બ્રિટન પર તોળાતી અભૂતપૂર્વ એનર્જી કટોકટી

આગામી શિયાળો મહાકાય બની રહેલા એનર્જી બિલનો સામનો કરી રહેલી જનતાના જીવન વધુ દોહૃલા બનાવે તેવી સંભાવના, ઉદ્યોગોની સાથે સાથે રહેણાંકોને પણ દિવસો સુધી વીજકાપ અને અંધારપટનો સામનો કરવો પડી શકે છે

Wednesday 17th August 2022 05:14 EDT
 

લંડન

બ્રિટન જેવી મહાસત્તા અસામાન્ય એનર્જી કટોકટીનો સામનો કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે બ્રિટનને આગામી શિયાળામાં ભયાનક વીજ કટોકટીનો સામનો કરવાની નોબત આવી શકે છે. એકતરફ બ્રિટનની પ્રજા મોંઘવારીને કારણે મહાકાય બનેલા એનર્જી બિલનો સામનો કરી રહી છે ત્યારે આગામી શિયાળો વીજકાપ સાથે લોકોના જીવન વધુ દોહૃલાં બનાવે તેવી સંભાવના છે.

શિયાળામાં સર્જાનારી વીજ કટોકટીને પહોંચી વળવા સરકાર દ્વારા ક્રાઇસિસ પ્લાન તૈયાર થઇ રહ્યો છે જેમાં ઉદ્યોગોની સાથેસાથે સામાન્ય પરિવારોને પણ વીજકાપ અને તેને કારણે સર્જાનારા અંધારપટનો સામનો કરવો પડી શકે છે. સરકારના અધિકારીઓનું માનવું છે કે યુદ્ધના કારણે ઊભી થયેલી ગેસ સોર્ટેજ અને કાતિલ શિયાળામાં વીજળીની વધતી માગને જોતાં જાન્યુઆરી મહિનામાં બ્રિટનને ઘણા દિવસો સુધી અંધારપટનો સામનો કરવો પડી શકે છે.

જાન્યુઆરી મહિનામાં વાર્ષિક એનર્જી બિલ 4200 પાઉન્ડની સપાટી પર પહોંચી શકે છે તેવી આગાહી મધ્યે આગામી શિયાળામાં પરિવારોને મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે અને તેમાં સરકારની સહાય મળવાની આશાઓ ઘણી ઓછી છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર સરકાર કાર્યક્ષમતાના આરે પહોંચી ગયેલા કોલ પાવર પ્લાન્ટોને ઇમર્જન્સી પ્લાન હેઠળ સક્રિય કરે તો પણ શિયાળામાં વીજળીની માગ ઉચ્ચતમ સ્તરે પહોંચે ત્યારે કુલ માગના છઠ્ઠા ભાગની વીજળીની અછત સર્જાશે. કાતિલ શિયાળામાં નોર્વે અને ફ્રાન્સ પાસેથી મળતી વીજળીમાં ઘટાડો થતાં સરકારને ઇમર્જન્સીના પગલા તરીકે જાન્યુઆરીમાં ચાર દિવસ ચાલે તેટલો ગેસનો જથ્થો અનામત રાખવો પડશે. તે અંતર્ગત નેટવર્ક ઓપરેટર સતત ગેસ પૂરો પાડવાના કોમર્શિયલ કરારો રદ કરી શકે છે જેના કારણે ગેસ આધારિત વીજમથકોમાં ગેસનો પૂરવઠો અવરોધાઇ શકે છે. વીજળીનું ઉત્પાદન ઘટતાં ઉદ્યોગો અને ઘરો પર વીજળી કાપ લદાઇ શકે છે. વીજકાપ મૂકાશે તો રેલવેની સેવાઓ પણ પ્રભાવિત થઇ શકે છે. બ્રિટનમાં રેલવે વીજળીનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

વીજકાપના કારણે સુપર માર્કેટોમાં ખોરાકની અછત સર્જાઇ શકે છે

દેશમાં મોટાપાયે વીજકાપ લદાય તો દેશમાં ફૂડ સપ્લાય પર કેવી અસર સર્જાય તેની માહિતી મેળવવા સરકારે સુપર માર્કેટ ઓપરેટરોનો સંપર્ક સાધ્યો છે. સરકારને ચિંતા છે કે વીજ કાપના કારણે દેશની ફૂડ ચેઇન ખોરવાઇ શકે છે. સરકારે સુપર માર્કેટ ઓપરેટર્સ પાસે ફૂડ ચેઇન યથાવત રાખવા માટે સલાહ સૂચનો માગ્યા છે.

આગામી વસંત સુધીમાં વાર્ષિક એનર્જી બિલ 4427 પાઉન્ડ પર પહોંચવાની વકી

અનુમાન કરતાં પણ એનર્જી બિલમાં તોતિંગ વધારો થવા જઇ રહ્યો છે. ઓક્ટોબરમાં એનર્જી પ્રાઇસ કેપ વધવાની સાથે પરિવાર દીઠ સરેરાશ વાર્ષિક એનર્જી બિલ 3582 પાઉન્ડ પર પહોંચી જશે. આગામી વસંત સુધીમાં સરેરાશ એનર્જી બિલ 4427 પાઉન્ડ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ગ્રાહકો ફિક્સ્ડ ડીલ કરવાની વિચારણા કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે ફિક્સ્ડ ટેરિફમાં જોડાવાથી તેમના પર ભાવવધારાની અસર ઓછી થશે.

ઘરદીઠ 550 પાઉન્ડની સહાય પુરતી નહી પડે – મની સેવિંગ એક્સપર્ટની સુનાકને ચેતવણી

મની સેવિંગ એક્સપર્ટ માર્ટિન લૂઇસે રિશિ સુનાકને ચેતવણી આપી છે કે પરિવાર દીઠ એનર્જી બિલમાં 1500 પાઉન્ડનો વધારો થવાની સંભાવના હોવાથી સરકાર દ્વારા અપાઇ રહેલી 550 પાઉન્ડની સહાય પુરતી નહીં પડે. રિશિ સુનાકે બ્રિટનની પ્રજાને સહાય કરવા15 બિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું તેના થોડા સમય પહેલાં લૂઇસે સુનાકનો ઇન્ટર્વ્યુ લીધો હતો. લૂઇસે યુનિવર્સલ ક્રેડિટ માટે જરૂરી એવી લિમિટ કરતા થોડી વધુ આવક ધરાવતા લાખો લોકોને પડનારી મુશ્કેલીઓ અંગે પણ સવાલ કર્યો હતો. તેમને સરકાર દ્વારા કોઇ સહાય ઉપલબ્ધ થવાની નથી. જે લોકોને 550 પાઉન્ડની સહાય મળે છે તેઓ 1500 પાઉન્ડના વધારા સામે કેવી રીતે ઝઝૂમી શકશે?

તગડી નફાખોરી કરી રહેલી એનર્જી જાયન્ટ કંપનીઓ પર આકરો વિન્ડફોલ ટેક્સ લાદવાની તૈયારી

એનર્જી જાયન્ટ કંપનીઓ દ્વારા ચાલી રહેલી તગડી નફાખોરી સામે સામાન્ય જનતામાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે સરકાર આ કંપનીઓ પર 25 ટકા જેટલો આકરો વિન્ડફોલ ટેક્સ લાદવાની તૈયારી કરી રહી છે. સરકાર આ માટે એનર્જી અને ગેસ કંપનીઓના વડાઓ સાથે ટૂંકસમયમાં ચર્ચા કરશે. સરકાર ઇચ્છે છે કે કંપનીઓ તેમના સંભવિત નફાની માહિતી આપે અને આગામી  3 વર્ષ માટેની તેમની મૂડી રોકાણ યોજનાઓ પણ સરકાર સમક્ષ રજૂ કરે. વિન્ડફોલ ટેક્સ લગાવવાથી એનર્જી કંપનીઓની નફાખોરી પર લગામ કસવાનો સરકારનો ઇરાદો છે.

નવા વડાપ્રધાન માટે તૈયાર કરાતું નવું કોસ્ટ ઓફ લિવિંગ સપોર્ટ પેકેજ

બ્રિટનનો ટ્રેઝરી વિભાગ જનતાને રાહત આપવા માટે નવા વડાપ્રધાન નિયુક્ત થાય તે પહેલાં જ નવું કોસ્ટ ઓફ લિવિંગ સપોર્ટ પેકેજ તૈયાર કરી રહ્યો છે. ટ્રેઝરીના ચીફ સેક્રેટરી સાયમન ક્લાર્કે જણાવ્યું હતું કે, નવા વડાપ્રધાને નવા વિકલ્પો વિચારવા જ પડશે. વધી રહેલા એનર્જી બિલ માટે લોકોને મદદ કરવા ભયાનક પ્રસ્તાવો મૂકવા માટે લિઝ ટ્રસે રિશિ સુનાક પર આકરા પ્રહારો કર્યા ત્યારબાદ ટ્રેઝરી વિભાગનું આ નિવેદન આવ્યું છે. સાયમન ક્લાર્ક વડાપ્રધાન પદની રેસમાં લિઝ ટ્રસનું સમર્થન કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter