લંડનઃ બ્રિટિશ રાજવી ઇતિહાસમાં પહેલીવાર રાજા દ્વારા લેવાનારા શપથમાં એક નવી પ્રતિજ્ઞા સામેલ કરવામાં આવી હતી. કિંગ ચાર્લ્સે તેમના શપથમાં યુનાઇટેડ કિંગડમને તમામ ધર્મોને આવકારનાર દેશ જાહેર કરીને પરંપરા બદલી નાખી હતી. 16મી સદીથી બ્રિટિશ રાજાને ખ્રિસ્તી ધર્મના સંરક્ષક ગણવામાં આવે છે. પરંતુ હવે યુકેમાં સ્થિતિ બદલાઇ છે. યુકેમાં ઘણા ધર્મના લોકો વસવાટ કરી રહ્યાં છે ત્યારે કિંગ દ્વારા તમામ ધર્મોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
રાજા દ્વારા લેવાયેલી આ નવી પ્રતિજ્ઞા કેન્ટરબરીના આર્ચબિશપ દ્વારા લખવામાં આવી હતી. જેમાં તમામ ધર્મના લોકો મુક્તપણે સ્વતંત્રતાથી વસવાટ કરી શકે તેવું વાતાવરણ પુરું પાડવાની વાત કરાઇ હતી.
રાજા દ્વારા લેવાનારા શપથમાં ઉમેરો કરીને રાજાશાહીને આધુનિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરના વર્ષોમાં બ્રિટિશ યુવાઓમાં રાજાશાહી વિરોધી લાગણીઓમાં વધારો અને બ્રિટનના પૂર્વ સંસ્થાનો દૂર થતા જતા હોવાને ધ્યાનમાં લેતાં આ ફેરફાર કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1953માં ક્વીન એલિઝાબેથ દ્વિતિયની તાજપોશી થઇ ત્યારે બ્રિટનમાં ખ્રિસ્તીઓની વસતી 80 ટકા કરતાં વધુ હતી પરંતુ 2021માં હાથ ધરાયેલી વસતી ગણતરી અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ફક્ત 46 ટકા જ ખ્રિસ્તી રહી ગયાં છે. તેની સામે નાસ્તિકોની સંખ્યા 37 ટકા થઇ છે.
બ્રિટિશ રાજવીઓને 16મી સદીથી હેનરી આઠમાના સમયગાળાથી ધર્મના સંરક્ષકનું ટાઇટલ અપાયું છે. પરંતુ 1994માં એક ડોક્યુમેન્ટરીમાં પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું હતું કે હું ધર્મના સંરક્ષકને સ્થાને ધર્મોના સંરક્ષક બનવાની ઇચ્છા રાખું છું. જે યુકેમાં તમામ ધર્મોને સંરક્ષણ આપવાની તેમની ઇચ્છા દર્શાવે છે. 2015માં પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે હું તમામ ધર્મને સંરક્ષણ આપવા કામ કરતો રહીશ.


