બ્રિટનના સૌથી મોટા સાયબર ક્રાઈમનો પર્દાફાશઃ ૧૧૩ મિલિયન પાઉન્ડનું ફ્રોડ

Friday 23rd September 2016 06:45 EDT
 
 

લંડન, ગ્લાસગોઃ બ્રિટનમાં સૌથી મોટા અને વ્યાપક સાયબર ક્રાઈમમાં પાકિસ્તાની કૌભાંડી ફિઝાન હામિદ ચૌધરીની આગેવાનીમાં ૧૫ સભ્યની ગેંગ દ્વારા લોઈડ્ઝ અને આરબીએસ બિઝનેસ બેન્કિંગના આશરે ૭૫૦ ગ્રાહકો સાથે કરાયેલી ૧૧૩ મિલિયન (૯૮૨ કરોડ રૂપિયા) પાઉન્ડની છેતરપિંડી બહાર આવી છે. હામિદની ગેંગમાં બેન્કોના ભ્રષ્ટ અધિકારી પણ સામેલ હતા. નિર્દોષ ગ્રાહકોને તેમના ખાતાઓ હેક કરાયા છે તેમ કહ્યા પછી તેમના બેન્કિંગ પાસવર્ડ આપવા માટે છેતરવામાં આવતા હતા. કૌભાંડીઓએ આ રકમ વૈભવશાળી કાર, આલીશાન બંગલા ખરીદવા સહિત વૈભવી લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચી હતી. સધર્ક ક્રાઉન કોર્ટ કોર્ટ દ્વારા અગાઉ હામિદને ૧૧ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે. આ કૌભાંડનો પર્દાફાશ કરવા ૧૬ પોલીસ દળોના ૧૦૦ જેટલા અધિકારી કામે લાગ્યા હતા અને ડિટેક્વિઓએ એન્ટિ-ટેરર પદ્ધતિઓ અપનાવી હતી.

મનીલોન્ડરિંગના કાવતરા, છેતરપિંડી સહિતના ગુનાઓ માટે ચૌધરીની ૨૫ વર્ષીય ગર્લફ્રેન્ડ આયેશા નદીમને ૨૦ સપ્તાહ, જ્યારે ગેંગના એકાઉન્ટન્ટ અને હામિદના ભાઈ નૌમાનને સાડા ત્રણ વર્ષની સજા થઈ છે. એડિનબરાના અબ્દુલ ઈકબાલને ૨૧ મહિના, લુટનના સઈદ અલી અમીશને ૩૨ મહિના, સ્લાઉના સઈદ હૈદરને પાંચ વર્ષ અને મોહમ્મદ અઝહરને ૩૨ મહિના, ઈલ્ફર્ડમા બિલાલ અહેમદને ત્રણ વર્ષ, ચાર મહિનાની સજા થઈ છે. વોટફર્ડના મોહમ્મદ મેહતાબને આઠ મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ સજા, સ્લાઉની બુશરા શાબાબને બે વર્ષની સસ્પેન્ડેડ સજા, બે બહેનો એમી અને એમ્મા ડારામોલાની સજા સસ્પેન્ડ રાખવામાં આવી છે લોઈડ્ઝ બેન્કના ભ્રષ્ટ એકાઉન્ટ બિઝનેસ એડવાઈઝર, પટની, વેસ્ટ લંડનના જોન્સ ઓપારે-એડ્ડોને ખાતાકીય માહિતી આપવા બદલ પાંચ વર્ષની સજા કરાઈ છે.

આ ઉપરાંત ઓગસ્ટમાં, લંડનના નવીન દેવાલાપલ્લીને સાડા છ વર્ષની સજા, ગ્લાસગોના નરેશ સોમુને ૧૦ સપ્તાહની સજા થઈ હતી. મે મહિનામાં કાર્ડિફના શર્મિલા રવિચંદ્રન, નિકિતા કદમ અને હરિશક્તિમાલાયન પોન્નુસામીને અનુક્રમે આઠ, છ અને ૧૧ મહિનાની સજા ફરમાવાઈ હતી.

બર્નલીમાં જન્મેલા પાકિસ્તાની મૂળના કૌભાંડી ફીઝાન હામિદ ચૌધરીએ મિલિયોનેર પ્લેબોય સ્ટાઈલનું જીવન જીવવા માટે ૭૫૦થી વધુ બ્રિટિશ ફર્મ્સને ચુનો લગાવ્યો છે. બેન્કોના ગ્રાહકોને ફોન કરી દર મહિને આશરે ત્રણ મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી, પરંતુ સેંકડો જીવન બરબાદ કર્યા હતા. એક નાનો બિઝનેસ તો નાદારીના આરે પહોંચી ગયો હતો અને એક મહિલાએ આપઘાત કર્યો હતો.

પ્રોસીક્યુટરો માને છે કે છેતપિંડીના કુલ નાણામાંથી ૫૦ ટકા ફીઝાન હામિદ લેતો હતો અને વૈભવી લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચતો હતો. ચૌધરી બિઝનેસિસના મગજમાં તે સાચો બેન્ક કર્મચારી હોવાનું ઠસાવતો હતો. તેમણે આપેલી માહિતીથી ચોરાયેલા નાણા બટનના એક સ્પર્શથી પોતાના બેન્કખાતામાં અને ત્યાંથી સંખ્યાબંધ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતો હતો. આ પછી તેના સાથીઓ નાણા ઉપાડી લેતા હતા. કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે ચૌધરી ફ્રાન્સ ભાગી ગયો હતો. ગત નવેમ્બરમાં પેરિસમાં ત્રાસવાદી હુમલાઓ થયા ત્યારે બનાવટી પાસપોર્ટની સહાયથી પાકિસ્તાન જવાનો પ્રયાસ કરતો હતો ત્યારે તેની ધરપકડ કરાઈ હતી.

હામિદની ૧૯ સભ્યની મજબૂત ગેંગના કારનામા સધર્ક ક્રાઉન કોર્ટમાં ખુલ્યાં પછી કોર્ટે હામિદને ૧૧ વર્ષની જેલની સજા ફરમાવી હતી. લોઈડ્ઝ બેન્કમાં કસ્ટમર સર્વિસીસ આસિસ્ટ્ન્ટ્સ તરીકે કાર્યરત બે બહેનો એમી અને એમ્મા ડારામોલાને તેમણે આપેલા દરેક સ્ટેટમેન્ટ માટે ૨૫૦ પાઉન્ડ ચુકવાતા હતા. આ માહિતી સાથે ચૌધરી બિઝનેસ બેન્કિંગ કસ્ટ્મર્સને ફોન કરી ધીરાણકાર પાસેથી ફોન આવતો હોવાનું માનવા પ્રેરતો હતો. નિર્દોષ ગ્રાહકોને તેમના ખાતાઓ હેક કરાયા છે તેમ કહ્યા પછી તેમના બેન્કિંગ પાસવર્ડ આપવા માટે છેતરવામાં આવતા હતા.

ખરીદી માટે કોથળામાં રકમ લઈ જવાતી હતી

• કૌભાંડીઓ ખરીદી કરવા જતા ત્યારે કોથળાઓમાં રોકડ રકમ ભરીને લઈ જતા હતા.

• વિક્ટિમ્સને ગૂંચવવા ભ્રષ્ટ બેન્ક સ્ટાફ દ્વારા અપાયેલા કાયદેસરના બેન્ક ફોન નંબરોનો ઉપયોગ કરાતો હતો. ગેંગ દ્વારા અત્યાધુનિક ‘બર્નર’ મોબાઈલ ફોનનો ઉપયોગ થતો હતો, જેને દર ૨૪ કલાકે ફેંકી દેવાતા હતા.

• મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યા અનુસાર હામિદે પોતાની ગેંગ સાથે મળી જાન્યુઆરી ૨૦૧૩થી ઓક્ટોબર ૨૦૧૫ના ગાળામાં લોઈડ્ઝ, આરબીએસ, સેન્ટાન્ડર અને બાર્કલેઝ બેન્કોના ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી.

• ગ્લાસગોનો ૨૫ વર્ષીય રહેવાસી હામિદ બેન્કના ગ્રાહકોને કોલ કરી પોતાની ઓળખ બેન્કના ફ્રોડ ડિપાર્ટમેન્ટના સભ્ય તરીકે આપતો હતો. તે ગ્રાહકો પાસે તેમના એકાઉન્ટ સુધી પહોંચવા જરૂરી માહિતી મેળવ્યા પછી બેન્કના ભ્રષ્ટ સ્ટાફ સાથે મળી તેમના ખાતામાંથી નાણા ખાલી કરી નાખતો હતો. હામિદ અને તેની ગેંગે મોટા વકીલો અને એકાઉન્ટન્ટ્સ સહિત આશરે ૭૫૦ લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા.

• ફિઝી ઉપનામ ધરાવતા હામિદે એક ગ્લોસ્ટરશાયરની એક સોલિસિટર ફર્મ પાસેથી ગણતરીની મિનિટોમાં ૨.૨ મિલિયન પાઉન્ડ ચોરી લીધા હતા. લિવરપૂલની સોલિસિટર પેઢીએ ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ જ્યારે, એંગ્સ્લીની કાનૂની પેઢીએ ૬૭૦,૦૦૦ પાઉન્ડ ગુમાવ્યા હતા.

• આ કૌભાંડમાં લોઈડ્ઝ બેન્કના ત્રણ સભ્યને દોષિત ઠરાવ્યા છે. જોકે, આરબીએસ બેન્કિંગ ગ્રૂપના કર્મચારીનું નામ હજુ બહાર આવ્યું નથી.

• સધર્ક ક્રાઉન કોર્ટે બુધવાર ૨૧ સપ્ટેમ્બરે ગેંગના કેટલાક સભ્યોને સજા સંભળાવી હતી, જ્યારે કોર્ટ દ્વારા અગાઉ હામિદને ૧૧ વર્ષની જેલની સજા ફરમાવાઈ છે.

• લગભગ ૭૦ મિલિયન પાઉન્ડ લંડનની bureaux de change મારફત દુબઈ અને પાકિસ્તાન મોકલાયા હતા. પોલીસે ફ્રોડની રકમમાંથી ૪૭ મિલિયન પાઉન્ડ પરત મેળવ્યા છે.

કિંગ’ ફીઝાન હામિદ ચૌધરીની વૈભવી લાઈફ સ્ટાઈલ

• ફીઝાન હામિદ ચૌધરી પોતાને કિંગ તરીકે ઓળખાવતો અને તેના જેવી જ વૈભવી લાઈફ જીવતો હતો. તે જેટ વિમાનમાં પ્રવાસ કરતો અને પોપ સ્ટાર બિલાલ સઈદ સાથે પાર્ટીઓ કરતો હતો.

• ગોલ્ડ જ્વેલરીથી લથપથ રહેતો હામિદ પોતાની ઓળખ હોટ-શોટ મ્યુઝિક પ્રોડ્યુસર અને પ્રોપર્ટી ડીલર તરીકે આપતો હતો. તેણે બેન્ટલી, રોલ્સ રોઈસ, લેમ્બર્ગિની ઉપરાંત, માનિતી બે પોર્શ કારનો કાફલો એકત્ર કર્યો હતો. તે પોર્શ કારને પોલીશ કરાવવા માણસોને સ્કોટલેન્ડથી પાકિસ્તાન સહિત દુનિયાભરમાં મોકલતો હતો.

• હામિદે લાખો પાઉન્ડ લાહોર, પાકિસ્તાન, દુબઈ અને સ્કોટલેન્ડમાં પ્રોપર્ટી ખરીદવા ખર્ચ્યા હતા. તે અવારનવાર હેરોડ્ઝ સ્ટોરમાં ૧૦૦,૦૦૦ પાઉન્ડ લઈ ખરીદી કરવા જતો અને ૪૫,૦૦૦ પાઉન્ડ કિંમતની રોલેક્સ ઘડિયાળો તેમજ વેર્સાશે બ્રાન્ડના મોંઘા વસ્ત્રો ખરીદવામાં જરા પણ વિચારતો નહિ.

• આ ઉપરાંત, હામિદ મિડલ ઈસ્ટમાં વૈભવી વેકેશન્સ માણવા સાથે રણમાં વાઘ સાથે લટાર મારવાનો શોખ પણ ધરાવતો હતો.

• કૌભાંડના સૂત્રધારને ૧૬ વર્ષની વયે પહેલી વખત ફ્રોડ માટે સજા થઈ હતી. તેણે જુલાઈમાં ફ્રોડ અને મની લોન્ડરિંગના ગુના કબૂલ્યા હતા, પરંતુ તેને મદદ કરનારા બેન્ક કર્મચારીઓના નામ આપવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter