બ્રિટનના અર્થતંત્રમાં નવા પ્રાણ પૂરવા એન્ડી બર્નહામની 10 વર્ષીય આર્થિક યોજના

કેન્દ્રીય સત્તાનું વિકેન્દ્રીકરણ, પ્રાદેશિક રોકાણો વધારવા અને દરેક ક્ષેત્રમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરવા મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટ

Tuesday 30th June 2026 11:06 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીમાં વડાપ્રધાનપદના અગ્રીમ દાવેદાર એન્ડી બર્નહામે બ્રિટનની અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા 10 વર્ષીય આર્થિક મેપની જાહેરાત કરી હતી. બર્નહામે કેન્દ્રીય સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા, પ્રાદેશિક રોકાણો વધારવા અને દરેક ક્ષેત્રમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત એક મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટ રજૂ કરી છે.

ઇંગ્લેન્ડના મેયરોને વધુ સત્તાની ભલામણ

બર્નહામની આ યોજનાનું મુખ્ય કેન્દ્રબિંદુ સત્તાનું વ્યાપક વિકેન્દ્રીકરણ છે. તેઓ ઇચ્છે છે કે મેટ્રો મેયરો અને સ્થાનિક સત્તાધિકારીઓને સોશિયલ હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને કલ્યાણકારી નીતિઓ પર નોંધપાત્ર નિયંત્રણ મળે, જેથી પ્રાદેશિક નેતાઓ વ્હાઇટહોલના વિભાગો પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક જરૂરિયાતો અનુસાર આર્થિક નીતિ ઘડી શકે.

શું છે આ આર્થિક પ્લાન?

આ યોજના પુનઃઔદ્યોગિકીકરણ, હાઉસિંગ ક્ષેત્રનો વિસ્તાર, પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને લંડન-દક્ષિણ પૂર્વ સિવાયના પછાત પ્રદેશોમાં ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજો એક મહત્વનો પ્રસ્તાવ સરકારી ખરીદી પ્રક્રિયામાં સુધારાનો છે, જેથી સરકારી કોન્ટ્રાક્ટ્સનો મહત્તમ લાભ બ્રિટિશ ઉદ્યોગો, સ્થાનિક એપ્રેન્ટિસશીપ અને કુશળ રોજગારને મળે.

યુવા બેરોજગારી નાબૂદી અને "નંબર 10 નોર્થ"

બર્નહામના સૌથી આકર્ષક પ્રસ્તાવોમાં માન્ચેસ્ટરમાં "નંબર 10 નોર્થ"ની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ અંતર્ગત વડાપ્રધાનની ઓફિસના એક વિભાગને કાયમી ધોરણે લંડન બહાર ખસેડવામાં આવશે. યોજનાનો બીજો મોટો પ્રસ્તાવ યુવા બેરોજગારીનો સામનો કરવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter