બ્રિટનના મહારાણીથી પણ ધનિક છે અક્ષતા રિશિ સુનાક

Wednesday 02nd December 2020 04:50 EST
 
 

લંડનઃ ભારતની સૌથી મોટી આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ રિશિ સુનાક બ્રિટનના નાણા પ્રધાન છે. પરંતુ પોતાની સંપત્તિ જાહેર કરવામાં પારદર્શિતા ન દાખવવા બદલ તેઓ ટીકાકારોના નિશાન પર છે. વાત એમ છે કે નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતાની ઇન્ફોસિસમાં ૦.૯૧ ટકા હિસ્સેદારી છે, જેનું મૂલ્ય ૪,૩૦૦ કરોડ રૂપિયા છે. પરિવારની કંપનીઓમાં હિસ્સેદારીને કારણે અક્ષતા બ્રિટનની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ છે. ‘સન્ડે ટાઇમ્સ’ની યાદી મુજબ અક્ષતા બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ (દ્વિતીય)થી પણ વધુ ધનવાન છે. મહારાણી પાસે ૩,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે અક્ષતા મહારાણી કરતાં પણ ૮૦૦ કરોડ રૂપિયાની વધુ સંપત્તિ ધરાવે છે.

રજિસ્ટરમાં અક્ષિતા સિવાય કોઈનો ઉલ્લેખ નહીં

‘ધ ગાર્ડિયન’ અખબારે દાવો કર્યો છે કે અક્ષતા બીજી પણ ઘણી કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે, પણ રિશિએ સરકારી રજિસ્ટરમાં તેનો ઉલ્લેખ નથી કર્યો. રિશિ પાસે ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ બ્રિટનના સૌથી ધનિક સાંસદ પણ છે. નોંધનીય છે કે બ્રિટનમાં દરેક પ્રધાને તેમના એવા તમામ નાણાકીય હિત જાહેર કરવા જરૂરી છે કે જેનાથી પોતાના ફરજપાલન દરમિયાન હિતોનો ટકરાવ થવાની શક્યતા હોય. રિશિએ ગયા મહિને રજિસ્ટરને આપેલી માહિતીમાં અક્ષતા સિવાય કોઇનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે માત્ર એટલું જણાવ્યું છે કે અક્ષતા નાની કંપની કેટામારાન વેન્ચર્સ યુકે લિમિટેડની માલિક છે, પરંતુ લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અક્ષતાના અને તેમના પરિવારના બ્રિટનમાં બીજા પણ ઘણાં નાણાકીય હિત છે.

રાહત પેકેજ આપીને બ્રિટનમાં ચર્ચામાં રહ્યા

‘ધ ગાર્ડિયન’એ એક યાદી પણ પ્રકાશિત કરી છે, જેનાથી જાણવા મળે છે કે અક્ષતાની સંપત્તિ અબજ-ખર્વ રૂપિયામાં છે. અક્ષતા અને ઋષિની મુલાકાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઇ હતી. બંનેએ વર્ષ ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. કોરોનાકાળમાં બ્રિટનમાં રાહત પેકેજ આપીને રિશિ સુનાક ચર્ચામાં રહ્યા. તેઓ વડા પ્રધાન બોરિસ જોનસન બાદ સૌથી વધુ જાણીતા
પ્રધાન છે.

મૂર્તિ પરિવારનો તગડો બિઝનેસ પોર્ટફોલિયો

• ઇન્ફોસિસમાં સંયુક્ત હિસ્સેદારી ૧૭,૦૦૦ કરોડ રૂપિયા. બ્રિટનમાં ૧૦ હજારનો સ્ટાફ, સરકારી કોન્ટ્રાક્ટ.
• એમેઝોન સાથે ભારતમાં સંયુક્ત સાહસ ક્લાઉડટેલ: ૯૦૦૦ કરોડ રૂપિયા વાર્ષિક.
• બ્રિટનમાં જેમી ઓલિવર રેસ્ટોરાં ચેઇન ચલાવતી કંપની અને ભારતમાં બર્ગર ચેન વેન્ડીઝમાં હિસ્સેદારી.
• કોરુ કિડ્સમાં પણ હિસ્સેદારી અને ડિગ્મે ફિટનેસમાં ડાયરેક્ટર.
• નારાયણ મૂર્તિ બ્રિટનની પાંચ કંપનીઓમાં હિસ્સેદાર કે ડાયરેક્ટર છે.
• અક્ષતા સોફ્ટવેર કંપની સોરોકોના યુકે યુનિટનાં ડાયરેક્ટર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter