લંડનઃ ઈસ્લામિક ત્રાસવાદી સંગઠન આઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ દ્વારા પેરિસ જેવા જ હુમલાની યોજના બ્રિટન માટે તૈયાર કરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે સીરિયાસ્થિત બ્રિટિશ જેહાદીઓને પોતાના દેશમાં હુમલાને અંજામ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, પેરિસ હુમલા પછી બ્રિટિશ સરકારે જોખમને ધ્યાનમાં લઈ તેમના ‘જેમ્સ બોન્ડ’ જેવા તાલીમબદ્ધ ટોપ સિક્રેટ જાસૂસોને ઈસ્લામિક સ્ટેટના ‘મોટા માથાઓ’ને શોધી શોધીને ખતમ કરવાનો હુકમ કર્યો છે. આ યોજનાના ભાગરૂપે બ્રિટિશ સરકારે બ્રિટનના સ્પેશિયલ એર સર્વિસના એજન્ટોને સીરિયા મોકલ્યા છે.
બ્રિટને વધુ ૧,૯૦૦ જાસૂસની ભરતી કરવાનો પણ નિર્ણય લીધો છે, જેથી બ્રિટિશ ઈન્ટેલિજન્સ સ્ટાફની ક્ષમતા ૧૫ હજારે પહોંચી જશે. સરકારને શંકા છે કે, પેરિસ જેવો હુમલો બ્રિટનના લંડન જેવા શહેરોમાં પણ થઈ શકે છે. આથી, બ્રિટને સિક્રેટ સર્વિસ એજન્સીઓને આઈએસના ઈરાક અને સીરિયાસ્થિત નેતાઓને શોધીને તેમની સામે ‘આકરાં પગલાં’ લેવાની મંજૂરી આપી દીધી છે.
સુરક્ષા એજન્સીઓએ ખતરનાક આતંકી સંગઠન આઈએસ દ્વારા આ હુમલો આગામી થોડાં સપ્તાહોમાં જ થઈ શકે એવી શંકા વ્યક્ત કરી છે. આઈએસના હિટ લિસ્ટમાં હવે બ્રિટનનો જ નંબર રહેશે તેવી માહિતી પોતાની પાસે હોવાનો દાવો યુરોપિયન સુરક્ષા એજન્સીઓએ કર્યો છે. બ્રિટનના સંખ્યાબંધ જેહાદીઓ ઈસ્લામિક સ્ટેટની તરફે યુદ્ધમાં ભાગ લેવા સીરિયા ગયા છે.