બ્રિટનનાં આ બહેન બહુ ભારેખમ

Wednesday 06th May 2015 06:00 EDT
 
 

લંડનઃ તમને ફોટોગ્રાફમાં જોવા મળતી જ્યોર્જિયા ડેવિસની ઉંમર માત્ર ૨૨ વર્ષ છે, પણ વજન અધધધ ૩૮૧ કિલોગ્રામ છે. એક સમયે બ્રિટનની ફેટેસ્ટ ટીનેજરનો ખિતાબ ધરાવતી જ્યોર્જિયા અત્યાર સુધી તો ખાઇપીઇને જલ્સો કરતી હતી, પણ ગયા સપ્તાહે તેની તબિયત બગડી ત્યારે તેને સમજાયું હશે કે મહાકાય કાયાથી કેવી હાલાકીનો સામનો કરવો પડે છે. આમ તો ઘરમાં હરીફરી શકતી જ્યોર્જિયાની તબિયત બગડતાં તેણે ઇમર્જન્સી મેડિકલ સર્વિસ માટે ફોન કર્યો. એમ્બ્યુલન્સ તો ટોં...ટોં.... કરતી તરત તેના સાઉથ વેલ્સના નિવાસસ્થાને પહોંચી ગઇ,  પણ જ્યોર્જિયાને ઘરમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈ જવા માટે લગભગ ૪૦ જણાને કામે લગાડવા પડ્યા હતા. અને તેને ઘરમાંથી એમ્બ્યુલન્સમાં મૂકીને હોસ્પિટલ પહોંચાડવાનું કામ પૂરું કરતાં જાયન્ટ ટીમને પૂરા સાત કલાક લાગ્યા હતા. સૌથી પહેલાં તો તેના ઘરના દરવાજા તોડવા પડ્યા. આ પછી ક્રેનની મદદથી તેને ઊંચકીને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવી હતી. ત્રણ સ્ટ્રેચર ભેગા કરીને તેના પર જ્યોર્જિયાને સુવડાવવામાં આવી હતી. જ્યોર્જિયાને હોસ્પિટલે પહોંચાડવામાં કંઇ ગરબડ ન થાય તે માટે એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયરફાયટર્સ અને પોલીસના લગભગ ૧૨ ઇમર્જન્સી વાહનોને ઘરની બહાર તહેનાત રાખવામાં આવ્યાં હતા. બે વર્ષ પહેલાં પહેલાં પણ જ્યોર્જિયાને હોસ્પિટલ પહોંચાડવા માટે લગભગ આવી જ ધમાલ થઇ હતી. તે સમયે જ્યોર્જિયા બીજા સ્થળે રહેતી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter