બ્રિટનના મોટા શહેરોમાં હજારો મકાનોનું નિર્માણ કરવા સુનાકની જાહેરાત

દુકાનો, ઓફિસ અને વ્યાવસાયિક ઇમારતોને રહેણાંકમાં તબદિલ કરી શકાશે

Tuesday 13th February 2024 12:16 EST
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે બ્રિટનના મોટા શહેરોમાં હજારો નવા મકાનોનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, યુવાઓને સારા રહેણાંક મળી રહે તે માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ હજુ ઘણું કરવાની જરૂર છે.

મંગળવારે જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર હાઉસિંગ ટાર્ગેટ હાંસલ નહીં કરી શકનાર અર્બન કાઉન્સિલો અસામાન્ય સંજોગોમાં જ બ્રાઉનફિલ્ડ જમીન પર પ્લાનિંગ પરમિશનનો ઇનકાર કરી શકશે. દુકાનો, ઓફિસો અને અન્ય વ્યાવસાયિક ઇમારતોને પણ પ્લાનિંગ પરમિશન વિના રહેણાંકમાં તબદિલ કરી શકાશે.

સરકારે જણાવ્યું છે કે આ બદલાવના કારણે દર વર્ષે ઇંગ્લેન્ડના 20 સૌથી મોટા શહેરી વિસ્તારોમાં હજારો નવા મકાનોનું નિર્માણ કરી શકાશે. વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, કથિત બ્રાઉન ફિલ્ડ જમીનો પર લાખો રહેણાંકના નિર્માણની તકો રહેલી છે.

ટાઇમ્સ અખબારમાં લખેલા એક આર્ટિકલમાં વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, ,તેઓ મકાનની માલિકીથી વંચિત રહેતી જનતાના આક્રોશથી સારી રીતે વાકેફ છે. યુવા પેઢી માટે નવા મકાનોનું નિર્માણ કરવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ હજુ ઘણું કરવાની જરૂર છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં નવી ગ્રીન ફિલ્ડ એસ્ટેટ પર દબાણ કરી શકાય નહીં. જો આપણે જનતાની ચિંતાઓની અવગણના કરીશું તો રહેણાંક મકાનોના પડકારના ઉકેલ માટે કશું કરી શકીશું નહીં.

સરકારની દલીલ છે કે નિયમોમાં બદલાવના કારણે લંડન પર સૌથી વધુ અસર પડશે. ઉચ્ચ માગ ધરાવતા વિસ્તારોમાં દર વર્ષે વધારાના 11,500 રહેણાંક મકાન ઉમેરી શકાશે. વડાપ્રધાને લંડનમાં દર વર્ષે 30,000 નવા મકાનના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મેયર સાદિક ખાનની નિષ્ફળતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજધાનીમાં નવા મકાનના નિર્માણની નિષ્ફળતાના કારણે ડેવલપર્સ શહેરની બહાર જઇ રહ્યાં છે. જેના કારણે પરાં વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારો પર દબાણ સર્જાઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter