લંડનઃ લ્યો કરી લો વાત.... ભારત સરકાર પાસે યુકેની રોયલ ટ્રેઝરીમાં કેટલાં ભારતીય ઝવેરાત છે તે અંગેની માહિતી આપી શકે તેવી કોલોનિયલ એરાની ફાઇલ જ ઉપલબ્ધ નથી. ભારતના કલ્ચર અને ટુરિઝમ મિનિસ્ટર ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે મહારાજા રણજિતસિંહના કલેક્શન સહિત યુકેની રોયલ ટ્રેઝરીમાં રહેલા ભારતીય ઝવેરાતની માહિતી આપી શકે તેવી કોલોનિયલ એરાની ફાઇલ અંગે કોઇ માહિતી નથી. તેથી યુકેની સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો કોઇ અર્થ નથી.
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ આપતાં કેન્દ્રિય મંત્રી શેખાવતે ઉપરોક્ત માહિતી સંસદમાં આપી હતી. એપ્રિલ 2023માં યુકેના ગાર્ડિયન અખબાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આર્ટિકલમાં ભારતીય ઓફિસમાંથી 46 પાનાની કોલોનિયલ એરાની ફાઇલ મળી આવી હોવાનો દાવો કરાયો હતો. આ ઓફિસ તે સમયે ભારતીય ઉપખંડમાં બ્રિટિશ સરકારના વિભાગ તરીકે કામ કરતી હતી.
આ ફાઇલમાં ભારતથી લવાયેલા મૂલ્યવાન હીરા ઝવેરાતની માહિતી હોવાનું કહેવાય છે. હાલ આ હીરા અને ઝવેરાત રાજવી પરિવાર પાસે છે. 1912ની મનાતી આ ફાઇલમાં ભારતમાંથી બ્રિટન લઇ જવાયેલા ઝવેરાતની વિગતો આપવામાં આવી છે. આ ફાઇલમાં પોતાની પાસેના હીરા ઝવેરાત મૂળ ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં તે જાણવા માટે ક્વીન મેરી દ્વારા કરાવાયેલી તપાસના તારણો પણ સામેલ હોવાનું મનાય છે.

