લંડનઃ વાઇલ્ડ લાઇફ ચેરિટી સંસ્થાઓએ આરોપ મૂક્યો છે કે બ્રિટનના ગ્રામીણ વિસ્તારોમાં રેસિઝમ ઠાંસી ઠાંસીને ભર્યું છે. આ વિસ્તારોના લોકો હજુ સંસ્થાનવાદી માનસિકતામાં જીવી રહ્યાં છે. ચેરિટી અમ્બ્રેલા ગ્રુપ વાઇલ્ડલાઇફ એન્ડ કન્ટ્રીસાઇડ લિન્કે દાવો કર્યો છે કે અમે ગ્રામીણ વિસ્તારોમાં રેસિઝમ અને તેના નેચરલ વર્લ્ડ પર પ્રભાવના પુરાવા સંસદ સમક્ષ રજૂ કર્યાં છે. ગ્રુપે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના સાંસદોને માહિતી આપી છે કે બ્રિટનના ગ્રામીણ વિસ્તારો હજુ પણ રેસિસ્ટ સંસ્થાનવાદી માનસિકતા ધરાવે છે. જેના કારણે શ્વેત લોકોના પ્રભાવ તળે ભયનું વાતાવરણ જોવા મળે છે.
દેશના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વ્હાઇટ બ્રિટિશ કલ્ચરલ વેલ્યૂઝની બોલબાલા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ શ્વેત માનસિકતા પ્રબળ છે જેના કારણે અન્ય વંશીય સમુદાયના લોકો આ વિસ્તારોમાં કુદરતી વાતાવરણનો લહાવો લઇ શક્તાં નથી. તેના કારણે વંશીય લઘુમતી સમુદાયો પણ ગ્રામીણ વિસ્તારોનો લાભ લઇ શક્તાં નથી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેસિસ્ટ સંસ્થાનવાદી વારસો યુકેમાં કુદરત પર પણ પ્રભુત્વ ધરાવે છે. જેને વ્હાઇટ સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે. દેશની ગ્રીન સ્પેસ પર શ્વેત લોકોનું પ્રભુત્વ છે જેના કારણે વંશીય લઘુમતી સમુદાયો ગ્રીન સ્પેસના ઉપયોગથી વંચિત રહે છે.

