બ્રિટનના દેવાનું વ્યાજ પણ જંગીઃ ૨૦ વર્ષમાં £૫૨૦ બિલિયન

Wednesday 22nd November 2017 05:54 EST
 

લંડનઃ બ્રિટનનું રાષ્ટ્રીય દેવું વર્ષ ૨૦૦૦ પછી ૩૧૭ બિલિયન પાઉન્ડથી છ ગણું વધીને ૧.૮ ટ્રિલિયન પાઉન્ડ થયું છે. બ્રિટિશ કરદાતાના માથે આ જંગી દેવાંના વ્યાજનો બોજો પણ અધધ..૫૨૦ બિલિયન પાઉન્ડ થયો છે.

એટલે કે બ્રિટનના પરિવારદીઠ ૨૧,૦૦૦ પાઉન્ડના વ્યાજની ચુકવણી કરાય છે. સરકાર આ વર્ષે દેવાંના વ્યાજ તરીકે ૪૧.૫ બિલિયન પાઉન્ડ ચુકવશે. બ્રિટનનું બજેટ છેલ્લે ૨૦૦૦-૦૧માં સરપ્લસ હતું તે પછી સરકારોએ દેવાં અથવા તો બજેટખાધનો માર્ગ પકડ્યો છે.

ચાન્સેલર હેમન્ડ આગામી સપ્તાહે બજેટ રજૂ કરવાના છે ત્યારે NHS માટે ભંડોળ વધારવા, જાહેર ક્ષેત્રના કર્મચારીઓનું વેતન વધારવા, વિદ્યાર્થીઓના માથે ફીનો બોજ ઘટાડવા અને મકાનનિર્માણ માટે ભંડોળ સંહિત વધારાના નાણાની માગણીઓ તેમની સામે મૂકાઈ રહી છે. કોમ્યુનિટીઝ સેક્રેટરી સાજિદ જાવિદે હાઉસ બિલ્ડિંગ પ્રોગ્રામ માટે ૫૦ બિલિયન પાઉન્ડ મંજૂર કરવા માગણી મૂકી હતી, જેને ફગાવી દેવાઈ છે. હલ તો ૧૫ મહિનામાં દેવાં પરના વ્યાજની ચુકવણી કરવા પર ધ્યાન અપાઈ રહ્યું છે.

રાષ્ટ્રીય દેવું કૂદકે અને ભૂસકે ૨ ટ્રિલિયન પાઉન્ડની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે સરકારની ગણતરી આગામી પાંચ વર્ષમાં કરદાતાઓના વધુ ૨૦૦ બિલિયન પાઉન્ડ દેવાંના વ્યાજ તરીકે ચુકવવાની છે. જોકે, ફૂગાવો વધવા સાથે દેવાંનું બિલ પણ ઊંચે જવાનો ડર છે. હેમન્ડે આગામી દાયકાની મધ્યમાં સરકારી હિસાબ સરભર કરવાનો સંકેત આપ્યો છે, જેનો અર્થ એ થાય છે ૨૦૨૫ સુધીમાં તો સરપ્લસ બજેટ જોવાં મળશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter