લંડનઃ ઇસ્લામોફોબિયા મુદ્દે વધી રહેલા વિવાદને ડામવાનો પ્રયાસ કરતા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટન રેસિસ્ટ દેશ નથી તેનો જીવંત પુરાવો હું છું. વડાપ્રધાને ચેતવણી આપી હતી કે બિનજરૂરી તણાવ નહીં વધારવા માટે કાળજી લેવાની તમામ રાજકીય નેતાઓની જવાબદારી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારી પ્રાથમિકતા કન્ઝર્વેટિવ પાર્ટી અને હાલની સ્થિતિ હળવી બનાવવાની છે. હું સ્પષ્ટપણે માનુ છું છે દરેક વ્યક્તિએ તેના શબ્દોનો ઉપયોગ કાળજીપુર્વક કરવો જોઇએ. જ્યારે તણાવ વ્યાપેલો હોય ત્યારે અમે સ્થિતિ વધુ વણસે તેમ ઇચ્છતા નથી.
ગાઝામાં ચાલી રહેલી લડાઇ મુદ્દે પોતાના મંતવ્યોના કારણે સાંસદોને અપાતી ધમકીઓ મધ્યે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર દ્વારા સંસદની પ્રક્રિયાના ઉલ્લંઘન મુદ્દે વડાપ્રધાન રિશી સુનાકે ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન માને છે કે સ્પીકર દ્વારા લેવાયેલો નિર્ણય એવો ભયજનક સંદેશ આપી રહ્યો છે કે ધમકીઓ અસરકારક પૂરવાર થઇ રહી છે. ગાઝામાં યુદ્ધવિરામ અને તેના પ્રસ્તાવની ચોક્કસ ભાષા અંગે મતદાન પર હાઉસ ઓફ કોમન્સમાં ભારે અંધાધૂંધી સર્જાઇ હતી. સ્પીકર લિન્ડસે હોયલેએ જણાવ્યું હતું કે, સાંસદોને મળી રહેલી ધમકીઓના કારણે મેં પ્રક્રિયામાં બદલાવનો નિર્ણય કર્યો હતો.
વડાપ્રધાન સુનાકે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં સંસદમાંથી એક એવો ભયજનક સંકેત ગયો છે કે ધમકીઓ કામ કરી શકે છે. આ બાબત આપણા સમાજ અને રાજનીતિ માટે ઝેર સમાન છે. તે બ્રિટનના મૂલ્યો અને સ્વતંત્રતાઓની પણ વિરુદ્ધ છે. આપણી લોકશાહી હિંસાની ધમકીઓ સામે ઝૂકી શકે નહીં અને એકબીજાને ધિક્કારતા ધ્રુવીકરણ કરતાં જૂથોના હાથમાં સોંપી શકાય નહીં.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓને સાંખી શકાય નહીં. કટ્ટરવાદીઓ આંદોલનોને હાઇજેક કરી રહ્યાં છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધમકીઓ આપવામાં આવી રહી છે, યહૂદી વિરોધી સંદેશાઓ સંસદભવન પર દર્શાવવામાં આવી રહ્યાં છે. યહૂદી વિરોધી વલણમાં થઇ રહેલો વધારો અસ્વીકાર્ય છે.

