બ્રિટન ‘ક્લાઈમેટ ઈમર્જન્સી’ જાહેર કરનારો વિશ્વમાં પ્રથમ દેશ

Wednesday 08th May 2019 05:57 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટે બુધવાર પહેલી મેની રાત્રે અભૂતપૂર્વ પગલું લઈને એન્વિરોન્મેન્ટ એન્ડ ક્લાઈમેટ ઈમર્જન્સી માટે રાષ્ટ્રીય જાહેરનામાની ઘોષણા કરી હતી. આ સાથે બ્રિટન ‘ક્લાઈમેટ ઈમર્જન્સી’ જાહેર કરનારો વિશ્વમાં પ્રથમ દેશ બન્યો છે. હવે ‘ક્લાઈમેટ ઈમર્જન્સી’ તમામ સરકારી નીતિઓના કેન્દ્રસ્થાને રહેશે. 

ઉલ્લેખનીય છે કે ક્લાઈમેન્ટ ચેન્જના મુદ્દે પર્યાવરણીય જૂથ એક્સ્ટિંક્શન રીબેલિયન દ્વારા વિરોધી પ્રદર્શનોએ લંડનને ૧૧ દિવસ સુધી ખોરવી નાખ્યું હતું. આ ઉપરાંત, તરુણ પર્યાવરણીય કર્મશીલ ગ્રેટા થનબર્ગની પાર્લામેન્ટ મુલાકાત અને ડેવિડ એટેનબરોની ડોક્યુમેન્ટરી ‘ક્લાઈમેટ ચેન્જઃ ધ ફેક્ટ્સ’નાં પ્રસારણે પણ આ ઘોષણામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે તાજેતરમાં સ્વીડન સહિત યુરોપના દેશોમાં પણ સ્કૂલ સ્ટુડન્ટ્સ, યુવક-યુવતીઓએ ક્લાઇમેન્ટ ચેન્જના જોખમોને ધ્યાનમાં રાખીને દેખાવો કર્યા હતા.

યુકે કાનૂની રીતે ૨૦૫૦ સુધીમાં તેના કાર્બન એમિશનમાં ૮૦ ટકા ઘટાડા (૧૯૯૦ના સંદર્ભમાં) માટે કટિબદ્ધ છે. ગત દાયકામાં માત્ર ૧૮ વિકસિત અર્થતંત્રોએ તેમના કાર્બન એમિશન્સ ઘટાડ્યાં છે તેમાં એક બ્રિટન પણ છે. બ્રિટનની કેટલીક શહેરી અને સ્થાનિક ઓથોરિટીઝે પણ ૨૦૩૦ સુધીમાં કાર્બન ઝીરો બનવા તરફ પોતાની ‘ક્લાઈમેટ ઈમર્જન્સી’ નીતિઓ ઘડી છે.

ક્લાઈમેન્ટ ચેન્જના કારણે સમુદ્દો ગરમ થઈ રહ્યાં છે અને તેની અસર વાતાવરણની ગરમી પર પડે છે. વર્ષ ૨૦૧૬માં વિશ્વના ૧૯૭ દેશોએ પેરિસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી પૃથ્વીનું તાપમાન ૧૯મી સદીની સરખામણીએ ૧.૫ ડીગ્રી સેલ્સિયસથી વધે નહિ તેવા પગલાં લેવાં નિર્ણય કર્યો હતો. જો પેરિસ એગ્રીમેન્ટનું પાલન ન થાય અને વિશ્વ વધુ ચાર ડીગ્રી સેલ્સિયસ ગરમ થાય તો વૈશ્વિક અર્થતંત્રને કેટલું નુકસાન થાય તેના વિશે ઓસ્ટ્રેલિયામાં સંશોધન કરવામાં આવ્યું હતું, જે લાંબા ગાળે વાર્ષિક ૨૩ ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલું થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter