લંડનઃ બ્રિટિશ કોર્ટ્સની કાર્યવાહીને વધુ નિખાલસ અને પારદર્શી બનાવવા પાઇલટ યોજના હેઠળ પ્રથમ વાર ક્રાઉન કોર્ટમાં ટેલિવિઝન કેમેરાની મંજૂરી અપાયાની જાહેરાત જસ્ટિસ મિનિસ્ટર શૈલેષ વારાએ કરી છે. લંડનની ઓલ્ડ બેઈલી સહિતની આઠ કોર્ટમાં વરિષ્ઠ જજીસ દ્વારા સજાના સંદર્ભમાં કરાયેલી ટિપ્પણીઓનું કવરેજ કરી શકાશે પરંતુ તેનું પ્રસારણ કરી શકાશે નહિ.
ભારતીય મૂળના ૫૫ વર્ષીય કન્ઝર્વેટિવ નેતા વારાએ જણાવ્યું કે કોર્ટોમાંની કાર્યવાહીના ટીવી કવરેજની મંજૂરી વધુ નિખાલસતા અને પારદર્શકતા તરફ દોરી જશે અને આ પગલાથી લોકો જજીસને જોઈ શકશે અને તેમના શબ્દોમાં ચુકાદા સાંભળી શકશે. નોંધપાત્ર બાબત એ છે કે ટીવી કેમેરામાં માત્ર જજીસની કામગીરીનું કવરેજ કરી શકાશે.

