લંડનઃ ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલા આર્થિક દબાણ વચ્ચે સ્ટાર્મર સરકારે ત્રીજા દેશોમાં રિફાઇન કરાયેલા રશિયન જેટ ફ્યુઅલ અને ડીઝલની આયાત પરના પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના જણાવ્યા અનુસાર બુધવારથી અમલમાં આવેલું આ વેપાર લાયસન્સ અનિશ્ચિત મુદત માટેનું છે અને તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે.
બ્રિટિશ સરકારે રશિયા પર લગાવેલા પોતાના કડક પ્રતિબંધોમાં મોટો ઘટાડો કર્યો છે. બ્રિટને એક નવું જનરલ લાઇસન્સ જાહેર કર્યું છે. આ નવા નિયમ અંતર્ગત ભારત અને તૂર્કીયેની રિફાઇનરીઓમાં રશિયાના ક્રૂડ ઓઇલમાંથી તૈયાર કરવામાં આવેલા ડીઝલ અને જેટ ઇંધણની આયાતને કોઈપણ સમય મર્યાદા વિના કાયદેસર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો નિયમ 20 મેથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે.
વર્ષ 2022માં રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા આક્રમણ બાદ યુકે અને અન્ય પશ્ચિમી દેશોએ મોસ્કો પર કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. હવે બ્રિટનનો આ નિર્ણય અમેરિકાના એ પગલા બાદ આવ્યો છે જેમાં યુએસ સરકારે દરિયામાં રહેલા રશિયન ઓઇલ કાર્ગો માટેની પ્રતિબંધ મુક્તિ બીજી વખત લંબાવી હતી. જો કે, અમેરિકા અને બ્રિટનના આ વલણની યુરોપિયન યુનિયન દ્વારા ટીકા કરવામાં આવી છે.
યુકેના ટ્રેઝરી મંત્રી ડેન ટોમલિન્સને બચાવ કરતા જણાવ્યું હતું કે આ ફેરફારો ચોક્કસ સમયગાળા માટે અને ખૂબ જ મર્યાદિત મુદ્દાઓ પૂરતા કરવામાં આવ્યા છે. સરકાર ભારપૂર્વક કહી રહી છે કે રશિયા પરના પ્રતિબંધો હજુ પણ વિશ્વમાં સૌથી કડક છે.


