બ્રિટન ૨૦૨૦ સુધીમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થીઓને સ્વીકારશે

Tuesday 08th September 2015 07:49 EDT
 
ગ્રીસમાં સિરીયન નિર્વાસિતોનો પ્રવાહ
 

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને હાઉસ ઓફ કોમન્સ સમક્ષ નિવેદનમાં બ્રિટન ૨૦૨૦ સુધીમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થીઓને સ્વીકારશે તેવી જાહેરાત કરી છે. જોકે, યુરોપમાં આવી ગયેલાં નિર્વાસિતોને બ્રિટનમાં આશ્રય નહિ મળે પરંતુ મિડલ ઈસ્ટમાં રઝળતાં શરણાર્થીઓને યુકેમાં લાવવામાં આવશે. આ લોકોને એક વર્ષ સુધી બ્રિટનમાં રાખવાના ખર્ચ પાછળ વિદેશી સહાય બજેટનો ઉપયોગ કરવામાં આવશે. કેમરને આંતરરાષ્ટ્રીય સહાય માટે જીડીપીના ૦.૭ ટકા ખર્ચવા જાહેર કર્યું છે. આ યોજનામાં અનાથ બાળકોને પ્રાથમિકતા મળશે. ૨૦,૦૦૦ શરણાર્થીના સ્વીકારની સંખ્યા રાજકીય વિરોધીઓ દ્વારા કરાયેલી ૧૦,૦૦૦ની સંખ્યા કરતા બમણી છે. જોકે, જર્મની દ્વારા આગામી બે વર્ષમાં ૩૫,૦૦૦ શરણાર્થી સ્વીકારવાના નિર્ણયની સરખામણીએ ઘણી ઓછી છે. મોટા ભાગના નિર્વાસિતો બ્રિટન આવવા ઈચ્છે છે ત્યારે ઈયુ દેશો, ટોરી સાંસદો, દાતાઓ અને કાઉન્સિલરોના ભારે દબાણના પરિણામે કેમરને અગાઉ નોર્થ આફ્રિકાના શરણાર્થીઓ માટે એસાઈલમ નીતિની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી હતી. લેબર પાર્ટીના નેતા ઈવેટ કૂપર અને તેમના પતિ એડ બોલ્સ, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન, સર બોબ ગેલ્ડોફ ઉપરાંત, કેટલાંક રાજકારણી અને સેલેબ્રિટીઝ સહિત આશરે ૨૦૦૦ લોકોએ પોતાના ઘરમાં નિર્વાસિતોને આશરો આપવાની ઓફર કરી હતી.

મિડલ ઈસ્ટ કેમ્પોના શરણાર્થીઓને જ આશરો

કેમરને કહ્યું હતું કે અસાદ શાસન અને જંગલી ISIS ત્રાસવાદીઓથી જીવ બચાવવા નાસી છૂટતાં લોકોને મદદ કરવા અને મિડલ ઈસ્ટની છાવણીઓમાં રઝળતાં ૨૦,૦૦૦ શરણાર્થીને સ્વીકારવા બ્રિટન તૈયાર છે. જોકે, યુરોપિયન ભૂમિ પર આવી ગયેલાં ૧૬૦,૦૦૦થી વધુ નિર્વાસિતોનો હિસ્સો સ્વીકારવાની બ્રસેલ્સની હાકલને તેમણે ફગાવી દીધી હતી. ઈટાલી, ગ્રીસ અને હંગેરીમાં હજારો નિર્વાસિતો આવી ગયાં છે ત્યારે બ્રસેલ્સ પ્લાન અન્વયે દેશની વસ્તી અને સંપત્તિના આધારે નિર્વાસિતોને આશ્રય અપાશે. જર્મની (૩૫,૦૦૦), ફ્રાન્સ (૨૬,૦૦૦) અને સ્પેન ૧૬,૦૦૦ શરણાર્થીને આશ્રય આપશે. ગરીબ બલ્ગેરિયા અને રોમાનિયા પણ હજારો લોકોને આશ્રય આપી શકે છે. બ્રિટને તેના ફાળે આવતાં ૧૭,૦૦૦ શરણાર્થીને આશ્રયનો ઈનકાર કરી દીધો છે.

કેમરને ચેતવણી આપી હતી કે મદદની કોઈ પણ ઓફર સલામતી મેળવવા વિનાશક સમુદ્રને ઓળંગવાની લાલચ સમાન બનવી ન જોઈએ. સમગ્ર દેશ હૃદયદ્રાવક તસવીરોથી હચમચી ગયો છે. બ્રિટન પોતાની નૈતિક જવાબદારી પૂર્ણ કરે તે જ યોગ્ય છે. બ્રિટન તેના યુરોપિયન સાથીઓની સાથે જ ભૂમિકા ભજવશે પરંતુ પોતાનો અલગ માર્ગ અપનાવશે. લેબર પાર્ટીના કાર્યકારી નેતા હેરિયટ હર્માને ઓફરને આવકારી હતી. સીરિયા કટોકટી મુદ્દે સૌથી વધુ માનવતાવાદી સહાયમાં બ્રિટન ઈયુમાં મોખરે છે અને વિશ્વમાં યુએસ પછી બીજા ક્રમે છે. કેમરને આજ સુધી અપાયેલી £૯૨૦ મિલિયન સહાય ઉપરાંત વધારાના £૧૦૦ મિલિયન મંજૂર કર્યા છે. આમ, જર્મની, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, ઈટાલી, હંગેરી, ઓસ્ટ્રિયા અને પોલેન્ડ દ્વારા સંયુક્ત સહાય કરતા પણ બ્રિટનનો ફાળો વધુ છે. તેમણે કહ્યું હતું કે બ્રિટને ૧૭ મિલિયન ફૂડ રેશન્સનો પ્રબંધ કર્યો છે. નવા ભંડોળનો અડધો હિસ્સો બાળકોના ફાળે જશે.

વડા પ્રધાન કેમરનની પીછેહઠ

કેમરને યુકેમાં મોટી સંખ્યામાં નિર્વાસિતોને આશ્રય નહિ આપવાના વારંવારના ઈનકાર પછી ભારે દબાણના પગલે નીતિવિષયક પીછેહઠ કરવાની ફરજ પડી છે. તુર્કીના સમુદ્રીતટ પર ત્રણ વર્ષના બાળક અયાન કુર્દીના મૃતદેહની તસવીરોએ પ્રજામાં હાહાકાર મચાવી દીધો હતો. લેબર પાર્ટીના જેરેમી કોપ્બિન અને એન્ડી બર્નહામ સહિત કેટલાંક રાજકારણી અને સેલેબ્રિટીઝ સહિતના આશરે ૨૦૦૦ લોકોએ પોતાના ઘરમાં નિર્વાસિતોને આશરો આપવાની ઓફર કરી હતી. જોકે, કાઉન્સિલના નેતાઓએ તેને નકારી ‘આભ ફાટ્યા પર થીંગડુ લગાવવા’ સમાન ગણાવી કહ્યું હતું કે નિર્વાસિતોના કોઈ પ્રવાહનો સામનો કરવા કાઉન્સિલોને વધુ સરકારી ભંડોળની જરૂર પડશે. નિર્વાસિતોને હાઉસિંગ ઉપરાંત આરોગ્ય સહિત અનેક જાહેર સેવાઓ આપવી પડે છે.

નિર્વાસિતોને આશ્રય માટે એક જ વર્ષનો ખર્ચ

કેમરને આંતરરાષ્ટ્રીય સહાય માટે જીડીપીના ૦.૭ ટકા ખર્ચવા જાહેર કર્યું છે. જોકે, આ બજેટ નિર્વાસિતોને બ્રિટનમાં એક વર્ષ માટે હાઉસિંગ અને નિભાવ ખર્ચ પાછળ જ વપરાશે. આનો અર્થ એ છે કે બ્રિટને તેના ડોમેસ્ટિક બજેટમાં કોઈ કાપ મૂકવો નહિ પડે. જોકે, કાઉન્સિલના નેતાઓ કહે છે કે નિર્વાસિતો અને ખાસ કરીને બાળકોનાં કારણે વર્ષો સુધી સેવાઓ પર બોજો વધી જશે. મેઈલ ઓન સન્ડેના અભિપ્રાય મતદાન અનુસાર ત્રણમાંથી એક વ્યક્તિએ વર્તમાન એસાઈલમ સીકર્સ કરતા વધુ સીરિયન માઈગ્રન્ટ્સને નહિ સ્વીકારવા, જ્યારે છમાંથી એક વ્યક્તિએ ૧૦૦૦થી ઓછાં શરણાર્થીને આશરો આપવા જણાવ્યું હતું. બ્રિટને વધુ નિર્વાસિતો સ્વીકારવા જોઈએની જાહેર પિટિશનને ૧૦૦,૦૦૦થી વધુ લોકોએ ટેકો આપ્યાના પગલે પાર્લામેન્ટમાં આ મુદ્દે ચર્ચા શરુ થઈ હતી.

સ્થાનિક કાઉન્સિલો દ્વારા ખર્ચ

સ્થાનિક કાઉન્સિલોએ લોકોના ઘરમાં નિર્વાસિતોને રાખવાની ઓફર ફગાવી દીધી છે. લોકલ ગવર્મેન્ટ એસોસિયેશનના ટોરી ચેરમેન કાઉન્સિલર ડેવિડ સિમોન્ડ્સે ચેતવણી આપી છે કે હાઉસિંગ માટે લાંબી વેઈટિંગ યાદી તેમ જ એસાઈલમ મંજૂરીની પ્રક્રિયાને જોતાં આવી ઓફર ત્રણ-ચાર વર્ષના લાંબા સમય માટે હોવી જોઈએ. અત્યારે પણ ઈંગ્લેન્ડની કાઉન્સિલો વર્ષે બાળકદીઠ £૫૦,૦૦૦ના ખર્ચ સાથે ૨૦૦૦ જેટલાં અનાથ નિર્વાસિત બાળકોને આશરો આપે છે. આ ઉપરાંત, રાજ્યાશ્રયનો દાવો ફગાવી દેવાયાં છતાં બ્રિટનમાં જ રહેતાં પરિવારો પાછળ £૧૫૦ મિલિયન ખર્ચ કરાયો છે.

યુકેની એસાઈલમ નીતિ

બ્રિટન શરણાર્થીઓને આશ્રયનો ઈનકાર કરે છે તેની ભારે ટીકા થાય છે. જોકે, હકીકત એ છે કે ૨૦૧૧ના આરંભથી યુકે દ્વારા આશરે ૫,૦૦૦ સીરિયનોને રાજ્યાશ્રય અપાયો છે. યુકેમાં આશ્રયનો દાવો કરવા વ્યક્તિ દેશમાં હાજર હોવો આવશ્યક છે. ગયા વર્ષે સમગ્ર વિશ્વના આશરે ૩૨,૩૪૪ પુખ્ત લોકો અને તેમના આશ્રિતોએ યુકેમાં એસાઈલમનો દાવો કર્યો હતો, જે સંખ્યા ૨૦૦૪ પછી સૌથી મોટી છે. ૨૦૧૫ના પ્રથમ ત્રણ મહિનામાં ૭,૪૩૫ લોકોએ અરજી કરી હતી. સીરિયન વલ્નેબરલ પરસન્સ રીલોકેશન સ્કીમ હેઠળ નિર્વાસિતોને સીરિયાથી લવાયા પછી તેઓ બ્રિટનમાં સ્થાયી થવા અરજી કરી શકે છે. અત્યાર સુધી ૨૧૬ વ્યક્તિનો પુનર્વાસ કરાયો છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને પણ યુકેની બંધ બારણાની રેફ્યુજી પોલિસી સમીક્ષા હેઠળ હોવાનું જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter