લંડનઃ ઈયુના પ્રમુખ અને માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કતે જણાવ્યું છે કે ૨૦૨૦ના દાયકાના ઘણાં વર્ષ સુધી બ્રિટન યુરોપિયન કોર્ટ્સની હકુમત હેઠળ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે મહત્ત્વના ક્ષેત્રોમાં યુકે ઈચ્છે તો યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ ચુકાદા આપવાનું ચાલુ રાખશે.
આ પ્રક્રિયામાં બ્રિટન ઈયુમાંથી છૂટું પડે તે પછી ઓછામાં ઓછાં પાંચ વર્ષ લાગશે. બ્રિટન ૨૦૧૯માં ઈયુમાંથી બહાર થશે તેવી અપેક્ષા છે. માલ્ટાના નાણાંપ્રધાન એડવર્ડ સીક્લુમાએ જણાવ્યું હતું કે અચાનક હાનિકારક આર્થિક વિચ્છેદને ટાળવાની બ્રિટનની જરૂરિયાતનો મતલબ એ થશે કે થેરેસા મેએ છૂટા પડવાની વાટાઘાટો પ્રત્યે આંખ મીચામણા કરવા પડશે. તેમની ટિપ્પણીએ બ્રેક્ઝિટ બાદ બ્રિટનને સાર્વભૌમ અને સ્વતંત્ર દેશ બનાવવાની વડાપ્રધાનની પ્રતિજ્ઞા સમક્ષ પડકાર મૂક્યો છે.

