લંડનઃ બ્રિટન યુરોપના 33 દેશોમાં સૌથી વધુ માઇગ્રન્ટ્સને રાજ્યાશ્રય આપનારો દેશ બની ગયો છે. બ્રેક્ઝિટ બાદ મંજૂર કરાયેલી રાજ્યાશ્રયની અરજીઓ બમણી થઇ છે. સપ્ટેમ્બર 2023માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં દેશમાં આવતા માઇગ્રન્ટ્સ પૈકીના 75.1 ટકાને રાજ્યાશ્રય આપી દેવાયો છે. 2018માં આ આંકડો 31.1 ટકા હતો. રાજ્યાશ્રયના મામલામાં મંજૂર કરાયેલી અરજીઓના સંદર્ભમાં બ્રિટન 26મા સ્થાનેથી સાતમા સ્થાને આવી ગયો છે. આ મામલામાં આયર્લેન્ડ, પોર્ટુગલ, નેધરલેન્ડ અને ઇસ્ટોનિયા ટોચના સ્થાને રહ્યાં છે.
રાજ્યાશ્રયની અરજીઓ મંજૂર કરવાના મામલામાં બ્રિટનનો એપ્રુવલ રેટ ફ્રાન્સ અને સ્વીડન કરતાં બમણો રહ્યો છે. ફ્રાન્સે 30.6 ટકા જ્યારે સ્વીડને 32.2 ટકા અરજીઓને મંજૂરી આપી છે. યુરોપિયન સંઘમાં સામેલ એવા ઇટાલીએ 46 ટકા અને ગ્રીસે 52.9 ટકા અરજીઓ મંજૂર કરી છે. આ બંને દેશોમાં ભૂમધ્ય સમુદ્રના દેશોમાંથી આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટની સંખ્યા ઘણી મોટી છે.
રાજ્યાશ્રય પડતર કેસોના સરકારના દાવાઓની વોચડોગ દ્વારા તપાસ થશે
લંડનઃ સ્ટેટિસ્ટિક્સ વોચડોગ ઓફિસ ફોર સ્ટેટિસ્ટિક્સ રેગ્યુલેશન વડાપ્રધાન રિશી સુનાક અને હોમ ઓફિસ દ્વારા રાજ્યાશ્રયના પડતર કેસોના નિકાલ અંગેના દાવાની તપાસ કરશે. વડાપ્રધાન અને હોમ ઓફિસે ગયા સપ્તાહમાં દાવો કર્યો હતો કે રાજ્યાશ્રયના પડતર કેસોની સંખ્યા ઘટાડવામાં સરકાર સફળ રહી છે. જોકે લગભગ એક લાખ જેટલા માઇગ્રન્ટ્સ હજુ તેમની અરજી પર નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે તેવા આંકડા જાહેર થયા બાદ વડાપ્રધાને જુઠ્ઠાણું ચલાવ્યું હોવાના આરોપ મૂકાઇ રહ્યાં છે.


