બ્રિટનના ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તીઓની વસતી 50 ટકાથી નીચે

એક દાયકામાં નાસ્તિકોની સંખ્યામાં 12 ટકાનો ઉછાળો, લંડનમાં 25.3 ટકા વસતી બિનખ્રિસ્તી, મુસ્લિમોની વસતીમાં 12 લાખનો વધારો

Wednesday 30th November 2022 05:55 EST
 
 

લંડન

બ્રિટનના ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તીઓની વસતી 50 ટકા કરતાં ઓછી થઇ ગઇ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની કુલ વસતી કરતાં 50 ટકા કરતાં ઓછાએ પોતે ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું જણાવ્યું છે. 2021ના વસતી ગણતરીના આંકડા અનુસાર નાસ્તિકોની સંખ્યામાં 12 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે મુસ્લિમોની વસતીમાં 12 લાખનો વધારો થયો છે. વસતી ગણતરીમાં 46.2 ટકા લોકોએ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું જણાવ્યું છે. એટલે કે બ્રિટનમાં 2 કરોડ 75 લાખ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. 2011માં આ સંખ્યા 3 કરોડ 33 લાખ હતી.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર બ્રિટનમાં છેલ્લા એક દાયકામાં ખ્રિસ્તીઓની સંખ્યામાં 13.1નો મોટો ઘટાડો નોંધાયો છે. 2011માં બ્રિટનમાં ખ્રિસ્તીઓની વસતી 59.2 ટકા હતી જે 2021માં ઘટીને 46.2 ટકા પર પહોંચી છે.

ઇંગ્લેન્ડમાં લંડન ધર્મની દ્રષ્ટિએ સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ વસતી ધરાવે છે. લંડનમાં 25.3 ટકા લોકો ખ્રિસ્તી સિવાયના ધર્મને અનુસરે છે. સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં ખ્રિસ્તીઓની સૌથી વધુ વસતી છે. આ વિસ્તારમાં અન્ય ધર્મીઓની વસતી ફક્ત 3.2 ટકા છે.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શ્વેત લોકોની વસતીમાં પણ મોટો ઘટાડો થયો છે. 2021માં આ વિસ્તારોમાં શ્વેત લોકોની વસતી 81.7 ટકા નોંધાઇ હતી જે 2011ની વસતી ગણતરી પ્રમાણે 86 ટકા હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter