નવી દિલ્હી, લંડનઃ કોરોના મહામારીને કારણે અનેક દેશોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. આ સ્થિતિ વચ્ચે બ્રિટન સરકારે કોરોના વાઈરસ સામે લડવા માટે ભારતમાં ઈનોવેશન ચેલેન્જ ફંડ લોન્ચ કર્યું છે. ઈનોવેશનલ ચેલેન્જ ફંડમાં બ્રિટન સરકારે ત્રણ મિલિયન યુરો એટલે કે ૨૯ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. આ નવી યોજના અંતર્ગત ભારતીય વૈજ્ઞાનિકોને એકેડમિક તેમજ ઈન્ડસ્ટ્રીમાં કોવિડ-૧૯નો સામનો કરવા માટે સમર્થન આપવામાં આવશે.
ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ફિલિપ બાર્ટનના જણાવ્યા મુજબ કોરોના જેવી મહામારી સામે લડવા માટે આ ફંડ અતિ ઉપયોગી સાબિત થશે. ઈનોવેશન ચેલેન્જ ફંડ ટેક ઈનોવેટર્સને આમંત્રિત કરે છે. આ ફંડનો ઉપયોગ કોરોના મહામારી સામે લડવામાં થશે અને બંને દેશો સંયુક્ત રીતે આ દિશામાં પ્રયાસો કરશે.
આ ટેક ઈનોવેટર્સનો સંબંધ કર્ણાટકમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ક્લસ્ટર અને મહારાષ્ટ્રમાં ફ્યુચર મોબિલિટી ક્લસ્ટર સાથે રહેશે. આ ઈનોવેટર્સ આ બંને ક્લસ્ટરને કોરોના સામે લડવા માટે પોતાના રિસર્ચ અને વિકાસના પ્રસ્તાવને જમા કરાવશે. આ ઉપરાંત, ગ્રીન પ્લેનેટનો પણ વધુ વિસ્તાર કરવામાં આવશે. બ્રિટન દ્વારા જે ફંડનું રોકાણ કરાઈ રહ્યું છે તેનાથી બંને દેશના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને મદદ મળી રહેશે અને બંને દેશો સંયુક્તપણે કોરોના સામે લડવામાં એકબીજાને મદદ કરી શકશે.
ખાસ કરીને હાલ કોરોના સામે લડવા માટે સક્રિય લોકોને આ ફંડ માટે આમંત્રિત કરાયા છે. આ ફંડ અંતર્ગત ૨.૫ લાખ પાઉન્ડની ઓછામાં ઓછી ૧૨ વખત ગ્રાન્ટ આપવામાં આવી શકે છે અને આ માટે પોતાના પ્રસ્તાવ મોકલવાની અંતિમ તા. ૩૧ ઓગસ્ટ રહેશે. તે હવે ભારત અને બ્રિટન બંને સાથે મળીને કોરોના સામે લડવા માટે વિવિધ પ્રકારના સંશોધનો કરશે