લંડન - બ્રિટનમાં રહેતા ભારતીયો સારા સમાચાર છે. બ્રિટનની લગભગ 1500 શાળાઓમાં આઠ વર્ષ બાદ હિન્દી ભાષાનું શિક્ષણ ફરી શરૂ થશે. સુનાક સરકારે ડિસેમ્બર 2023થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી હિન્દી ભાષાના અભ્યાસ માટે પુસ્તકો અને નવા શિક્ષકોની ભરતી માટે કવાયત શરૂ કરી છે.
બ્રિટનમાં 2005થી 2015 સુધી હિન્દીને ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ જેવી બીજી ભાષા તરીકે શાળાઓમાં વિક્લ્પ તરીકે સ્થાન મળ્યું હતું. જો કે આ પ્રણાલી દસ વર્ષ સુધી ચાલી હતી પરંતુ શાળાઓમાં હિન્દીના પ્રચાર પ્રત્યે તત્કાલીન સરકારોના અનિચ્છાભર્યા વલણને કા૨ણે તેને બંધ કરવી પડી હતી. હવે સરકારે શાળાઓમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે લગભગ બે કરોડ રૂપિયાના પ્રારંભિક બજેટ સાથે આ મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ યોજના પાછળનું એક મહત્વનું કારણ છેલ્લા 22 વર્ષમાં બ્રિટનમાં ભારતીયોની વસ્તીમાં થયેલો વધારો છે. 2021ની યુકેની સત્તાવાર વસ્તી ગણતરી અનુસાર અહીં 18,64,318 ભારતીયો હતા. આ સંખ્યા 2001ની સરખામણીમાં 50% વધુ છે. ભારતીયો દ્વારા હિન્દીને અભ્યાસક્રમમાં સામેલ કરાવવાની સતત માગ કરાઇ હતી. ભારતીય સમુદાયના નેતા હરમીત સિંહે શાળાઓમાં હિન્દી સિવાય પંજાબી, બંગાળી, તેલુગુ, તમિલ, ગુજરાતી અને મલયાલમ ભાષા પણ ભણાવાય તેવી આશા વ્યક્ત કરી છે. બ્રિટનના શિક્ષણ મંત્રી નિક ગિબે આ અંગે ઝડપી નિર્ણય લેવાની ખાતરી આપી છે.
બ્રિટનમાં રહેતા ડૉ. બ્રજેશસિંહે જણાવ્યું કે હવે ભારતીયો તેમના બાળકોને ખાનગી કોચિંગ સેન્ટરોમાં મોકલે છે. જો કે પ્રવાસી ભારતીયોના બાળકો ઘણી હદ સુધી હિન્દી બોલી શકે છે અને સમજી શકે છે, પરંતુ મૂળાક્ષરોનું યોગ્ય જ્ઞાન નથી. બાળકો હિન્દ મૂળાક્ષરો વાંચી શકતા નથી. જો કે, લંડન અને માન્ચેસ્ટરમાં કેટલાક જુથો છે જ્યાં લોકો દર અઠવાડિયે મળે છે અને હિન્દીમાં વાત કરે છે. જેથી મૂળ ભારતીયનું હિન્દી સાથે જોડાણ જળવાઈ રહે. બ્રિટનમાં હિન્દીના સમર્થકોમાં બ્રિટિશ સાંસદ ગાર્થ થોમસ પણ સામેલ છે.તેમનું માનવું છે કે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તેમણે પણ પાછળ છોડી દીધું છે. બ્રિટનને શાળાઓમાં હિન્દી ભણાવવાનું શરૂ થશે તો બ્રિટિશ બાળકો પણ આવનારા વર્ષોમાં હિન્દી વાંચીને પોતાને ભારત સાથે જોડી શકશે.
બ્રિટનની યુનિ.ઓમાં હિન્દીના વિદ્યાર્થીઓની સંખ્યામાં14%નો વધારો
બ્રિટિશ કાઉન્સિલ અનુસાર, લંડન સ્કૂલ ઑફ હિન્દી, સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હિન્દી ભાષાના અભાસક્રમો ચાલે છે. ઉચ્ચ શિક્ષણ આંકડાકીય એજન્સી અનુસાર, 2020-21 શૈક્ષણિક સત્રમાં 700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે 2019- 2020 કરતાં 14 ટકા વધુ છે. બ્રિટિશ મૂળના વિદ્યાર્થીઓમાં લેટિન જેવી ભાષાઓ પ્રત્યેનું વલણ ઘટી રહ્યું છે. જ્યારે હિન્દી ભાષાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. બ્રિટનની સાથે વેલ્સમાં પણ યુનિવર્સિટીઓમાં હિન્દી તરફ વિદ્યાર્થીઓનું વલણ વધ્યું છે.


