લંડનઃ બ્રિટિશ મતદારો એવી ભ્રમજાળનો શિકાર બની રહ્યા છે કે સરકાર કોઈ રીતે માઈગ્રન્ટ્સ અને એસાઈલમ સીકર્સને યુકેના કિનારાઓ પર આવતા અટકાવી દેશે. આમ કરી શકાશે તેમ દર્શાવવાનો ઉપાય સમસ્યા સર્જી રહ્યો છે. યુકેમાં પ્રવેશવાના મજબૂર પ્રયાસોને ગુનાખોર પ્રવૃત્તિ ગણાવવા સાથે સરકારના નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલે વિવાદ ઉભો કર્યો છે. જોકે, હોમ ઓફિસ ગુપ્તપણે બ્રિટનમાં જન્મેલી વ્યક્તિઓની નાગરિકતા પણ છીનવી શકે તેવી અન્યાયી અને કઠોર જોગવાઈએ મુખ્યત્વે માઈગ્રન્ટ વારસા ધરાવનારા સહિત ૬ મિલિયન બ્રિટિશરોમાં વાસ્તવિક ચિંતા જન્માવી છે.
આ મહિને હાઉસ ઓફ લોર્ડ્સમાં બીજા વાચન માટે આવેલા નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલના ક્લોઝ ૯ હેઠળ હોમ ઓફિસને રાષ્ટ્રીય સુરક્ષાને હાનિકારી, જાહેર હિતમાં ન હોય અથવા અન્ય કારણોસર જેમની નાગરિકતા રદ કરવાનો ઈરાદો હોય તેઓને લેખિત નોટિસ આપવામાંથી મુક્તિ મળે છે. જોકે, જુલાઈમાં કોર્ટના એક વિપરીત ચુકાદાના કારણે કમિટી તબક્કામાં આ જોગવાઈનો છેલ્લી ઘડીએ ઉમેરો કરવો પડ્યો છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ જ પ્રકારે પોલિસિંગ બિલમાં છેલ્લી ઘડીએ મુસદ્દાની નીતિ અપનાવી હતી.જોકે, છેલ્લી ઘડીના શંકાસ્પદ ઉમેરાથી એવા કોઈ પગલાં દાખલ કરાયા નથી જેના પરિણામે રંગીન ત્વચાના લોકોને નાગરિકતા રદ કરવા સામે લડવાના વ્યવહારુ સાધનોથી વંચિત રાખી શકાય. નાગરિકતાનો અધિકાર જ અન્ય કાનૂની અધિકારો બક્ષે છે.
છેક ૨૦૦૬થી સરકારોએ નાગરિકતા રદ કરવાની ક્ષમતા વધારી છે અને પટેલે જાસૂસી, ત્રાસવાદ અને સંગઠિત ગુનાખોરી જેવા સંજોગોમાં બેવડી નાગરિકતા ધરાવનારાઓ સામે આ શસ્ત્ર ઉગામ્યું જ છે. તેઓ બ્રિટનમાં જન્મેલા લોકો માટે પણ આમ કરી શકે છે અને જો તેના પરિણામે વ્યક્તિ રાષ્ટ્રવિહોણો બની જાય તો પણ અન્ય દેશમાં નાગરિકતા મેળવી શકે છે.
આનો અર્થ એ છે કે વિદેશમાં જન્મેલા બ્રિટિશરો અથવા માઈગ્રન્ટ વારસા સાથેના અને કદાચ વિદેશી નાગરિકતાનો દાવો કરી શકનારા સંભવિત ૬ મિલિયન લોકો અન્ય નાગરિકોની સરખામણીએ વિષમ સંજોગોનો સામનો કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી તેમની પાસે તેમની નાગરિકતા છીનવવાના પ્રયાસોની જાણ કરાવાનો અધિકાર છે. બીજી તરફ, હોમ ઓફિસની દલીલ છે કે નાગરિકતા રદ કરવાની સત્તા એક સદી પહેલાથી અસ્તિત્વમાં છે, જેનો ઉપયોગ ભાગ્યે જ થયો છે અને આવા નિર્ણય સામે અપીલ કરવાનો અધિકાર રહ્યો જ છે. આવી સત્તાનો ઉપયોગ ૯/૧૧ પછી જ શરૂ કરાયો છે. આ ઉપરાંત, જન્મે બ્રિટિશ શમીમા બેગમનો કેસ દર્શાવે છે તેમ અપીલ કરવાનો અધિકાર પણ નિરપેક્ષ નથી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે તેની હકાલપટ્ટીને પડકારવા બ્રિટનમાં પ્રવેશનો તેનો અધિકાર જાહેર સલામતીની સરખામણીએ ઉણો ઉતરે છે.
હોમ ઓફિસની દલીલ છે કે બ્રિટિશ સિટિઝનશિપ અધિકાર નહિ પરંતુ, વિશેષાધિકાર-પ્રિવિલેજ છે હોમ સેક્રેટરીની વિવેકબુદ્ધિ અનુસાર જેમની નાગરિકતા છીનવાઈ જવાનો ડર છે તેવા બ્રિટિશરો માટે આ અપમાનજનક છે એટલું જ નહિ, કાયદામાં પડકારક્ષમ પણ છે. સિટિઝનશિપ વિશેષાધિકાર-પ્રિવિલેજ નહિ, અધિકાર છે જે આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કાયદાથી રક્ષિત છે અને બ્રિટન આ સંધિઓમાં સહભાગી છે.
(ફાઈનાન્સિયલ ટાઈમ્સના ૧૭ જાન્યુઆરીના તંત્રીલેખમાં નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલની વિવાદિત જોગવાઈ અને નાગરિકતા વિશે કરાયેલી છણાવટનો સારાંશ)


