લંડનઃ જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ગરમીએ યુરોપ સહિત યુકેમાં જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઓમેગા હીટ ડોમ ઇફેક્ટના કારણે બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં ગરમીનો પારો ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગયો હતો. યુરોપના ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટાલી અને સ્વિત્ઝર્લેન્ડ સહિતના 16 દેશોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટિગ્રેડને પાર કરી જતાં સેંકડો લોકો મોતને ભેટ્યાં હતાં. હજારો મકાનોમાં વીજળી ગૂલ થતાં લોકો શેકાઇ ગયાં હતાં. ગરમીથી રાહત મેળવવા એસી અને કૂલર ખરીદવા માટે પડાપડી સર્જાઇ હતી. શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી અને રેલવે તથા અન્ય પરિવહન સેવાઓ પર પણ વિપરિત અસર થઇ હતી.


