માન્ચેસ્ટર સિટી સેન્ટરમાં શિખ ધર્મગુરૂ પર હુમલો
માન્ચેસ્ટર સિટી સેન્ટર નજીક આવેલી એક સ્ટ્રીટ પર 28 વર્ષીય યુવક દ્વારા એક શિખ ધર્મગુરૂ પર હુમલો કરાયો હતો. શિખ ધર્મગુરૂ સડક પર બેભાનાવસ્થામાં મળી આવ્યા બાદ નોર્ધન ક્વાર્ટરમાં આવેલી તિબ સ્ટ્રીટ ખાતે પેરામેડિકલ કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું હતું કે, હિલ્ટન સ્ટ્રીટ નજીકના જંકશન પાસે તેમના પર હુમલો કરાયો હતો. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે હુમલા માટે 28 વર્ષીય યુવકની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી.
કિંગ્સબરીના બ્રેન્ટ પાર્ક ખાતે ભારતીય વૃદ્ધને માર મારી લૂટી લેવાયા
લંડનમાં પોતાના પુત્રની મુલાકાતે આવેલા એક ભારતીય વૃદ્ધ કિંગ્સબરીના બ્રેન્ટ પાર્કની મુલાકાતે ગયા હતા ત્યારે એક હુમલાખોરે તેમને માર મારી લૂટી લીધા હતા. હુમલાના કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે 42 વર્ષીય બેન્જામીન ક્લાર્કની ઇજા પહોંચાડવા ને લૂટના આરોપસર ધરપકડ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

