ટ્રાયલે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરનારને ફી પરત કરવા માગ
લંડનઃ પ્રથમ ટ્રાયલમાં જ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરનારાને તેમની ફી પરત કરવાની માગ કરવામાં આવી છે. તેના દ્વારા લોકોને પ્રથમ ટ્રાયલે જ ટેસ્ટ પાસ કરી લેવા માટે પ્રોત્સાહન મળશે અને વેઇટિંગ ટાઇમમાં ઘટાડો થશે તેમ એક અગ્રણી મોટરિંગ ચેરિટીએ જણાવ્યું હતું.આરએસી ફાઉન્ડેશનના વડા સ્ટીવ ગૂડિંગે જણાવ્યું હતું કે, આ રીતે પ્રથમ ટ્રાયલે ટેસ્ટ પસાર કરનારને ફી પરત આપવાથી લોકો ટેસ્ટ માટે સંપુર્ણપણે તૈયાર હશે ત્યારે જ ટેસ્ટ આપવા આવશે. અત્યારે લર્નિંગ ડ્રાઇવરોની ટેસ્ટનો વેઇટિંગ સ્લોટ 24 સપ્તાહનો છે. ઘણા લોકો તેમની એક્ઝામ ડેટ આગળ કરાવવા વચેટિયાઓને સેંકડો પાઉન્ડ ચૂકવી રહ્યાં છે.ગયા વર્ષે બે મિલિયન પ્રેકટિકલ કાર ડ્રાઇવિંગ ટેસ્ટ હાથ ધરાયાં હતાં. તેમાંથી 50 ટકા કરતાં પણ ઓછા ઉમેદવારોને લાયસન્સ જારી કરાયાં હતાં. સ્ટીવ ગૂડિંગ કહે છે કે પ્રથમ ટ્રાયલે ટેસ્ટ પાસ કરનારાની સંખ્યા વધશે તો ફરી ટ્રાયલ આપનારાની સંખ્યામાં મોટો ઘટાડો થશે.

