બ્રિટનનાં 5G નેટવર્ક નિર્માણમાં ચીની ટેલિકોમ હુવેઈની મદદ

કેબિનેટ મિનિસ્ટરોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીઃઈન્ટેલિજન્સ અધિકારીઓ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા ચાઈનીઝ કંપનીને સામેલ કરવાથી જોખમની ચેતવણી

Wednesday 01st May 2019 02:46 EDT
 
 

લંડનઃ બ્રિટનનાં નવાં 5G નેટવર્ક નિર્માણમાં વિવાદાસ્પદ ચીની ટેલિકોમ જાયન્ટ કંપની હુવેઈની મર્યાદિત મદદ લેવાનો નિર્ણય થેરેસા મેના વડપણ હેઠળની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા લેવાયો છે. સાજિદ જાવિદ, જેરેમી હન્ટ,ગેવિન વિલિયમસન સહિતના કેબિનેટ મિનિસ્ટરોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. નવાં 5G નેટવર્કના એન્ટેના તેમજ બિનઆવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં કામકાજમાં તેની મદદ લેવાશે.

વરિષ્ઠ બ્રિટિશ ઈન્ટેલિજન્સ અધિકારીઓ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિટીએ ચાઈનીઝ કંપનીને આ રીતે સામેલ કરવાથી થનારાં જોખમની ચેતવણીઓ આપ્યાં છતાં વડા પ્રધાને આવો નિર્ણય લીધો છે. યુએસ દ્વારા તેના સરકારી નેટવર્ક્સમાંથી હુવેઈ પર પ્રતિબંધ મૂકાયો છે તેમજ યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને કેનેડા સહિત અન્ય દેશોને પણ અનુસરવા જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે તેમના 5G નેટવર્ક્સ સાધનો સપ્લાય કરવામાં હુવેઈને બ્લોક કરેલ છે. ઈરાન વિરુદ્ધ યુએસના પ્રતિબંધોના ભંગ કરી બેન્ક અને વાયર ફ્રોડના આરોપસર હુવેઈના સ્થાપકના પુત્રી અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર મેન્ગ વાન્ઝોઉની કેનેડામાં ડિસેમ્બરમાં ધરપકડ કરાઈ હતી. તેણે આરોપો નકાર્યાં હતાં અને તેના પિતાએ આરોપો રાજકીય હેતુપ્રેરિત હોવાનું કહ્યું હતું.

બ્રિટિશ MI6ના વડા એલેક્સ યંગરે અગાઉ, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચાઈનીઝ માલિકીની કંપનીઓની સામેલગીરીથી બ્રિટનને કેટલો સંતોષ મળશે તે વિચારવાની ચેતવણી આપી હતી. ચાઈનીઝ કંપનીઓએ તેમના દેશની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સાથે ફરજિયાત સહકાર સાધવાનો રહે છે. આના કારણે પશ્ચિમના દેશોમાં ભારે ચિંતા રહે છે. હુવેઈએ ચીનની સરકાર સાથે કોઈ સંબંધ હોવાનું નકાર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter