લંડનઃ બ્રિટન અને ન્યુ ઝીલેન્ડના યુવાઓ હવે એકબીજાના દેશમાં વધુ સમય માટે કામ કરી શકશે. પહેલી જુલાઇએ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ન્યુ ઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેર્ન વચ્ચે યૂથ મોબિલિટી સ્કીમ લંબાવવા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. યૂથ મોબિલિટી સ્કીમ અને વર્કિંગ હોલિડે સ્કીમ લંબાવાથી હવે આ યુવાઓ એકબીજાના દેશમાં 3 વર્ષ સુધી રહી શકશે, તેમને નવી તકો ઉપલબ્ધ થશે અને પ્રવાસ, કામ અને જીવનના અનુભવો દ્વારા એકબીજાના દેશની સંસ્કૃતિ અને સમાજને વધુ સારી રીતે સમજી શકશે.
આ મુદ્દે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, વિદેશમાં પ્રવાસ, વસવાટ અને રોજગાર અદ્દભૂત અનુભવ આપી શકે છે. બ્રિટન ન્યુ ઝીલેન્ડના નાગરિકોને પ્રવાસ માટે આવકારે છે અને હજારો બ્રિટિશ નાગરિકો પણ ન્યુ ઝીલેન્ડમાં જીવન પરિવર્તિત કરી નાખનાર અનુભવો કરી રહ્યાં છે. બંને દેશ દ્વારા વિઝા સ્કીમમાં કરાયેલા સુધારાના પગલે બ્રિટન અને ન્યુ ઝીલેન્ડના યુવાનોને તેમની કુશળતાના વિકાસની સાથે જીવનભરના સંભારણા સમાન સંબંધો બનાવવા અને પોતાના દેશને યોગદાન આપવામાં મદદરૂપ બની રહેશે.
વડા પ્રધાન જેસિન્ડાએ જણાવ્યું હતું કે, ન્યુ ઝીલેન્ડ લાંબા સમયથી વર્કિંગ હોલિડે વિઝામાં સુધારાની તરફેણ કરી રહ્યું હતું. અમે આ કરાર કરીને ઘણા ખુશ છીએ. ન્યુ ઝીલેન્ડના ઘણા નાગરિકોની જેમ મેં પણ બ્રિટનમાં રહેવા અને કામ કરવાનો આનંદ માણ્યો છે. અમે બ્રિટનના નાગરિકોને પણ અમારા દેશમાં આવા જ અદ્દભૂત અનુભવનો પ્રસ્તાવ આપીએ છીએ.