બ્રિટનના ડો. પીટર વિશ્વના પ્રથમ સાયબોર્ગઃ તેમનું અડધું શરીર માણસનું છે અને અડધું રોબોટિક

Wednesday 27th November 2019 05:24 EST
 
 

લંડન: બ્રિટનના વિજ્ઞાની ડો. પીટર સ્કોટ-મોર્ગને મોત સામે હાર માની લેવાના બદલે તેની સામે બાથ ભીડવાની અનોખી રીત અપનાવી છે. તેમણે પોતાની જાતને વિજ્ઞાનના હાથમાં સોંપી દીધી છે. માંસપેશીઓની ગંભીર બીમારી સામે ઝઝૂમતા લંડનના વૈજ્ઞાનિક ડો. પીટર હવે માણસમાંથી સાયબોર્ગ (અડધો માણસ અને અડધો રોબોટ)માં ફેરવાઈ જવાના અંતિમ તબક્કામાં છે.
બે વર્ષ પૂર્વે જ્યારે ડોક્ટર્સે તેમને એમ જણાવ્યું કે તેમને મોટર ન્યૂરોન ડિસીસ છે ત્યારે તેમણે સાયબોર્ગ બનવાનો નિર્ણય લીધો હતો. આ જટિલ બીમારીમાં વ્યક્તિની માંસપેશીઓ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે અને આખરે મૃત્યુ પામે છે. જોકે ડો. પીટરે પોતાને આ બીમારી થઇ હોવાની જાણ થયા બાદ મોતની રાહ જોવાના બદલે બીમારીને પડકાર તરીકે સ્વીકારી છે. હવે તે ઇચ્છે છે કે જ્યારે તેઓ સંપૂર્ણપણે રોબોટમાં ફેરવાઈ જાય ત્યારે લોકો તેમને ‘પીટર ૨.૦’ના નામથી ઓળખે.
તેઓ વિશ્વની એવી પ્રથમ વ્યક્તિ છે કે જેમના શરીરના ત્રણ હિસ્સામાં યંત્ર લગાવાઈ ચૂક્યા છે. આ યંત્ર લગાવવા જૂન ૨૦૧૮માં તેમના શરીર પર શ્રેણીબદ્ધ સર્જરી કરવી પડી હતી. ડોકટર્સે ઓપરેશન કરીને તેમની અન્નનળી સીધી તેમના પેટ સાથે જોડી દીધી છે. તેમના પેટ સાથે એક વેસ્ટ બેગ જોડાઈ છે, જેથી તેમના મળનો નિકાલ થઈ શકે. તેમના ચહેરાને ચોક્કસ આકાર આપનારી સર્જરી પણ કરાઈ.

આથી હવે તેમનો ચહેરો રોબોટિક થઈ ચૂક્યો છે. તેમાં આર્ટિફિશિયલ માંશપેશીઓ લાગેલી છે. તે ચહેરામાં લગાવાયેલી આઈ કંટ્રોલીંગ સિસ્ટમની મદદ વડે આંખોના ઇશારાથી એક કરતાં વધુ કમ્પ્યૂટર્સનું સંચાલન કરી શકે છે.
પીટર પર છેલ્લું ઓપરેશન ૧૦મી ઓક્ટોબરે કરાયું. જેમાં તેમના મગજને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથે જોડવામાં આવ્યું અને પછી અવાજ બદલી નાંખવામાં આવ્યો. આ સર્જરી પહેલાં ડો. પીટરે કહ્યું હતું કે, ‘હું મરી નથી રહ્યો, પણ બદલાઈ રહ્યો છું.’
ડો. પીટરે કહ્યું હતું કે હવે તેઓ ‘પીટર ૨.૦’ બનવા જઈ રહ્યા છે. પહેલી વાર કોઈ માણસ આટલો એડવાન્સ્ડ રોબોટ બનવા જઈ રહ્યો છે. મારા શરીરના ઉપરનો ભાગ સંપૂર્ણપણે સિન્થેટિક થઈ જશે જ્યારે મગજનો થોડોક હિસ્સો રોબોટિક હશે. મારું શરીર હાર્ડવેર, સોફ્ટવેર, ડિજિટલ અને એનાલોગ થઈ જશે. મને ખબર છે કે માણસ તરીકે હું લગભગ મરી ચૂક્યો છું, પણ સાયબોર્ગ તરીકે જીવતો રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter