લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકે 35 મિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું હતું જે અંતર્ગત યુકેના વિવિધ શહેરોમાં 16 ઓલ-વેધર ડોમ તૈયાર કરાશે. 2026 અને 2030ના ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચોના આયોજનને ધ્યાનમાં રાખીને આ ઓલ-વેધર ડોમ તૈયાર કરાશે.
2026માં ઇંગ્લેન્ડ અને વેલ્સ વિમેન્સ ટી20 વર્લ્ડકપનું આયોજન કરી રહ્યાં છે યારે 2030માં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડમાં મેન્સ ટી20 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થશે. રિશી સુનાકે જણાવ્યું હતું કે, આ ડોમ એ પ્રકારના હશે કે તેમાં આખું વર્ષ ક્રિકેટનું આયોજન કરી શકાશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું ક્રિકેટનો ચાહક છું તે બાબત ગુપ્ત નથી. વધુ યુવાઓ ક્રિકેટની રમત પ્રત્યે આકર્ષિત થાય તે માટે આપણે તેમને સપોર્ટ કરી શકીએ છીએ તેની મને ખુશી છે. અમે ગ્રાસ રૂટ ક્રિકેટમાં 35 મિલિયન પાઉન્ડનું રોકાણ કરી રહ્યાં છીએ જેના પગલે 9 લાખ કરતાં વધુ યુવાઓને કક્રિકેટ રમવામાં મદદ મળી રહેશે.
સુનાકે જેમ્સ એન્ડરસનની બોલિંગનો સામનો કર્યો
બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકને દરરોજ ક્રિકેટ રમતાં જોઇ શકાતા નથી. તાજેતરમાં તેઓ ઇંગ્લેન્ડની ટીમની નેટ પ્રેકટિસમાં સામેલ થયાં હતાં. રિશી સુનાકનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. તેઓ બેટિંગ પણ સારી કરી જાણે છે. વડાપ્રધાન સુનાકે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાં 700મી વિકેટ હાંસલ કરનાર એન્ડરસનની બોલિંગનો સામનો કર્યો હતો.


