બ્રિટન સહિત યુરોપમાં ઓમેગા હીટ ડોમઃ ગરમીનો કાળો કેર

ફ્રાન્સમાં 1000થી વધુ અને સ્પેનમાં 200થી વધુના મોત, હજારો ઘરોમાં વીજળી ગૂલ, જંગલોમાં દાવાનળોની આફત, શાળાઓ બંધ કરવાની ફરજ પડી, એસી અને કૂલર ખરીદવા પડાપડી

Tuesday 30th June 2026 10:57 EDT
 
 

લંડનઃ ક્લાઇમેટ ચેન્જના પ્રતાપે ગયા સપ્તાહમાં બ્રિટન સમગ્ર યુરોપ વિક્રમજનક હીટવેવના સકંજામાં સપડાઇ જતાં બ્રિટન સહિતના દેશો ત્રાહિમામ પોકારી ગયાં હતાં. ઐતિહાસિક ઓમેગા હીટ ડોમના કારણે બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટાલી અને સ્વિત્ઝર્લેન્ડ સહિતના 16 દેશોમાં ગરમીના પારાએ દાયકાઓ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. સામાન્ય રીતે ઠંડા પ્રદેશ તરીકે ગણાતા યુરોપમાં જૂન મહિનામાં અનેક દેશોમાં તાપમાન 40 ડિગ્રી સેન્ટિગ્રેડને પાર કરી ગયું હતું. યુરોપના અંદાજે 19.1 કરોડ લોકો સરેરાશ 35 ડિગ્રીથી વધુ તાપમાનમાં શેકાઇ ગયાં હતાં.

ફ્રાન્સના પિસોસ શહેરમાં રવિવારે 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ તાપમાન 30 ડિગ્રી સેન્ટિગ્રેડને પાર થઇ ગયું હતું. રાતનું સરેરાશ તાપમાન 22 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સ્પેનના એંડુજારમાં મહત્તમ તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે જર્મનીના ડેવિટ્ઝમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આમ જર્મનીમાં અગાઉનો 41.3 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો હતો. ડેન્માર્ક જેવા ઠંડા પ્રદેશમાં પણ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું. ઇટાલીમાં સતત વધી રહેલી ગરમીના કારણે રોમ, મિલાન, વેનિસ સહિતના 18 શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયો હતો. ચેક રિપબ્લિકમાં 40.6 ડિગ્રી, પોલેન્ડમાં 40 ડિગ્રી અને પોર્ટુગલમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

રેકોર્ડ હીટવેવ મધ્યે ફ્રાન્સમાં 24થી 27 જૂન વચ્ચે 1000થી વધુ લોકોના મોત થયાં હતાં. છેલ્લા 4 દિવસમાં સ્પેનમાં 200થી વધુના મોત થયાં હતાં. ફ્રેન્ચ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં સૌથી વધુ 85 ટકા વડીલોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મોત ઘરોમાં જ થયાં હતાં.

કાળઝાળ ગરમીને પગલે હજારો ઘરોમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી અને સમગ્ર યુરોપમાં એસી, કુલર અને પંખાની ખરીદી માટે લોકોએ પડાપડી કરી હતી. અનેક દેશોમાં હજારો સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. જર્મની, સ્પેન અને ડેન્માર્કના જંગલોમાં દાવાનળ ફાટી નીકળતાં સંખ્યાબંધ લોકોને સ્થળાંતર કરાવવાની નોબત આવી હતી.

યુરોપમાં ક્યાં કેટલું તાપમાન

-          સ્પેનના એન્ડુજારમાં મહત્તમ 45.1 ડિગ્રી

-          સ્પેનના બલબોઆમાં 42.7 ડિગ્રી સાથે રેકોર્ડ તૂટ્યો

-          ફ્રાન્સના પિસોસમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર

-          ફ્રાન્સના પેરિસમાં 40.9 ડિગ્રી ગરમી

-          જર્મનીના ડેવિટ્ઝમાં 41.5 ડિગ્રી ગરમી

-          સ્વિત્ઝર્લેન્ડના બાસેલમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું

-          ચેક રિપબ્લિકના ડોકસાનીમાં 40.8 ડિગ્રી તાપમાન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter