લંડનઃ બ્રિટને પોતાનો વિસ્તૃત નેશનલ સ્પેસ પ્રોગ્રામ તૈયાર કરવો જોઈએ અને યુકે સ્પેસપોર્ટ માટે સરકારે વધુ મહત્ત્વાકાંક્ષી બનવું જોઈએ તેવી માગણી સાંસદોએ કરી છે. બ્રિટિશ યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રથમ અંતરિક્ષયાત્રી મેજર ટીમ પીકના મિશન ‘એબોર્ડ ધ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’એ અંતરિક્ષ સંશોધનમાં નવેસરથી રસ જગાવ્યો છે. બ્રિટનના સ્પેસ અને સેટેલાઈટ ઉદ્યોગ પરના રિપોર્ટ અનુસાર યુકે સ્પેસ એજન્સીનો ૭૫ ટકા ખર્ચ યુરોપિયન સ્પેસ એજન્સી મારફતે થાય છે.
રિપોર્ટ મુજબ યુકેની સ્પેસ ઈકોનોમીનું એકંદર ટર્નઓવર વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૧.૮ બિલિયન પાઉન્ડ હતું અને ૩૫,૦૦૦થી વધુ લોકોને રોજગારી મળતી હતી. નાના ઉપગ્રહોના ઉત્પાદનમાં બ્રિટન વિશ્વમાં સૌથી મોખરે છે. સાંસદોએ જણાવ્યું હતું કે યુરોપિયન સ્પેસ એજન્સીમાં યોગદાનની સાથે યુકે સ્પેસ પ્રોગ્રામ પર ધ્યાન આપવાથી આ સેક્ટરમાં ફાયદો થાય તેમ છે. સરકારે ૨૦૩૦ સુધીમાં સ્પેસ ટેક્નોલોજીમાં ગ્લોબલ માર્કેટમાં યુકેના ૧૦ ટકા હિસ્સાનું લક્ષ્યાંક મૂક્યું છે. સ્પેસપોર્ટની યોજના સાથે ચાલતા પ્રોગ્રામમાં નવા ક્રાંતિકારી જેટ પાવર્ડ સ્પેસ પ્લેન એન્જિન્સ તૈયાર કરવા માટે ૬૦ મિલિયન પાઉન્ડના પબ્લિક મનીનું રોકાણ કરાયું છે.
સરકારની યોજના ૨૦૧૮ સુધીમાં યુકે સ્પેસપોર્ટ તૈયાર કરી દેવાની છે. તેને માટે ગ્લાસગો અને ન્યૂક્વેની સાઈટ્સ પસંદ કરાઈ છે. ભવિષ્યમાં કોમર્શિયલ સ્પેસ ફ્લાઈટ શરૂ કરવા માટે લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.


