બ્રિટનનાં ગૃહમંત્રીએ ડ્રાઈવિંગ દંડ ટાળવાનો પ્રયાસ કરતા પસ્તાળ પડી

હોમ સેક્રેટરીના રાજીનામાની માગ, સુનાકની વધુ એક અગ્નિપરીક્ષા

Tuesday 23rd May 2023 13:40 EDT
 
 

લંડનઃ બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેન ગયા વર્ષે જ્યારે દેશની એટર્ની જનરલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે લંડનની બહાર ઝડપી ગતિએ કાર ચલાવતા પકડાયા હતા. ત્યારે તેમણે ડ્રાઈવિંગ દંડ ન ભરવા માટે પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ ભારતીય મૂળના કેબિનેટ મંત્રીએ કથિતરૂપે ફાઈન નિવારવા જાગરૂકતા કોર્સના સ્થાને વન – ટુ - વન કોર્સની વ્યવસ્થા કરવા સરકારી કર્મચારીઓ પર દબાણ કર્યું હોવાનું કહેવાય છે. કર્મચારીઓએ મનાઈ કરતા તેમણે પોતાની રાજકીય વગ વાપરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આ પ્રકરણ બ્રિટનમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયું છે અને વિપક્ષો બ્રેવરમેને મંત્રી તરીકે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો કે કેમ તેની ચકાસણી કરવા સ્વતંત્ર તપાસ કરવાની માગ કરી રહ્યા છે.

જો કે મંત્રીની નજીકના સુત્રોએ જણાવ્યું હતું કે પેનલ્ટી પોઈન્ટ સ્વીકારતા આ પ્રકરણ સમાપ્ત થઈ ગયું હતું. ઉપરાંત વધુ રોડ સેફ્ટી પેનલ્ટી ન થાય તો આ કેસ આપમેળે બંધ થઈ જાય છે. કેબિનેટ ઓફિસે પુષ્ટી કરી કે તેઓ આ બાબત વિશે જાણે છે પણ તેમણે સરકારી વિભાગો વચ્ચે કોઈ વાતચીત થઈ હોવાની બાબતે ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો. હાલ બ્રેવરમેનના કાર્યો વિશે તપાસ થઈ રહી છે અને લોકો બ્રિટનની કાનૂની પ્રણાલીની અખંડિતતાને જાળવી રાખવા અને તેના અમલ માટે જવાબદારની વર્તણૂક પર ભાર આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter