બ્રિટન માટે મહત્ત્વપૂર્ણ ગુજરાતને મારી અલવિદા

ગુજરાત અમારા માટે રાજકીય, આર્થિક ઉપરાંત, સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. મને ગુજરાતના આતિથ્યની ઉણપ સાલશે.

જ્યોફ વેઈન, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, ગુજરાત અને રાજસ્થાન Thursday 06th December 2018 04:49 EST
 
 

ગુજરાત અને રાજસ્થાન માટેના પ્રથમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર તરીકેના ચાર વર્ષ વીતાવ્યા પછી હું છ સપ્તાહના ગાળામાં ગુજરાતની વિદાય લઈ રહ્યો છું. ગુજરાતમાં ડિપ્લોમેટિક ઓફિસ હોય તેવો એક માત્ર દેશ બ્રિટન છે. અમે અહીં છીએ તેનું કારણ એ છે કે ગુજરાત બ્રિટન માટે મહત્ત્વપૂર્ણ છે. તે અમારા માટે રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. તે અમારા માટે આર્થિક દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. યુકેમાં ગુજરાતી મૂળના આશરે ૮૦૦,૦૦૦ લોકો વસે છે તેને જોતાં અમારા માટે તેનું સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ મહત્ત્વ છે. એનર્જી, લાઈફ સાયન્સીસ, ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં વધુ વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ અંગે સફળતાઓ મેળવવા માટે આ વર્ષે મારી ઓફિસ નવા સ્ટાફ સાથે વિસ્તરણ કરશે.

ભારતમાં હવે બ્રિટિશ સરકારની ૧૦ ઓફિસ છે અને અમારા નેટવર્કમાં અમે લગભગ એક હજાર લોકોને રોજગારી આપી છે. વિશ્વભરમાં યુએસ અને ચીન સહિત અન્ય કોઈ પણ દેશની સરખામણીએ માત્ર ભારતમાં અમે વધુ સ્ટાફ અને વધુ ઓફિસો ધરાવીએ છીએ. આ જ દર્શાવે છે કે બ્રિટિશ સરકાર ભારત સાથેના તેના સંબંધોને કેટલા મહત્ત્વપૂર્ણ માને છે.

ગુજરાતમાં અમે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટને આગળ વધારવા તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેનો ઉલ્લેખ ભારત અને યુકે વચ્ચેના ‘જીવંત સેતુ’ તરીકે કરે છે તેને વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. મને કહેતા આનંદ થાય છે કે અમે આ બંને મુદ્દે ઘણી સારી પ્રગતિ સાધી રહ્યા છીએ.

ગત વર્ષે અમને લંડનથી યુકેમાંથી ગુજરાતમાં ૧૬ મિલિયન પાઉન્ડના મૂલ્યની નવી નિકાસો હાંસલ કરવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. અમે ૩૦૦ મિલિયન પાઉન્ડથી થોડી વધુ નિકાસ મેળવી હતી. મેક્રોઈકોનોમિક પરિદૃશ્ય પણ એટલું જ પ્રોત્સાહક બની રહ્યું છે. યુકે અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર મજબૂત છે અને વધતો જ રહ્યો છે, જે ૨૦૧૭-૧૮માં ૧૯ ટકાની વૃદ્ધિ સાથે ૧૯ બિલિયન પાઉન્ડ થયો છે. ભારતમાં યુકેની નિકાસ પણ ૨૦૧૭-૧૮માં ૩૨ ટકાની વૃદ્ધિ પામી છે અને કુલ નિકાસ ૭.૬ બિલિયન પાઉન્ડ થઈ છે, જે સતત ચોથા ક્વાર્ટરમાં બે આંકડાની વૃદ્ધિ દર્શાવે છે. યુકેની માલિકીની ૮૦૦ કંપનીઓ ભારતના સંગઠિત ક્ષેત્રમાં દર ૨૦ નોકરીમાંથી એક નોકરીનું સર્જન કરે છે અને ૮૦ બિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે ૮૦૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી આપે છે તેમજ ૧૦ બિલિયન પાઉન્ડનો નફો રળે છે, જેમાંથી મોટા ભાગનો હિસ્સો ભારતમાં જ રહે છે. યુકે વર્ષ ૨૦૦૦થી ભારતમાં સૌથી મોટુ G20 રોકાણકાર બની રહ્યું છે. બીજી તરફ, ભારત પણ ઈયુના બાકીના દેશોમાં રોકાણ કરે છે તેની સરખામણીએ યુકેમાં વધુ રોકાણ કરે છે અને હવે યુકેમાં ચોથા ક્રમનો ઈન્વેસ્ટમેન્ટ સ્રોત છે, જેણે માત્ર ગત વર્ષે જ ૫,૬૪૯ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું. યુકેમાં ૮૦૦ ભારતીય કંપનીઓ છે જેના દ્વારા લગભગ ૧૧૦,૦૦૦ લોકોને રોજગારી અપાય છે અને તેમાંથી ૩૦,૦૦૦થી વધુ રોજગારી તો ડિજિટલ અને ટેક ઈકોનોમીમાં છે. લંડન તો ચોક્કસપણે મૂડીનું વૈશ્વિક કેન્દ્ર છે. ગત બે વર્ષના ગાળામાં ભારતીય ઈસ્યુકારોએ મસાલા, ડોલર અને ગ્રીન બોન્ડ્સ દ્વારા લંડન સ્ટોક એક્સચેન્જ મારફત ૬.૫ બિલિયન પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે.

સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે અને ભારત વચ્ચે ‘જીવંત સેતુ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે આપણા બે દેશ વચ્ચે પ્રજા, વિચારો અને સંસ્કૃતિના આદાનપ્રદાન સાથે સંબંધિત છે. પારસ્પરિક પડકારોની શ્રેણીબદ્ધ સહભાગીતા દર્શાવે છે કે યુકે-ભારતના સંબંધો શા માટે અજેય સંયોજન છે. સરકાર-સરકાર વચ્ચેના સંબંધોથી અલગ લોકો, વિચારો અને સંસ્થાઓનાં અનોખા જીવંત સેતુથી આપણને લાભ પ્રાપ્ત થાય છે. અન્ય કોઈ દ્વિપક્ષીય સંબંધો રાજકીયથી માંડી બિઝનેસ, ફાઈનાન્સ, ટેકનોલોજી, સાયન્સ, મેડિસીનથી વિશિષ્ટ શક્તિરુપ સંસ્કૃતિ, સાહિત્ય, કળા, સંગીત, સ્પોર્ટ અને આહાર તેમજ ઐતિહાસિક ફલક સહિત યુકે-ભારત સંબંધોના વિશાળ વ્યાપ સાથે જરા પણ સ્પર્ધા કરી શકે તેમ નથી. યુકે અને ભારતના સંબંધો અનેક સમાન મૂલ્યો તેમજ અનુક્રમે વિશ્વની સૌથી પ્રાચીન અને વિશાળ લોકશાહી તરીકે અનોખા છે.

આપણે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય સિસ્ટમ જાળવવાની પ્રતિબદ્ધતામાં સહભાગી છીએ અને આને આગળ વધારવા તેમની તેની રક્ષા કરવા માટે સમગ્ર વિશ્વમાં ભાગીદાર બનીને કાર્ય કરીએ છીએ. આપણે સાથે મળીને ક્લાઈમેટ ચેન્જ, સસ્ટેઈનેબલ એનર્જી, માનવીય આપદાઓ અને પર્યાવરણીય અવદશા જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં નેતૃત્ત્વ કરીએ છીએ. આપણે સંશોધન અને આધુનિક ટેકનોલોજીની સહાયથી લોકોનાં જીવનને રુપાંતરિત કરવાની લડતમાં પ્રતિબદ્ધ ભાગીદાર છીએ. આપણે બંને ઊર્જાના સલામત, પોસાય તેવા અને ચિરસ્થાયી પુરવઠાની હિમાયત કરવા સાથે ટેકનોલોજી ઈનોવેશન અને ક્ષમતાનિર્માણના સહભાગી કાર્યક્રમો થકી સ્વચ્છ ઊર્જાની કિંમત ઘટાડવા કાર્યરત રહીએ છીએ. આપણે બંને છેવાડે રહેલી મહિલાઓ માટે ક્ષમતાનિર્માણ, મહિલાઓના કાનૂની અધિકારોમાં વૃદ્ધિ તથા સેક્સ ટ્રાફિકિંગ, બાળમજૂરી અને વેઠ સામે લડત સહિતના ક્ષેત્રોમાં બાળકીઓ અને સ્ત્રીઓનું જીવન સુધારવાનો પ્રયાસ કરીએ છીએ.

કેટલાક મીડિયા અહેવાલોથી વિપરીત, અમારી વિઝા સિસ્ટમ સારું કાર્ય કરે છે. ગત ૧૨ મહિનામાં ભારતીયોને પાંચ લાખથી વધુ વિઝા જારી કરવામાં આવ્યા હતા. દસમાંથી નવ ભારતીય અરજીઓને મંજૂરી અપાઈ હતી, જે વિશ્વિક સરેરાશ કરતાં વધુ છે. ગત વર્ષે યુકે દ્વારા આશરે ૧૫,૪૦૦ ટિયર-૪ સ્ટુડન્ટ વિઝાને મંજૂરી અપાઈ હતી, જે તેની અગાઉના વર્ષ કરતાં ૩૨ ટકા વધારે છે. આ સતત ત્રીજું વર્ષ છે, જેમાં સ્ટુડન્ટ વિઝાની સંખ્યા વધી છે. બાકીના સંયુક્ત વિશ્વની સરખામણીએ ભારતીય નાગરિકોને મળેલાં ટિયર-ટુ એમ્પ્લોયમેન્ટ વિઝાની સંખ્યા વધુ છે. ગત વર્ષે ૬૦,૦૦૦થી વધુ વર્ક વિઝા ઈસ્યુ કરાયા હતા. ૯૯ ટકા ભારતીય અરજદારો તેમના વિઝા સમગ્ર ભારતમાં પ્રસરેલા અમારા વિઝા એપ્લિકેશન સેન્ટર્સના વિશાળ નેટવર્ક મારફત અમારા ૧૫ દિવસના સેવાધોરણની અંદર જ મેળવે છે. ઘરેલુ બાબતો વિશે અમારા સંબંધો રચનાત્મક રહ્યા છે. અમે એ બાબતે સહમત છીએ કે ગુનાઓના આરોપીઓ સરહદો પાર કરીને ન્યાયથી નાસી છૂટવા ન જોઈએ. આ સાથે અમે બંને ન્યાયતંત્રની સ્વતંત્ર ભૂમિકાને સન્માનીએ છીએ.

ભારત મહાન દેશ છે. યુકે મહાન દેશ છે. આપણે સાથે મળીને કામ કરીએ તો તે પણ મહાન કાર્ય હશે. હું જાન્યુઆરીમાં ભારતને અલવિદા કહી રહ્યો છું પરંતુ, મધ્ય જાન્યુઆરીમાં ગુજરાત આવનારા મારા અનુગામી પીટર કૂક દ્વારા આ મહાન કાર્ય ચાલુ રહેશે. મને અહીંથી જતા દુઃખ થશે. હું મસાલા ચા, ઢોકળા અને ખીચડી ગુમાવીશ. હું નવરાત્રિ અને ઉત્તરાયણ ગુમાવીશ. હું વિશાળ રણ, ગિરના સિંહો, વિશ્વ હેરિટેજ સિટી અમદાવાદ, વડોદરાની સંસ્કૃતિ, સૂરતના નવતર સ્થાપત્ય અને રાજકોટની ઈજનેરી શ્રેષ્ઠતા પણ ગુમાવીશ. મને સૌથી વધુ તો ગુજરાતના સાચા અને અમર્યાદિત આતિથ્યની ઉણપ સાલશે, જેણે અમારા અહીંના રોકાણ દરમિયાન મને અને મારા પત્નીને શ્રેષ્ઠ આવકારની લાગણીનો અનુભવ કરાવ્યો છે. રાજદ્વારી સેવાના ૩૫ વર્ષ પછી, હું પ્રામાણિકપણે કહી શકું છું કે ગુજરાતમાં મારા ગત ચાર વર્ષ સૌથી આનંદપ્રદ અને મારી સમગ્ર કારકીર્દિમાં લાભદાયી બની રહ્યા છે. હું યુકેના ગુજરાતી ડાયસ્પોરા સાથે મારો સંપર્ક જાળવી રાખવા ઉત્સુક છું અને વહેલી તકે ગુજરાત પરત ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈશ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter