બ્રિટનના પિયાનોવાદક પોલ બાર્ટનઃ ૧૦ વર્ષ હાથી માટે પિયાનો વગાડ્યો, હવે વાંદરા તેમના નવા શ્રોતા છે

Friday 04th December 2020 06:49 EST
 
 

લંડનઃ બ્રિટનના પિયાનોવાદક પોલ બાર્ટનને દુનિયા પ્રાણીઓના સાથેના વિશેષ સંબંધને કારણે ઓળખે છે. ખાસ કરીને હાથીઓ સાથે તેમનો સંબંધ અનોખો છે. જોકે, આ વખતે પોલની સ્ટોરી વાંદરાને કારણે વાઇરલ થઇ રહી છે. પોલ કેટલાક વર્ષ અગાઉ થાઇલેન્ડના પ્રવાસે ગયા હતા. મધ્ય થાઇલેન્ડના પ્રવાસન સ્થળો પર પિયાનો વગાડવા દરમિયાન લંગુરોનું ટોળું ક્યારેય તેમના વાળ ખેંચતું તો ક્યારેય હુમલો કરવા તૈયાર થઇ જતું હતું. જોકે હવે થાઇલેન્ડના શહેર લોપબુરીમાં આ જ વાંદરા શાંતિથી પિયાનો સાંભળે છે. આ વાંદરા પોલના શ્રોતા છે. લોપપુરીના ચાર મુખ્ય પ્રવાસન સ્થળ પર પોલ પિયાનો વગાડે છે. આ સ્થળે જ વાંદરાનો સૌથી વધુ આતંક છે. અહીં એક હિન્દુ મંદિર પણ છે.
અત્યારે પોલ નોર્ધર્ન ઇંગ્લેન્ડમાં પોતાના ગૃહનગર યોર્કશાયરમાં રહે છે. તેઓ જ્યારે ‘ગ્રીનસ્લીવ્સ’, ‘ફર એલીસ’, ‘ડાયરી ઓફ લવ’ ધૂન વગાડે છે તો વાંદરા ક્યારેક તેમની સાથે બેસી જાય છે. તો ક્યારેક સ્ટૂલ પર બેસીને શાંતિથી સાંભળે છે. પોલ કહે છે કે, ‘ભૂખ્યા રહેવાને કારણે વાંદરા ગુસ્સાવાળા બની જાય છે. જો વાંદરા સારી રીતે ખાય તો તેના કારણે તેઓ ગુસ્સાવાળા નહીં થાય અને તેમણે તણાવ પણ નહીં આવે. અત્યારે લોકડાઉનના કારણે પ્રવાસીઓ ઓછા છે, આથી વાંદરા માટે ભોજનનું સંકટ પેદા થઇ રહ્યું છે.’ પોલ વાંદરા પ્રત્યે જાગૃતિની દિશામાં કામ કરવા માગે છે. પોલ બાર્ટન લગભગ એક દાયકા સુધી અનેક અભયારણ્યમાં હાથીઓનો તણાવ દૂર કરવા પિયાનો વગાડતા રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter