લંડનઃ બ્રિટનના સૌથી અગ્રણી યહૂદી અને મુસ્લિમ ધાર્મિક આગેવાનો વચ્ચે એક ગુપ્ત મુલાકાત યોજાઇ ગઇ જેમાં ઐતિહાસિક સમાધાન કરાર કરાયા હતા અને કિંગ ચાર્લ્સ સમક્ષ રજૂ કરાયા હતા. ગયા સપ્તાહમાં બકિંગહામ પેલેસ ખાતે ધાર્મિક અગ્રણીઓ સાથેની મુલાકાત બાદ કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, હું આ અદ્દભૂત કવાયત અંગે જાણીને ઘણો ખુશ થયો છે. હું ઓછામાં ઓછું તેમનો યજમાન તો બની જ શક્તો હતો.
બ્રિટનના યહૂદી અને મુસ્લિમ સમુદાયો વચ્ચેના સંબંધોમાં સુધારા કરવાના પ્રયાસના ભાગરૂપે ગયા મહિનામાં ડ્યૂક ઓફ બ્યુકલેકના આમંત્રણથી ડમફ્રાઇસશાયરમાં ડ્રમલિનરિગ કેસલ ખાતે બંને સમુદાયના 11 ધર્મગુરૂઓ વચ્ચે મુલાકાત યોજાઇ હતી.
આ પહેલની આગેવાની સ્કોટિશ અહલુલ બાય્ત સોસાયટીના ચીફ ઇમામ સૈયદ રઝાવીએ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનમાં યહૂદી અને મુસ્લિમ સમુદાયો વચ્ચેના સંબંધો ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચી ગયા હતા.
બ્રિટનમાં હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયો પણ વસવાટ કરે છે. યહૂદી અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ આવકાર્ય છે પરંતુ બ્રિટનમાં તમામ ધાર્મિક સમુદાયો વચ્ચે સુમેળ સધાય તેવા પ્રયાસો પણ થવા જોઇએ.