લંડનઃ બ્રિટનમાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે. બ્રિટન સરકાર દ્વારા પોતાના દેશમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને આપવામા આવતા વિઝાના ક્વોટામાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કરવા જઇ રહ્યું છે. એટલે કે, અત્યારે વર્ષે ૩૦૦,૦૦૦ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવે છે તેને ઘટાડી ૧૭૦,૦૦૦ સુધી સીમિત કરી દેવામાં આવશે.
બ્રિટન આગામી દિવસોમાં આ સ્ટૂડન્ટ વિઝામાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો કરવા જઇ રહ્યું છે ત્યારે કેટલીક યુનિવર્સિટીના વડાઓએ જણાવ્યું હતું કે યુકે સરકારના આ પગલાથી સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે. બહુ જ સામાન્ય કારણોસર વિદ્યાર્થીઓની વિઝા અરજીને રદ કરવામાં આવી રહી છે કે જેથી બને એટલા ઓછાં વિદ્યાર્થીઓને બ્રિટનમાં પ્રવેશ આપી શકાય.
જોકે છેલ્લા ઘણા વર્ષોથી બ્રિટનમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટા પાયે પણ ઘટાડો થઇ રહ્યો છે. બ્રિટનમાં અભ્યાસ કરતા કે વિઝા માટે અરજી કરતા વિદ્યાર્થીઓમાં ભારત ત્રીજા ક્રમે છે, જ્યારે અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે.